અંગત સંબંધોની જાહેરમાં ચર્ચા કરવામાં જોખમ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
અંગત સંબંધોની જાહેરમાં ચર્ચા કરવામાં જોખમ 1 - image


- જાતીય તૃપ્તિ પ્રાણીમાત્રની અંગત જરૂરિયાત છે. તે પ્રદર્શનની વસ્તુ નથી. આથી અંગત સંબંધોની વાતો અંગત જ રાખો.

- ક્યારેય કોઈની સમક્ષ તમારી કે તમારા પતિની રતિક્રીડા વિશે વાત ન કરો.

- જ્યારે ને ત્યારે જાતીય સંબંધોની ચર્ચા ન  કરો. આ ચર્ચા કરો ત્યારે તમારી ઉંમરનો ખ્યાલ રાખો.

- તમારી ખરાબ છાપ પડે એવું કોઈ પ્રકારનું વર્તન જાહેર સ્થળે ન કરો.

અગાઉ એવું કહેવાતું કે જ્યાં ચાર સ્ત્રીઓ ભેગી મળે ત્યાં નિંદાપ્રકરણ શરૂ થઈ જ જવાનું, પરંતુ આજકાલ આ ધારણા ખોટી સાબિત થવા લાગી છે. હવે તો સ્ત્રીઓની વાતોમાં જાતીય ચર્ચા એવી મુક્તપણે થતી હોય છે કે તેમને આજુબાજુનો ખ્યાલેય નથી રહેતો. સામાન્ય વાતચીતમાં પણ જાતીય ચર્ચા શરૂ થઈ જાય છે અને પછી તો કંઈ કહેવાની જરૂર રહે છે ખરી? બધી સ્ત્રીઓ પોતપોતાના પતિ વિશે થોડી વધારીને જ વાત કરે છે.

'અરે... મારા મિસ્ટરની તો વાત જ ન કર. ગમે ત્યારે મને પરેશાન કરતા રહે છે', 'મારા પતિ તો મારાથી ઘડી વાર માટેય આઘા નથી ખસતાં,' 'અમારા એમને તો રાત થતાં કોણ જાણે શું ભૂત વળગે છે કે છોકરાનેય વહેલાં ઉઘાડી દેવા માગે છે,' 'મારાથી તો એમના દેખતાં કપડાં પણ નથી બદલાતાં. બહાર જવું હોય તો મારે એમનું ધ્યાન ન જાય એમ તૈયાર થવું પડે, નહીંતર...'

સ્ત્રીઓ આવી વાતો કરીને કદાચ પોતાના પતિની મરદાનગી કે પોતાની સુંદરતાના વખાણ ભલે કરતી હોય, પરંતુ આવી વાતોથી તેમની છાપ સારી નથી પડતી.

હા, ક્યારેક બહેનપણીઓ સાથે મજાકમશ્કરીભર્યા વાતાવરણાં, હળવી શૈલીમાં  આવી વાતો કરો તો કદાચ તે સાંભળવામાં સારી લાગે, પણ જ્યારે ને ત્યારે આ વાતોની ચર્ચા ઉખેળવાનું શોભતું નથી.

શાલિની ગમે તેની સાથે એના પતિની સેક્સી અદા વિશે ચર્ચા કરવા લાગે છે, 'મારા પતિ તો સેક્સની બાબતમાં એટલા નિપુણ છે કે શી વાત કરું? પહેલાં તો હું થાકી જતી હતી, પણ હવે તો મનેય ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ ગઈ છે. ક્યારેક જરૂર પડે તો મને પૂછજો...' એની આવી વાતોમાં કેટલાંકને આનંદ આવે છે અને કેટલાંક લોકોમાં એ મજાકનું પાત્ર બની જાય છે. એમાં ના નથી કે લગ્ન પછી પતિપત્ની બંને રતિક્રીડા માટે સ્વતંત્ર છે. એકબીજાને પૂર્ણ સંતોષ અને સહકાર આપવો એ સફળ દામ્પત્યજીવન માટે ખૂબ જરૂરી છે, પણ અંગત જીવનની ગુપ્ત વાતો જાહેરમાં કહેવામાં ડહાપણ ક્યું છે?

આપણી સભ્યતા અને સંસ્કૃતિ આપણને મર્યાદામાં રહેવા સૂચવે છે. અલબત્ત, સમયાનુસાર જીવનમાં ફેરફાર કે નિખાલસતા જરૂરી છે, પરંતુ જ્યારે જુઓ ત્યારે બેફામ ચર્ચા કરતાં રહેવું યોગ્ય નથી. આજકાલ કેટલાંક મેગેઝિનો અને ફિલ્મોમાં ભલે છૂટથી સેક્સ વિશે છપાતું હોય, પણ પોતાના જ પતિના જાતીય વ્યવહાર વિશે વાત કરવી, પોતાની બહેનપણીઓ વચ્ચે તેને ચર્ચાનો વિષય બનાવવો, તે સદંતર અયોગ્ય છે.

ઘણી વાર થિયેટરમાં કે બગીચા જેવાં જાહેર સ્થળોએ કેટલાંક દંપતી કે પ્રેમીયુગલ અણછાજતું વર્તન કરતાં જોવા મળે છે. આવાં સાર્વજનિક સ્થળોએ વડીલો, યુવાનો, બાળકો એમ દરેક વય-વર્ગના લોકો હોય છે. એ સૌની હાજરીમાં કોઈ યુગલ દ્વારા પ્રેમપર્દર્શન કરવું ખૂબ ખરાબ લાગે છે, પણ કેટલાંક લોકોને જુવાનીના જોશમાં સેક્સ સિવાય કંઈ સૂઝતું જ નથી. તેમનું આવું વર્તન જોઈને ઘણા લોકોનું મન ગ્લાનિ અનુભવે છે.

એક વાતનો ખ્યાલ રાખવો કે તમે કે તમારા પતિ ગમે એટલા 'રસિયા' હો, પણ તેના વિશે પ્રચાર કરતાં ન ફરવું. તમારા પ્રેમાળ અંગત જીવનને બેડરૂમ પૂરતું જ મર્યાદિત રાખો. મુક્ત કામ ક્રીડાના પ્રદર્શન કરતાં પડદામાં છુપાયેલી રતિક્રીડા વધુ આકર્ષે છે, એમ કહેવાય છે.

આથી રતિક્રીડા પર પડદો જ રાખો અને જાતીય સંબંધોની સરેઆમ ચર્ચા ન કરો. આ અંગે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો :

 બહેનપણીઓ સાથે કદાચ આ વિષયની ચર્ચા કરતાં હો તો અત્યંત અંગત વાતો જેવી હોય તેવી કદી જાહેર ન કરો, નહીંતર ભવિષ્યમાં તમારે જ પસ્તાવાનો સમય આવશે.

 જાતીય ચર્ચા કરતી વખતે ભાષાનો ખાસ ખ્યાલ રાખો. એવી કોઈ વાત કોઈની હાજરીમાં ન બોલો, જેના લીધે તમારે શરમ અનુભવવી પડે અને સાંભળનારને પણ અશોભનીય લાગે.

 જાતીય સંબંધોની ચર્ચા કરતી વખતે સંબંધોની આમન્યાનો ખ્યાલ રાખો. કાકી, માસી કે બહેન-દીકરીની હાજરીમાં આવી વાતો કદી ન કરવી.  


Google NewsGoogle News