દાવત : ગ્રીષ્મના ફળોની ખાટી-મીઠી, અવનવી વાનગીઓ
તરબૂચ મેન્ગો સેન્ડવિચ
સામગ્રી :
૧ કેરી, ૧ તરબૂચની સ્લાઈસ, ૬-૭ ચેરી, ૧ ૧/૨ કપ ઘટ્ટ ક્રીમ, ચપટી સંચળ, ૧ મોટી ચમચી મિલ્ક પાઉડર, ૧ નાની ચમચી બૂરું અને ફુદીનાના પાન
કેરીને છોલીને બંને બાજુથી ગોળ પૈતાં કરો. તરબૂચની છાલ ઉતારી કેરીના ઉપર એજ રીતે ગોઠવો. ક્રીમને ઠંડુ કરી એમાં મીઠું, ખાંડ તથા દૂધનો પાઉડર નાખી ફીણો, પહેલાં કેરીની સ્લાઈસ રાખી એની ઉપર ક્રીમ રેડો ત્યારબાદ તરબૂચ મૂકો. હવે ચેરી તથા ફૂદીનો મૂકી ઠંડુ કરવા ફ્રિજમાં મૂકો. ઠંડુ ઠંડુ પીરસો.
કેરી નાળિયેર સ્પેશ્યિલ
સામગ્રી : ૧ નાળિયેર (છીણેલું) ૪ મોટી ચમચી ખાંડ, ૧/૨ કપ દૂધ, ૨ મોટી ચમચી દહીં, ૧ કપ પાણી, ૧ કપ બરફના ટુકડા તથા ૩-૪ કેરી.
સજાવટ માટે : કેરી, કેરીનો સોસ તથા ફુદીનો
રીત : નાળિયેરને પાણી સાથે મિક્સરમાં પાંચ મિનિટ સુધી ક્રશ કરો. હવે એને ગળણીથી ગાળી લો. નાળિયેરના દૂધમાં ખાંડ અને દૂધ નાખી ઉકાળો. એ ઉકળવા લાગે એટલે એમાં દહીં નાખો. એ ફાટી જાય ત્યારે ઠંડુ થવા દો. પછી એક કપડામાં બાંધી લટકાવો, જેથી તેનું બધું પાણી નીકળી જાય. પછી એના ગોળા બનાવી ફ્રીઝરમાં મૂકો. બે કલાક પછી એને ફ્રીજમાં મૂકી દો.
સોસ બનાવવા માટે કેરીનો માવો કાઢી એમાં ખાંડ નાખી ૫-૧૦ મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે પકાવો. પછી આંચ પરથી ઉતારી ઠંડુ કરો. ઠંડુ થયા પછી એક કાચના ગ્લાસમાં પહેલાં કેરીનો સોસ નાખો. ત્યારબાદ ઉપરથી નાળિયેર, પનીરના ગોળાને બરફના છીણ સાથે ગોળો બનાવી એમાં નાખો. એની ઉપર ફરી કેરીનો સોસ રેડો, કેરીની લાંબી લાંબી ચીરીઓ કરી ગ્લાસમાં નાખો. એની ઉપર ફુદીનાનાં પાનથી શણગારો.
લીચીબોલ્સ
સામગ્રી :
૧૦-૧૨ લીચી, ૨૫૦ ગ્રામ ચેરી, ૨ કપ દહીં, ૧/૨ કપ બૂરું.
૧૦-૧૨ ચેરી રહેવા દઈ બાકીની કાપી તેમાંથી બી કાઢી નાખો, દહીંને કપડામાં બાંધી લટકાવી રાખો, જેથી તેનું બધું પાણી નીતરી જાય. હવે તેમાં કાપેલી ચેરી અને બૂરું નાખી સારી રીતે હલાવો. ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકો.
લીચીને છોલી તેમાંથી ગોટલી એવી રીતે કાઢી નાખો કે તે એકબીજાને જોડાયેલી જ રહે. હવે ઠંડુ મિશ્રણ ઠંડી લીચીઓમાં ભરો, છેલ્લે ચેરી તથા ફુદીનાથી સજાવીને પીરસો.
મીઠી કેરીની બ્રેડ
સામગ્રી :
એક લાંબી બ્રેડ, ૧ કપ કેરીના નાના ટુકડા, ૧/૨ કપ મિક્સ સૂકો મેવો, ૧/૨ કપ મેંગો સોસ, ૧/૨ કપ માખણ, ૨ કપ ખાંડ, ૧/૨ કપ પનીર, ૨ એલચી (વાટેલી) ૨ મોટા ચમચા માખણ, ૧ મોટો ચમચો મેંદો.
રીત : બ્રેડની કિનારીથી ૧ ઈંચ જેટલો ભાગ કાપી અંદરનો ભાગ કાઢી લો. બ્રેડની અંદર અને બહાર માખણ લગાવો અને એક બાજુ મૂકો. કેરીને છીણી લો. પનીર, કેરી, મેવો તથા એલચી બધું ભેગું કરો. એમાં અડધી બ્રેડનો ભૂકો નાખો. આ મિશ્રણમાં માખણ જરૂર નાખો. હવે નોનસ્ટિક કે જાડા તળિયાવાળી કડાઈમાં પાણી લઈ તેમાં ખાંડ નાખી ચાસણી બનાવો. અડધી ચાસણી અલગ કાઢી લો. હવે કેરી અને બ્રેડ વગેરેના મિશ્રણને કાપેલી બ્રેડમાં ભરીને ઢાંકણથી બંધ કરો. મેંદાનું ખીરું બનાવી પછી એનાથી ઢાંકણને બંધ કરો આ બ્રેડને ચાસણીમાં નાખી ધીમા તાપે ગેસ પર મૂકો. બ્રેડને ધીરે ધીરે હલાવો તથા ઉપર થોડી થોડી ચાસણી રેડતાં રહો. ધીરે ધીરે બ્રેડ બધી ચાસણી ચૂસી લેશે. ત્યારબાદ ૧૦-૧૫-૨૦ મિનિટ સુધી એને રહેવા દો. છેલ્લે એક ટ્રેમાં કાઢી ઉપર મનપસંદ આઈસિંગ કરો.
મિક્સ ફ્રૂટ બટર
સામગ્રી :
૪ જરદાળું, ૧૦ રાસબરી, ૧ પાકેલી કેરી, ૨ મોટી ચમચી ખાંડ, ૨ નાની ચમચી દેશી ઘી, ૨ ગોળ કાપેલી બ્રેડની સ્લાઈસ.
રીત : જરદાળું, રાસબરી તથા કેરીનો માવો મિક્સરમાં સારી રીતે ક્રશ કરો. હવે એમાં ખાંડ નાખી ફરી એકવાર હલાવો. એક કડાઈમાં ઘી નાખી ધીમા તાપે ગેસ પર કેરીનું મિશ્રણ ચઢવા દો. તેમાંથી ઘી છૂટવા લાગે તો ગેસ બંધ કરી દો. મિક્સ ફ્રૂટ બટર તૈયાર છે. હવે તેને બ્રેડ પર લગાવી બાળકો ને આપો.
તરબૂચનાં ગોળા
સામગ્રી : ૨૫૦ ગ્રામ તાજું પનીર, ૪-૫ સ્લાઈસ બ્રેડ, ૧/૨ કપ દૂધ, ૧ મોટી ચમચી બૂરું, તરબૂચના મોટા ટુકડા, ફૂદીનો.
રીત : બ્રેડની કિનારીકાપી લો. દૂધમાં આ બ્રેડ પલાળીને ધીરેથી દબાવી તેમાંથી દૂધ કાઢીને મસળો. તેમાં પનીર અને ખાંડ નાખી ફરીથી ખૂબ મસળો.
તરબૂચનાં બી કાઢી લઈ એક સરખા ટુકડા કરો. બ્રેડના ગોળા બનાવી પછી થોડા દબાવો. હવે તેની વચ્ચે તરબૂચના ગોળા રાખો અને સરખી રીતે ગોળો બનાવો. કાપેલા તરબૂચ અને ફુદીનાથી સજાવો અને ઠંડા ઠંડા પીરસો.
શાહી રાસબરી
સામગ્રી : ૪ સ્લાઈસ બ્રેડ, ૧/૨ લિટર દૂધ, ૧૦૦ ગ્રામ રાસબરી, ૧ કપ ખાંડ, ૮-૧૦ પિસ્તા
રીત : દૂધને ઉકાળો, અડધું થઈ જાય તો ઠંડુ કરી ૨ ચમચી ખાંડ નાખી રબડી બનાવો, ૧/૨ કપ પાણીમાં ૧/૨ કપ ખાંડ નાખી ચાસણી બનાવો. રાસબરી સમારીને બાફો. તેમાં ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો પછી ઠંડુ કરો.
બ્રેડની સ્લાઈસ ત્રિકોણાકારમાં કાપી ટોસ્ટરમાં બ્રાઉન રંગે શેકો પછી ચાસણીમાં ડુબાડી દો. એક ડિશમાં બ્રેડના ટુકડા મૂકી ઉપર રબડી રેડો. ઉપર રાસબરી રેડો અને પિસ્તાથી શણગારી ઠંડુ પીરસો.
ખટમીઠી ટેટી
સામગ્રી : ૫૦૦ ગ્રામ ટેટી, ૧/૨ કપ મગફળીના દાણા, ૨ મોટી ચમચી કાળા તલ, ૨ મોટી ચમચી ખાંડ, ૧ લીંબુનો રસ, ૧/૨ નાની ચમચી સંચળ, ૧/૨ નાની ચમચી શેકીને વાટેલું જીરું, ૧/૨ નાની ચમચી કાળા મરી, ચપટી લાલ મરચું
રીત : ટેટીની છાલ ઉતારી એમાં બધો મસાલો, ખાંડ, લીંબુ વગેરે મિક્સ કરી ઠંડુ થવા દો. મગફળીના દાણા કચરી ફોતરાં કાઢી નાખો. તલને શેકો. ત્યારબાદ તલ અને મગફળી ટેટી પર ભભરાવીને પીરસો. આ સિવાય ઈચ્છો તો ટેટીના બે ભાગ કરી એમાં આ બધું ભરીને પણ પીરસી શકો છો.
ટેટીના કપ
સામગ્રી : ૧/૨ કપ સોજી, ૧ ચમચો ઘી, ૩ કપ દહીં, ૨ કપ ટેટી, ૧/૨ કપ ખાંડ, ૧/૨ કપ માવો.
રીત : કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સોજી નાખો. સોજી ગુલાબી રંગની થાય એટલે તેમાં ૧ ૧/૨ કપ પાણી રેડી ધીમા તાપે રાખો. દહીં સારી રીતે હલાવીને ધીરે ધીરે સોજીમાં રેડો અને હલાવતાં જાઓ. નીચે ઉતારી ઠંડી થવા દો.
હવે મિક્સરમાં ટેટી માવો તથા ખાંડ નાખીને ક્રશ કરો. તેમાં દહીં અને સોજીનું મિશ્રણ નાખી મિક્સરમાં ફરીથી હલાવો.
મિશ્રણ ફ્રિજમાં ઠંડુ કરીને પીરસો.
- હિમાની