દાવત : અવનવાં શાકભાજીની ચટાકેદાર વાનગી
મિક્સ વેજીટેબલ રોલ્સ
સામગ્રી :
રોલ્સ માટે : ૬ કોબીના છૂટાં પાન, ૧ કપ બાફેલા બટાટા, ગાજર, ફણસી, વટાણા, ૧ કાંદો ઝીણા સમારેલો, આદું-મરચાં વાટેલાં, મીઠું, મરી પ્રમાણસર. ૧ ચમચો ખમણેલી ચીઝ.
ગ્રેવી : ૨૫૦ ગ્રામ ફ્લાવર, ૧ નાનું બટાટું, ૧ કાંદો, ૧ ચમચો મેંદો, ૧ ચમચો માખણ, ૧ કપ દૂધ, ૧ કપ પાણી, ૧ ચમચી સાકર, મીઠું મરી પ્રમાણસર, ૧ ચમચો ખમણેલું ચીઝ, ૧ ચમચો કોર્નફ્લોર, ૧/૨ કપ દૂધ, ૧ ચમચી ચીલી સોસ.
રીત :
ઉકળતા મીઠાના પાણીમાં કોબીના પાન નાખી બે મિનિટ બાફી પાણીમાંથી બહાર કાઢી ચારણીમાં મૂકવા.
બાફેલા શાક, આદુ-મરચાં, કાંદો મીઠું મરી તથા ચીઝ મિક્સ કરી પૂરણ તૈયાર કરવું.
ડીશમાં કોબીના પાન ગોઠવી પાન પર બે ચમચી જેટલું પુરણભરી વીંટો વાળવો. આ પ્રમાણે બધા રોલ્સ તૈયાર કરવા.
ગ્રીઝ કરેલી બેકિંગ ડિશમાં રોલ્સ ગોઠવવા, ફ્લાવરના અને નાના બટાકાના ટુકડા કરવા, તપેલીમાં માખણ મૂકી, તેમાં કાંદો વઘારવો, ત્યારબાદ તેમાં મેંદો નાખવો પછી શાક, દૂધ અને પાણી ઉમેરી બફાવા દેવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.
શાક ચઢી જાય પછી નીચે ઉતારી મીઠું તથા સાકર નાખવી. ગ્રેવી તૈયાર કરવી.
કોર્નફ્લોર તથા દૂધ મિક્સ કરવા. તેમાં માખણ નાખી ધીમા તાપે ગરમ મૂકવુ. સતત હલાવવું, ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી મીઠું, મરી નાખીને ગ્રેવી રેડી મિક્સ કરવું.
રોલ્સ ઉપર ખમણેલું ચીઝ તથા ચીલી સોસ છાંટવા, ને તૈયાર કરેલી ગ્રેવી રેડવી.
ગરમ ઓવનમાં ૪૨૦ ફે.હીટ તાપમન પર ૨૦ મિનિટ બેક કરવું.
ટોમેટોની ગ્રેવીમાં કટલેસ
સામગ્રી :
૫૦૦ ગ્રામ બટેટા, ૨૫૦ ગ્રામ વટાણા, ૨૦૦ ગ્રામ કાંદા, ૧ ઝૂડી કોથમીર ઝીણી સમારેલી, અર્ધો કપ તપકીરનો લોટ, બ્રેડ ક્રમ્સ, મીઠું, આદું મરચાં સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો. ગ્રેવી : ૫૦૦ ગ્રામ ટમેટા, સાકર, મીઠું, મરચું સ્વાદ પ્રમાણે. ડેકોરેશન માટે : ૧ ચમચો ખમણેલી ચીઝ
બટેટાને બાફી તેના છુંંદો કરવો, વટાણાનો બાફવા, કાંદાને ઝીણો સમારવો, બટેકાના છુંદામાં વટાણા, કાંદા, કોથમીર, મીઠું, આદુ-મરચાં, લીંબુ, ગરમ મસાલો, તપકીરનો લોટ ઉમેરવો. જોઈતો આકાર આપી બ્રેડક્રમ્સ રગદોળી તળી લેવી. ટમેટાને ૧૦-૧૫ મિનિટ ઉકળતા પાણીમાં બાફી છાલ ઉતારી મિક્સરમાં વાટી લેવાને તેમાં સાકર, મીઠું, મરચું નાખી ગ્રેવીને પંદર મિનિટ ઉકળવા દેવી. કટલેટને ગ્રીઝ કરેલી બેકિંગ ડિશમાં ગોઠવી તેના પર ટમેટાની ગ્રેવી નાખવી અને ચીઝ ખમણેલી નાખી ગરમ ઑવનમાં ૪૫૦ ફે.હીટના તાપમાન પર પાંચ મિનિટ બેક થવા દેવું.
મસાલેદાર વટાણા પનીર
સામગ્રી :
૨૫૦ ગ્રામપનીર, ૨૫૦ ગ્રામ વટાણા, ૨ ટમેટાં, ૨ મધ્યમ કાંદા ઝીણા સમારેલા, ૧ ચમચી ગરમ મસાલો, તજ-લવિંગને તમાલપત્ર પ્રમાણસર, ૧ નાની વાટકી દહીં, ૧ ચમચો ક્રીમ (મલાઈ) ૧ ચમચો ઘી, મીઠું વાટેલા આદુ-મરચાં-લસણ સ્વાદ પ્રમાણે, ૧ ચમચો ખમણેલી ચીઝ.
પનીરના ચાર ભાગ કરવા તેમાંથી ત્રણ ભાગના ટુકડા કરી તેને ઘી કે તેલમાં તળવા, વધેલા પનીરને ખમણી નાખવું, ટમેટાને ગરમ પાણીમાં ૧૫ મિનિટ ઉકળવા દેવા ત્યારબાદ તેની છાલ ઉતારી તેનો રસો કરવો, ઘીમાં કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા ત્યારબાદ તેમાં તજ-લવિંગ તમાલપત્ર નાખવા. ત્યારબાદ આદુ-મરચાં લસણની પેસ્ટ નાખી અર્ધો કપ પાણી નાખવું, ત્યારબાદ ટમેટાનો રસ નાખી ઉકળવા દેવું. બાફેલા વટાણાને તળેલું પનીર ઉમેરવું પાંચ મિનિઠ થવા દેવું ત્યારબાદ તેમાં દહીં, ગરમ મસાલો, ખમણેલું પનીર, મીઠું ઉમેરી એક-બે મિનિટ થવા દેવું.
બેકિંગ ટ્રેમાં શાકભાજી પાથરી તેના પર ચીઝ ભભરાવી અને ગરમ ઑવનમાં ૪૫૦ ફે.હીટ તાપમાન પર ૧૫ મિનિટ મૂકવું.
પાલખ મેથી
સામગ્રી :
૨ ઝૂડી પાલખની ભાજી ઝીણી સમારેલી, ૧ ઝૂડી મેથીની ભાજી ઝીણી સમારેલી, ૩૦૦ ગ્રામ વટાણા, ૧ મધ્યમ કાંદો, મીઠું, લીલાં મરચાં સ્વાદ પ્રમાણે, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચી ગરમ મસાલો, ૫-૬ લસણની કળી વાટેલી, ૨ ચમચા ઘી અથવા તેલ, બટાટાના થર માટે, ૨ મોટા બાફેલા બટાટાનો છુંદો, ૧ ઝૂડી કોથમીર, મીઠું-આદું-મરચાં લીંબુ સ્વાદ પ્રમાણે.
પાલખને મેથીની ભાજીને બાફી મિક્સરમાં વાટી લેવી, વટાણાને બાફી લેવા, કાંદાને ઝીણો સમારવો, એક વાસણમાં ઘી કે તેલ મૂકી તેમાં કાંદો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સાંતળવો, તેમાં મરચાં અને વાટેલું લસણ ઉમેરવું, ત્યારબાદ બંને ભાજી અને વટાણા નાખવા અને હલાવવું, ત્યારબાદ બટેકાના છુંદામાં કોથમીર, આદુ-મરચાં મીઠું લીંબુ ભળવી તેને બેકિંગ ટ્રેમાં પાથરી તેના પર શાક ભભરાવવું. ગરમ ઓવનમાં ૨૦૦ સેન્ટી ગ્રેડ કે ૪૦૦ ફેરનહીટ પર ૧૫ થી ૨૦ મિનિટ બેક કરવું.
મસાલેદાર પાલખ સ્પેગેટી
સામગ્રી :
૧ કપ બાફેલી સ્પેગેટી, ૩ ઝૂડી પાલખ, ૩૦૦ ગ્રામ વટાણા, ૨ ચમચો મલાઈ, ૫૦ ગ્રામ ખમણેલી ચીઝ, ૧ મધ્યમ કાંદો, આદુ-મરચાં લસણ વાટેલા પ્રમાણસર, મીઠું પ્રમાણસર, ૨ મધ્યમ ટમેટા, ઘી.
રીત :પાલખની ભાજીને સમારી બાફવી, વટાણા બાફવા, ટમેટાને ૧૦-૧૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળી તેની છાલ ઉતારી મિક્સરમાં વાટવા.
કાંદાને ઝીણો સમારવો, એક વાસણમાં ઘી લઈ તેમાં કાંદાને ગુલાબી રંગનો સાંતળવો, ત્યારબાદ તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. બે મિનિટ બાદ તેમાં વટાણા, વાટેલી પાલખ, મલાઈ, સ્પેગેટી, ને અડધી ચીઝ ઉમેરી જરા ખદખદવા દેવું.
બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી તેમાં પ્રથમ પાલખ-વટાણાનો થર કરવો ને તેના પર સ્પેગેટી પાથરીને બાકીની ચીઝ ભભરાવવી. ગરમ ઑવનમાં ૪૦૦ સ્કે.ફીટ તાપમાન પર ૨૦ મિનિટ બેક કરવી.
- જ્યોત્સના