Get The App

દાવત : આઇસ્ક્રીમનો આસ્વાદ

Updated: Apr 17th, 2023


Google NewsGoogle News
દાવત : આઇસ્ક્રીમનો આસ્વાદ 1 - image


ચીકુ આઇસ્ક્રીમ

સામગ્રી :

 ચીકુ ૪ નંગ બરાબર પાકી ગયેલા, દૂધ ૫૦૦ મીલી, ખાંડ ૧૦૦ ગ્રામ, કોર્નફ્લોર ૨૦ ગ્રામ.

રીત : 

 દૂધને તેજ આંચ પર ગરમ કરો. ઉકળીને દૂધ જ્યારે અડધું રહે ત્યારે ગેસ બંધ કરી દૂધ માપી લો. ઉકળેલું દૂધ બરાબર અડધું રહેવું જોઇએ. દૂધને ગરમ મધ્યમ આંચ પર મૂકી તેમાં ખાંડ અને થોડાં ઠંડા દૂધમાં મેળવીને કોર્નફ્લોર ઉમેરવા. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું. ઠંડુ થયા પછી તેમાં છૂંદીને ચીકુનો માવો અને વેનીલા એસેન્સ ઉમેરવા. બધું મિશ્રણ મિક્સરમાં નાંખીને એકી વખત ફક્ત એક સેકન્ડ એમ ત્રણ વખત મિક્સર ચાલુ બંધ કરવું. તૈયાર થયેલ મિશ્રણ એલ્યુમિનિયમના ડબ્બામાં બંધ કરીને ફ્રીઝમાં જામવા મૂકવું. ફ્રીઝ પહેલેથી 'સૌથી વધુ' ઉપર ઠંડુ કરેલું હોવું જોઇએ. આઇસ્ક્રીમ બરાબર જામી જાય (એકદમ કઠણ) ત્યારે બહાર કાઢી, ઝડપથી તેના ટુકડા કરી, ફરીથી મિક્સરમાં પીસવું. આ વખતે આઇસ્ક્રીમ લીસ્સો થાય ત્યાં સુધી મિક્સર ચલાવવું. તૈયાર થયેલ આઇસ્ક્રીમ ડબ્બામાં ભરીને ઢાંકીને ફ્રીઝરમાં રહેવા દેવો અને જરૂર પડે ત્યારે કાઢી પીરસવો.

આ રીતે તૈયાર કરેલાં આઇસ્ક્રીમ લાંબો સમય સુધી ફ્રીઝરમાં રહે છે.

ચોકોચિપ્સ આઇસ્ક્રીમ

સામગ્રી : 

 વેનીલા આઇસ્ક્રીમ ૫૦૦ ગ્રામ, કેડબરી ચોકલેટ એક મોટી.

ગરમ પાણી ઉપર બીજા વાસણમાં ચોકલેટ પીગાળવી. નાના લંબચોરસ ડબ્બામાં ગ્રીઝપ્રૂફ પેપર ઉપર ચોકલેટ પાથરી આઇસ્ક્રીમ ઉપર ભરી દેવો. જરૂર લાગે તો બે-ત્રણ ડબ્બા બનાવવા ઇચ્છા હોય તો ઉપર પણ ચોકલેટનું પડ કરવું. પીરસતી વખતે ગરમ પાણીમાં ડબ્બો બોળી કાઢી લેવો અને તરત જ સર્વીંગ ડીશમાં ઉથલાવવું. ગ્રીસપ્રૂફ પેપર ઉખાડી લઇ પીરસવું.

ચોકો વેનિલા જરદાલુ આઇસ્ક્રીમ

 સામગ્રી :

 વેનીલા આઇસ્ક્રીમ ૫૦૦ ગ્રામ  ચોકલેટ ૧૦૦ ગ્રામ અથવા કોકો પાવડર ૨૫ ગ્રામ, આઇસીંગ સુગર ૧૦૦ ગ્રામ, બટર, માખણ ૨૦ ગ્રામ (સારી રીતે ભેળવી લેવું) ખાંડ ત્રણ ચમચા, જરદાલુ આઠ નંગ, પાણી અથવા ડ્રાય વાઇન અડધો કપ.

રીત: જરદાલુના ઠળિયા કાઢીને સાફ કરી તેના બે ફાડા કરવા. ખાંડમાં વાઇન પાણી ઉમેરી ઉકાળવું. અને તેમાં પાંચ મિનિટ જરદાલુના ફાડાને બાફવા. જરદાલુ જરા કૂણા થાય એટલે નીતારી કાઢી ઠરવા દેવા. ગરમ પાણી ઉપર વાટકી રાખી તેમાં ચોકલેટ પીગાળવી. અથવા કોકો પાવડર, આઇસીંગ સુગર અને બટર જરા ગરમ કરવા. (ચોકો વેનીલા જરદાલુ આઇસ્ક્રીમ) હવે જરદાલુ ફાડા એક ડીશમાં ગોઠવી તેના ફાડામાં ઠળિયાની જગ્યાએ ચોકલેટનું મિશ્રણ ભરો. વેનીલા આઇસ્ક્રીમ જરા ઢીલો થવા દઇને એક સુંદર વાસણમાં પાથરો. ઉપર જરદાલુના અડધીયા (ફાડા) ગોઠવો અને વધેલું ચોકલેટનું મિશ્રણ પાથરી દો. એકાદ કલાકમાં ફ્રીઝમાં ઠરવા દઇને પછી ઉપયોગમાં લેવું.

વેનિલા આઇસક્રીમ

સામગ્રી : 

દૂધ ૭૦૦ મી.લી., ખાંડ ૨૦૦ ગ્રામ, કસ્ટર્ડ પાવડર ૧ ટી-સ્પુન અથવા બે ઇંડાનો પીળો ભાગ, ચાયનાગ્રાસ (પાવડર સ્વરૂપનું) ૧ ટી-સ્પુન, જાડુ ક્રીમ (અથવા દૂધની મલાઇ જાડી) ૩૦૦ મી.લી. ગુલાબજળ અથવા બ્રાન્ડી, ૨ ટી-સ્પુન, વેનીલાની લાકડી અથવા વેનીલા એસેન્સ પા ચમચી.

રીત : 

  દૂધ અડધુ રહે ત્યાં સુધી ઉકાળો. થોડાં દૂધ (ઠંડા)માં કસ્ટર્ડ પાવડર ભેળવી ઉકળતા દૂધમાં ઉમેરો. એક મિનિટ ઉકળવા દો. ખાંડ ઉમેરી દો. ચાયનાગ્રાસ પણ થોડા ઠંડા દૂધમાં ભેળવી ઉકળતા દૂધમાં ઉમેરો. ગેસ બંધ કરી દૂધ ઠંડુ પડવા દો. ઠંડુ થયા બાદ બ્રાન્ડી, ક્રીમ અને વેનીલા એસેન્સ નાખી મિક્સરમાં મિક્સ કરો. મિક્સર ફક્ત એક બે સેકન્ડ જ ચલાવવું. એલ્યુમિનિયમના બંધ ડબ્બામાં પહેલેથી ઠંડા કરેલા પ્રીઝરમાં ઠરવો. કઠણ પથ્થર જેવું થાય ત્યારે કાઢીને કકડા કરી ફરીથી મિક્સરમાં લીસ્સું થાય ત્યાં સુધી પીસવું. ફ્રીઝરમાં રાખી જરૂર પડે ત્યારે જ કાઢી પીરસવું.

કોકોનટ કુલ્ફી

સામગ્રી : 

દૂધ ૧ લીટર, ક્રીમ ૨૦૦ ગ્રામ, નાળિયેરનું દૂધ ૧ કપ, ખાંડ નાની વાડકી, મિલ્ક પાવડર ૩ ટે.સ્પૂન, કોકોનટ એસેન્સ ૨ ટીપાં.

રીત : 

દૂધ ગરમ કરવું. અર્ધુ રહે ત્યાં સુધી ઉકાળવું. ઉકળી જાય એટલે ખાંડ નાખવી. ખાંડ ઓગળી જાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડુ થવા દેવું. ઠંડુ થઇ જાય બાદ કોકોનટનું દૂધ અને મિલ્ક પાવડર નાખીને મિક્સીમાં ક્રશ કરવું. બાદ એસેન્સ નાખીને ક્રશ કરવું. અને છેલ્લે ક્રીમ નાખીને જરાવાર ક્રશ કરવું. વધુવાર નહિ, નહિ તો ક્રીમનું માખણ થઇ જશે. તૈયાર થયેલા કોકોનટના સ્વાદવાળું દૂધ જેવા ગમે તેવા મોલ્ડમાં નાખીને પ્રીઝરમાં સેટ થવા દો. ટેમ્પરેચર મિડિયમ રાખવું.

નાળિયેરનું દૂધ : (કોકોનટ મિલ્ક) કાઢવાની રીત: તાજું શ્રીફળ લેવું અને તેના કોપરાને ખમણી નાખવું અને થોડું દૂધ નાખીને મિક્સીમાં ખૂબ ચર્ન કરવું અને ગાળી લેવું. 

આ ગાળેલું દૂધ કોકોનટ મિલ્ક કહેવાય.

- હિમાની


Google NewsGoogle News