દાવત : પૂર્વ-પશ્ચિમના સુભગ સંગમ જેવી વાનગી
પનીર લોલીપોપ
સામગ્રી :
૨૦૦ ગ્રામ પનીર, ૧ ઇંચ આદુંનો ટુકડો, ૪-૬ કળી લસણ, ૧ ઝીણી સમારેલી ડુંગળી, ૩ સમારેલાં લીલાં મરચાં, ૪ ચમચા ઝીણી સમારેલી કોથમીર, ૩ બાફેલાં બટાટા, ૧/૨ ચમચી સોયાસોસ, ૧/૨ ચમચી ખાંડ, મીઠું સ્વાદાનુસાર, ૧/૪ કપ મેંદો, ૧૬ બેબીકોર્ન, ૨૧/૨ ચમચા કોર્નફ્લોર.
રીત :
પનીર બરાબર મસળી લો. બટાટાં પણ બરાબર મસળી લો. એમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, કોથમીર, લસણ, આદું, સોયાસોસ, ખાંડ, મીઠું અને કોર્નફ્લોર નાખીને બટાટાં અને પનીરનું મિશ્રણ તૈયાર કરો.
હવે આ મિશ્રણ ૧૬ ભાગમાં વહેંચો. બેબી કોર્નના જાડા ભાગ તરફ આ મિશ્રણ હાથથી દબાવી લગાવો. પછી મેંદાનું ખીરું બનાવો. તેમાં બેબીકોર્ન બોળીને તેલમાં ડ્રાય કરો પછી તીખા સોસ સાથે પીરસો.
મકાઈના સમોસા
સામગ્રી :
૧ કપ તાજા અથવા સીલબંધ ડબ્બામાં મળતા મકાઈના દાણા, ૧,૧/૨ કપ મેંદો, ૨ ચમચા તેલ, ૧ લીલું મરચું ઝીણું સમારેલું, ૧ ઇંચ આદુંનો સમારેલો ટુકડો, ૧/૨ ચમચી વરિયાળી, ૧/૨ ચમચી શેકીને પીસેલું જીરું, ૫-૬ દમદાર વાટેલાં કાળા મરી, ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી ચણાનો લોટ, મીઠું સ્વાદાનુસાર.
રીત : મેંદામાં મીઠું નાખીને બરાબર ચાળી લો. એમાં એક ચમચી તેલ નાખી ખૂબ મસળો. હવે તેમાં જરૂર જેટલું પાણી નાખીને કઠણ લોટ બાંધો. તેને ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકી રાખો. મકાઈના દાણા બાફીને થોડા જાડા વાટી લો. એક કઢાઈમાં અડધો ચમચો તેલ ગરમ કરો. ચણાનો લોટ થોડો શેકીને બહાર કાઢી લો. અડધો ચમચો તેલ, આદું, લીલાં મરચાં, જાડા વાટેલા મકાઈના દાણા, મીઠું, વરિયાળી, કોથમીર, ચણાનો લોટ વગેરે નાખી બે મિનિટ સુધી શેકીને મિશ્રણ ઠંડું થવા દો.મેંદાના નાના નાના લૂઆ બનાવી તેમાંથી ગોળ રોટલી વણો. પછી વચ્ચેથી કાપીને હાથથી કોન બનાવો. એમાં કોર્ન મસાલો ભરો. પછી સમોસાની જેમ બંધ કરી ગરમ તેલમાં તળી લો.
પીટા સેન્ડવિચ
સામગ્રી :
૪ નંગ બ્રેડ, ૪૦૦ ગ્રામ મશરૂમ, ૨ ટામેટાં, ૧ કેપ્સિકમ, ૧ મોટી ડુંગળી, ૧ સેલડ પાન, ૨ ચમચા તેલ, ૧/૨ ચમચી વાટેલા દમદાર કાળા મરી, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ કપ ઘટ્ટ દહીં, ૧/૨ કપ ક્રિમ, ૧ કાકડી ઝીણી સમારેલી.
રીત :
મશરૂમ અને કેપ્સિકમ ધોઈને સમારી લો. એક પેનમાં તેલ ગરમ કરો. પહેલાં ડુંગળી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળી લો. પછી મશરૂમ, કેપ્સિકમ, મીઠું, કાળા મરી, નાખી થોડાં સાંતળી લો.
ટામેટાંનાં ગોળ ગોળ પતીકાં કરો. સેલડ પાનના મોટા ટુકડા કરો. કાકડી ઝીણી સમારો. દહીંમાં ક્રિમ નાખીં કાકડી મિક્સ કરો.
પીટા બ્રેડ અડધી કાપો પછી એ વાળીને એમાં મશરૂમ, ટામેટાં અને સેલડ પાન ભરો. છેલ્લે કાકડીવાળું દહીં ભરી પીટા સેન્ડવિચની મજા માણો.
હની ચિલી સોસ પનીર
સામગ્રી :
૧/૨ કિલો પનીર, ૨ ચમચા તલનું તેલ.
સોસ માટેની સામગ્રી : ૧૦ લસણની કળીઓ વાટેલી, ૩-૪ લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચો કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચો સોયા સોસ, ૨ ચમચા મધ, મીઠું, કાળા મરી સ્વાદાનુસાર.
મસાલો : ૧૧/૨ ચમચા આદું-લસણની પેસ્ટ, ૩ આખાં લાલ મરચાં, પં આખા કાળા મરી, ૧ મોટો તજનો ટુકડો, ૩ લવિંગ, ચપટી જાયફળનો પાઉડર, ૧ ચમચો તેલ.
રીત :
આદું-લસણની પેસ્ટ અને તેલ સિવાય બાકીના બધા મસાલા ધીમા તાપે શેકીને પીસી લો. પછી એમાં આદું-લસણની પેસ્ટ મિક્સ કરી અલગ રાખો. એક પેનમાં તેલ ગરમ કરો. એમાં વાટેલું લસણ નાખી સાંતળો. પછી એમાં સમારેલી ડુંગળી, લાલ મરચાં મોટાં વાટેલાં, તૈયાર મસાલો, સોયા સોસ અને મધ નાખી એક મિનિટ સુધી હલાવતા રહો.
હવે તેમાં મીઠું, કાળા મરી અને કોર્નફ્લોરની પેસ્ટ નાખી ગેસ પર રાખી મૂકો. સોસ ઘટ્ટ થઈ જાય પછી ગેસ પરથી ઉતારી લો.
પનીરના લાંબા ટુકડા કરો. તેમાં થોડું મીઠું નાખો. તવા પર તેલ ગરમ કરી પનીરના ટુકડા લાલ થાય ત્યાં સુધી તળી લો. આ ગ્રિલ્ડ પનીર હની ચિલી સોસ સાથે સર્વ કરો.
મશરૂમ ટોસ્ટ વિથ વ્હાઈટ સોસ
સામગ્રી :
૪ સ્લાઇસ બ્રાઉન બ્રેડ, ૨૦૦ ગ્રામ મશરૂમ, ૨ ચમચા તેલ, ૨ ચમચી મેંદો, ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ ઝીણી સમારેલી ડુંગળી, ૧/૪ કપ ઝીણેલું ચીઝ, ૩/૪ કપ દૂધ, મીઠું, કાળા મરી, રાઈનો પાઉડર સ્વાદાનુસાર.
તેલ ગરમ કરી ધીમા તાપે મેંદો એક મિનિટ સુધી શેકો. તેમાં ધીમે દૂધ નાખો અને ઘટ્ટ સોસ તૈયાર થયા પછી. ગેસ પરથી ઉતારી તેમાં મીઠું, કાળા મરી અને રાઈનો પાઉડર મિક્સ કરો. કોથમીર અને ડુંગળી પણ મિક્સ કરો. મશરૂમ ઝીણું સમારી લો. બ્રેડ ઉપર બટર લગાવો. મશરૂમ નાખો. પછી એની ઉપર વ્હાઈટ સોસ નાખો. ઉપરથી ચીઝ ભભરાવો.
ગ્રિલ રેક પર ટોસ્ટ મૂકો. પાંચ-છ મિનિટ સુધી પહેલા ગરમ કરેલા ઓવનમાં બેક કરો. ટોમેટો કેચઅપ સાથે મશરૂમ ટોસ્ટની મજા માણો.
કોકોનટ કોસબ્જ
સામગ્રી કેક માટે : ૧૫૦ ગ્રામ મેંદો, ૧૨૦ ગ્રામ ખાંડ, ૧૨૦ ગ્રામ ઘી અથવા માખણ, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૧ ચમચી વેનિલા એસેન્સ, ચપટી મીઠું, ૪૦ ગ્રામ નાળિયેરનું છીણ, થોડું દૂધ.
ડેકોરેશન માટેની સામગ્રી : ૧૫ ગ્રામ છીણેલું નાળિયેર, ૨૦ ગ્રામ જામ, ૩ ચેરી.
રીત : મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર મિક્સ કરીને બરાબર ચાળી લો. ખાંડ અને માખણ બરાબર ફીણો. આ મિશ્રણ ક્રિમી થાય ત્યાંસુધી ખૂબ ફીણો. હવે તેમાં મેંદો અને નાળિયેર મિક્સ કરો. પછી થોડું દૂધ ઉમેરો. કપવાળી ટ્રેમાં આ મિશ્રણ નાખો. ઓવનનું ઉષ્ણતામાન ૧૯૦ સેન્ટિગ્રેડ રાખો. કેક કપ લગભગ ૧૫-૨૦ મિનિટમાં તૈયાર થઈ જશે. કપ કેક ઠંડી પડી જાય તે પહેલાં તેના પર ઓગાળેલું જામ લગાવો પછી નાળિયેરનું છીણ ભભરાવો ઉપર ચેરીથી સજાવો.
- હિમાની