દાવત : લાલચટક ટમેટાંની ટેસ્ટી વાનગીઓ
સીંગદાણા-કોફતા કરી
સામગ્રી :
૧ મોટો કપ સીંગદાણા, ૨ મોટા ટમેટાં, ૨ અથવા ૩ નાના કાંદા, ૧૦ લસણની કળી, ૧ ટુકડો આદુ, ૪-૫ લીલા મરચાં, ૧ નાનો કપ કાજુ, ૧ નાનો કપ ખાટું દહીં, ૧ ચમચી કોથમીર, ૧ ચમચી ધાણા, ૧ ચમચી જીરું, ૧ ચમચી ચણાનો લોટ, ૧ ટુકડો ગોળ, ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચાંની ભૂકી, મીઠું અને તેલ તળવા માટે.
રીત :
સીંગદાણા સાફ કરી છ કલાક પાણીમાં પલાળો. વાટીને લીસું પેસ્ટ બનાવો તેમાં બે કપ પાણી નાખી હલાવો અને ગાળીને દોઢ કપ જાડું દૂધ કાઢો. તેને બાજુ પર રાખો. ૮ થી ૧૦ કપ સીંગદાણાનું દૂધ નીકળે ત્યાં સુધી આ રીતે કરો. આ દૂધમાં ખાટું દહીં નાખી ઉકાળો અને દૂધ ફાટવા દો. ઠંડું કરી પાણી કાઢી નાખો. તેને સુંવાળા કપાડમાં બાંધીને પાણી વહી જવા દો. (જેથી સીંગદાણાના દૂધનું પનીર બને.)
ચણાના લોટમાં મીઠું, મરચાંની ભૂકી નાખી તેને સીંગદાણાના પનીરમાં ભેળવો. તેના નાના ગોળા બનાવી ૧૦ મિનિટ બાફો. ઉપરનો બધો મસાલો ભેગો કરી તેને દસ મિનિટ માટે થોડા તેલમાં સાંતળો. તેમાં જાડું દૂધ નાખી મિશ્રણને સીઝવા દો. પ્રથમ એક ડીશમાં કોફતા મૂકો અને તેના ઉપર બનાવેલી કઢી રેડો. કોથમીર અને ગોળથી સજાવી ગરમ જ પીરસો.
ભરેલા કેપ્સિકમ
સામગ્રી :
૬ મધ્યમ કદના કેપ્સિકમ, ૨ મધ્યમ કદના કાંદા, ૨ મધ્યમ કદનાં ટમેટાં, ૧ ચમચો દૂધ, ૨ મોટા લીલા મરચાં (ઊભા કાપા) કરેલા), ૨,૧/૨ ચમચી જીરાનો ભૂકો, ૧,૧/૨ ચમચી ધાણાજીરું, મીઠું, તેલ-આઠ ચમચા.
રીત :
કેપ્સિકમ ધોઈને, એ આખા રહે તે રીતે તેમાંથી ડીંટિયાના ભાગમાં બી કાઢી લો. ટમેટાં અને કાંદા ઝીણાં સમારો. ૩ ચમચા તેલ ગરમ મૂકી તેમાં કાંદા, લીલા મરચાં સાંતળો. અંદર ટમેટાં નાખી સીઝવા દો. તેમાં જીરાનો ભૂકો, ધાણાજીરું નાખી થોડીવાર ચઢવા દો. આ મિશ્રણ કાંદા-ટમેટાંમાં નાખી ખૂબ હલાવો. જેથી ચડી જાય પછી ગેસ પરથી ઉતારી લો અને ચમચીથી આ મિશ્રણ કેપ્સિકમમાં દબાવીને ભરો. બાકીનું તેલ તવામાં ગરમ કરી ધીમેથી ભરેલા મરચાં તેમાં મૂકો અને તળીને ગરમ પીરસો.
ટમેટા-કોથમીરનું શાક
સામગ્રી :
૧/૨ કિલો ટમેટાં ઊભા કાપેલા, ૧ મોટી કોથમીરની ઝૂડી, ૧ લીલું મરચું પીસેલું, ૧ ચમચી સાકર, ૧/૨ ચમચી જીરુ, ૧/૨ ચમચી મરચાંની ભૂકી, ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી લીંબુનો રસ, ચપટી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે. (૧ ચમચી ઘી)
રીત :
ઘીને કડાઈમાં ગરમ કરી જીરા અને હિંગનો વઘાર કરો. તેમાં લીલું પીસેલું મરચું નાખી ઉપર ટમેટાંના ટુકડાં નાખો. ઢાંકીને ત્રણ મિનિટ ચડવા દો. તેમાં સમારેલી કોથમીર અને બાકીનો મસાલો નાખી હલાવો. ૧/૨ કપ પાણી નાખી ધીમા તાપે પાંચ મિનિટ થવા દો. ગરમ જ પીરસો.
ટમેટાં-ભાત
સામગ્રી :
૧ કપ ચોખા, ૧/૪ કિલો ટમેટાં, ૨ કાંદા, ૧ ટુકડો આદુ, ૭-૮ કળી લસણ, ૧/૪ ચમચી હળદર, થોડા ફુદીનાનાં પાન, ૧/૨ લીંબુનો રસ, લીલા મરચાં, મીઠું, તેલ.
આદુ, લસણ અને મરચાંને પીસો. ચોખા ધોઈ તેને અડધો કલાક પલાળો. તેલ ગરમ કરી તેમાં કાંદા સાંતળો. અંદર આદુ-લસણ-મરચાનું પેસ્ટ નાખી બે મિનિટ હલાવો. તેમાં ઝીણાં સમારેલા ટમેટા, મીઠું અને હળદર નાખો.
ટમેટા ચડી જાય ત્યાં સુધી સાંતળો. તેની અંદર ચોખા નાખી બે મિનિટ રહેવા દો. ઉપર બે કપ પાણી નાખી બરાબર હલાવો. ભાત ચડી જાય ત્યારે લીંબુનો રસ અને ફુદીનાના પાન નાખી ઢાંકો અને બે મિનિટ પછી ઉતારી લો.
ભરેલા ટીંડોરા
સામગ્રી : ૫૦૦ ગ્રામ કૂણાં ટીંડોરા, ૨ ચમચી તાજી મલાઈ, થોડા ફુદીનાના પાંદડા.
ભરવા માટે : ૧/૨ ઝૂડી પાલકની ભાજી, ૧/૨ ઝૂડી કોથમીર, ૨ નાના બટાટા (બાફીને છૂંદેલા), ૧/૨ કપ ચણાનો લોટ, ૧૦૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, ૧૦ ગ્રામ કાજુના ટુકડા, ૧૦ ગ્રામ દ્રાક્ષ, ૧ ચમચી દાડમના દાણા, મીઠું, તેલ તળવા માટે.
ગ્રેવી માટે : ૨ સમારેલા કાંદા, ૨ મોટા ટમેટા, ૪ લીલા મરચાં, ૧ ચમચી આદુ-લસણ વાટેલું, ૧,૧/૨ ચમચી ગરમ મસાલો, ૧,૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી, ૧૦ ગ્રામ ખસખસ, ૧/૨ ચમચી જીરુ, ૧/૨ ચમચી હળદર, મીઠું, ૨,૧/૨ ચમચી ઘી.
રીત : ટીંડોરા ધોઈને છાલ ઉતારો. તેમાં ટીંડોરા ભાંગે નહીં એમ એક કાપો કરો.
પાલક અને કોથમીર સમારી તેમાં છૂંદેલા બટાટા, ખમણેલું પનીર, કોપરું, કાજુ, દ્રાક્ષ, મીઠું અને દાડમનો ભૂકો નાખો અને ટીંડોરામાં ભરો.
ચણાના લોટમાં પાણી નાખી ખીરું બનાવો. તેમાં ભરેલા ટીંડોરા બોળી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો.
ગ્રેવી બનાવવાની રીત : ૨,૧/૨ ચમચી ઘી ગરમ કરી જીરા અને કાંદાનો વઘાર કરી તેમાં કાંદા સાંતળો.
તેમાં આદુ-લસણની પેસ્ટ, ખસખસ, લીલા મરચાં, ટમેટાં બધું નાખી મસાલો હલાવતા રહો. તેમાં મીઠું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને ૧,૧/૨ કપ પાણી નાખી, પાંચ મિનિટ ઉકાળી ટીંડોરા નાખો. રસો જાડો થાય ત્યાં સુધી સાંતળવા દો. ગેસ પરથી ઉતારી તાજી મલાઈ અને ફુદીનાના પાનથી શણગારો.
- હિમાની