દાવત : નવા વર્ષને વધાવો પરંપરાગત નાસ્તા મીઠાઈ સાથે
મઠિયા
સામગ્રી :
એક કિલો મઠનો લોટ, પા કિલો અડદનો લોટ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૫૦ ગ્રામ મરચાં લીલાં, મીઠું પ્રમાણસર, બે ટેબલસ્પૂન તલ, ૧ ટી સ્પૂન અજમો (નાખવો હોય તો) તળવા માટે તેલ.
અડધો લીટર પાણીમાં મરચાંના ટુકડા તથા મીઠું નાખી પાણી ઉકાળવું. પછી નીચે ઉતારી તેમાં ખાંડ નાખી હલાવવું. હવે આ પાણી ગાળી તેનાથી લોટ બાંધવો. મઠનો તથા અડદનો લોટ ભેગા કરી તેમાં મીઠું, તલ, અજમો નાખી પાણીથી કઠણ લોટ બાંધીને પછી કરતી વખતે લોટને ફુલાવીને નરમ કરી ઘી-લોટમાં રગદોળી પાતળી મોટી પૂરી વણવી. આવી રીતે બધાં મઠિયાં વણીને તૈયાર કરવા. પછી ગરમ તેલમાં તળી લેવા. એરટાઇટ ડબ્બામાં ભરી લેવા.
ચાટ બાસ્કેટ
સામગ્રી :
એક પેકેટ મોનીટા કેનેપ્સ, એક વાટકી બાફેલા મગ, એક વાટકી બાફેલા ચણા, એક વાટકી બાફેલા બટાટાના નાના નાના ટુકડા, મીઠી ચટણી, ગ્રીન ચટણી, ફુદીનાની ચટણી, દહીં, ચાટ મસાલો, બારીક સેવ તથા કોથમીર.
કેનેપ્સ જો નરમ લાગે તો તળી લેવા. હવે કેનેપ્સમાં મગ, ચણા, બટાટા નાખી મીઠી ચટણી, લીલી ચટણી તથા ફુદીનાની ચટણી નાખી ઉપર દહીં નાખી ચાટ મસાલો નાખી સેવ તથા કોથમીર નાખીને સર્વ કરો. મગ, બટાટા, ચણામાં પહેલાં પણ ચાટ મસાલો નાખીને ભરી શકાય.
સિંગ ભૂજિયા
સામગ્રી :
એક કપ શિંગદાણા, અડધો કપ ચણાનો લોટ, લાલ મરચું, શેકેલું જીરું મીઠું હળદર, ગરમ મસાલો, મરીનો ભૂકો, ચપટી ફટકડી, તળવા માટે તેલ, ચપટી સોડા.
રીત :
શીંગદાણાને ચાર-પાંચ કલાક પાણીમાં ફટકડી નાખીને પલાળવા. હવે ચણાના લોટમાં બધો મસાલો નાખી કોરો લોટ તૈયાર કરવો. લોટને એક થાળીમાં લેવો. પાણીમાંથી શીંગદાણા કાઢી લોટમાં નાખવા. લોટમાં શીંગદાણાને બરાબર રગદોળવા એટલે શીંગ ઉપર લોટ બરાબર ચોંટી જશે. હવે ગરમ તેલમાં શીંગદાણાને કડક તળવા. પેપર પર કાઢવા એટલે વધારાનું તેલ શોષાઈ જાય. પછી એર-ટાઇટ ડબ્બામાં ભરી લેવા ચાહો તો ઉપર ચાટ મસાલો ભભરાવી શકો. સરસ ચટાકેદાર લાગશે.
ચીઝ સક્કરપારા
સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ચીઝ, મીઠું બે ટેબલસ્પૂન, ઘી મોણ માટે, એક ટી સ્પૂન કલોજી અથવા ખસખસ, તળવા માટે ઘી.
રીત : મેંદામાં ઘીનું મોણ નાખી ચીઝ ખમણીને તેમાં નાખી સાધરણ કઠણ લોટ બાંધીને અડધા કલાક રહેવા દો. પછી ફુલાવીને મોટો લૂઓ લઈ તેને ખસખસ અથવા કલોંજીમાં રગદોળી તેની મોટી પૂરી વણી તેના સક્કરપારાની જેમ કટકા કરી ગરમ તેલમાં તળવા. ચીઝ સક્કરપારા ખાવામાં મજેદાર લાગશે.
ગોબાપૂરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ મેંદો, ૨૦૦ ગ્રામ બારીક રવો, ૨૫૦ ગ્રામ જેટલું ઘી મોણ માટે, મીઠું, મરી, જીરુંના તાંજરા (અધકચરાં વાટેલાં મરી અને જીરું) તળવા માટે તેલ-ઘી મિક્સ.
રીત : મેંદો તથા રવો ભેગો કરી ઘીને સતત ગરમ કરી તેમાં નાખી ગરમ પાણીથી કઠણ લોટ બાંધવો. લોટમાં મરી-જીરું નાખી લોટ બાંધવો. લોટને કુણવી નાના નાના લૂઆ લઈ હાથેથી જ દબાવી વડા જેવું કરી ધીમા તાપે તળવા. આવી રીતે બધા જ વડા કરીને તળી લેવા. કડક ફરસી ગોબાપૂરી તૈયાર.
ચોળાફળી
સામગ્રી :
પા કિલો મગની દાળ, પા કિલો ચોળાની દાળ, પા કિલો અડદની દાળ, મીઠું, એક ચમચી ઘી, તળવા માટે તેલ ઉપર છાંટવા માટે લાલ મરચું, મીઠું, હિંગ તથા સંચળ.
રીત :
ત્રણેય દાળને ભેગી કરી ઝીણો લોટ દળાવવો. લોટમાં મીઠું નાખી કઠણ લોટ બાંધવો. એક કલાક રહેવા દેવો. પછી તે ખાંડીને ખૂબ હલાવવો. પછી તેમાંથી લોટ લઈ મોટી મોટી પાતળી રોટલી વણવી. આવી રીતે બધી જ રોટલી વણી લેવી. હવે કઢાઈમાં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે રોટલીમાંથી લાંબી લાંબી પટ્ટી પાડીને તળવી. બધી રોટલીની આવી રીતે પટ્ટી પાડીને તળી લેવી તળાઈ જાય એટલે તરત જ ઉપર છાંટવાનો મસાલો છાંટી દેવો. પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવી.
ફાફડા
સામગ્રી :
અડધો કિલો ચણાની દાળ, અડધો કિલો મગની દાળ, પા કિલો મગની દાળ, મીઠું, એક ચમચી ઘી. તળવામા તેલ.
રીત :
ચણાની દાળ, મગની દાળ તથા અડદની દાળ મિક્સ કરી બારીક લોટ દળવો. હવે લોટને લઈ તેમાં મીઠું નાખી ખૂબ કઠણ લોટ બાંધવો. એક કલાક રહેવા દેવો. પછી જરાક ઘી અથવા તેલ લઈ ખૂબ ખાંડવો અને કુણવીને નરમ કરવો. જરાક ઘી લઈ થોડો થોડો લોટ લઈ ફાફડા વણવા. ફાફડા ઉપર કપડું ઢાંકતા જવું. ફાફડાને સુકાવા ન દેવા. બધા ફાફડા વણાઈ જાય એટલે ગરમ તેલમાં તળી લેવા. ફાફડા જેટલા ફૂલે તેટલા સરસ ફાફડા પાતળા વણવા. એક ફાફડો પહેલાં વણીને તળી લેવો એટલે ખબર પડી જાય કે પોલો થાય છે કે નહીં જો કઠણ લાગે તો ફરી લોટ ખાંડવો અને પાતળું વણવું એટલે બરાબર પોલા ફાફડા થશે.
સુવાળી
સામગ્રી : અડધો કિલો મેંદો, ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ, બે ટેલબસ્પૂન ઘી, બે ટેબલસ્પૂન તલ, લોટ બાંધવા માટે ૨૦૦ ગ્રામ દૂધ, તળવા માટે ઘી.
રીત : મેંદાના લોટને ઘીનું મોણ દેવું. પછી તેમાં તલ ને જરાક ખાંડીને નાખવાં. દૂધથી લોટ બાંધવો. જરૂરત મુજબ દૂધ વધારે જોઈએ તો પછી થોડું દૂધ ફરી લેવું. પણ પહેલાં ઓછા દૂધમાં ખાંડ ઓગાળવી. મધ્યમ કઠણ લોટ બાંધવો. લોટને ખૂબ કુણવીને નાના નાના લૂઆ કરી પૂરીની જેમ સુંવાળીને વણીને ઘીમાં તળી લેવી.
- હિમાની