દાવત : ચટાકેદાર અથાણાં-ચટણીની લહાણી
લીંબુના રસવાળું શાહી અથાણું
સામગ્રી :
૫-૬ મોટાં લીંબુનો રસ, આદુંના બે ટુકડા, એક સફરજનનો ટુકડો, ચાર-છ મખાણા, આઠ એલચા, એક ચમચી મરીનો પાઉડર, એક ચમચી મીઠું, એક વાટકી ખાંડ, એક વાટકી મિક્સ મેવો, એક ચમચો કિશમિશ, એક ચમચી એલચીનો પાઉડર, એક ચમચો વરિયાળી.
લીંબુના રસમાં મીઠું મરી અને વરિયાળી ભેળવો. મેવાને બારીક સમારી અને કિશમિશને આખી જ નાખી દો. તેમાં ખાંડ તથા એલચીનો પાઉડર નાખી હલાવો. શાહી અથાણું તૈયાર છે.
કોઠીમડાંનું અથાણું
સામગ્રી : દોઢ કિલો કોઠીમડાં, એક કપ સરસિયું, ચાર ચમચી મીઠું, બે ચમચી મરચું, પોણી ચમચી હળદર, દોઢ ચમચી રાઈ, દોઢ ચમચી વરિયાળી, એક ચમચી જીરું, અડધી ચમચી શાહજીરું, એક ચમચી મેથી, ચપટી હિંગ.
રીત : કોઠીમડાને ધોઇ, છોલીને બે ચમચી મીઠું લગાવી આખી રાત રહેવા દો. સવારે તેમાંથી પાણી છૂટયું હોય તે કાઢી નાખો અને ૨-૩ કલાક તડકે સૂકવો.
ગરમ તેલમાં હિંગ, રાઇ, જીરું, મેથી અને વરિયાળી નાખી, ૪-૫ સેકન્ડ પછી શાહજીરુ નાખો. હળદર, મીઠું, મરચું નાખી ઝડપથી હલાવો આંચ ધીમી કરી કોઠીમડાં નાખી દો. ઠંડા થયા પછી બરણીમાં ભરી લઈ. ૨-૩ દિવસ બરણીના મોં પર કપડું બાંધી તડકે મૂકો. અથાણું વધુ સમય સારું રાખવા તેલ વધારે રેડો અથવા ફ્રીઝમાં મૂકી રાખો.
કાચા પપૈયાનું અથાણું
સામગ્રી :
એક નાનું કાચું પપૈયું, અડધી વાટકી સરકો, દોઢ ચમચી મીઠું, એક ચમચી મરચું, પા કપ રાઇના કુરિયા, અડધી વાટકી સરસિયું, બે ચમચી શાહજીરું, બે ચમચી હળદર.
રીત :
પપૈયાને ધોઈ, છોલીને તેની લાંબી પાતળી ચીરીઓ કરો. અડધી ચમચી મીઠું નાખી ધીમી આંચે પાંચ મિનિટ બાફો. બફાઇ જાય એટલે નીચે ઉતારી ઠંડું કરો. પાણી સાવ સુકાઇ જવા દો. પહોળા તપેલામાં બધો મસાલો અને મીઠું તેલમાં એકરસ કરો. તેમાં જ પપૈયાના બાફેલા ટુકડા બરાબર મિક્સ કરી બરણીમાં ભરી દો. પછી સરકો રેડી બરણી હલાવો. ચોવીસ કલાક પછી અથાણું ખાઈ શકાશે. જો તે લાંબા સમય સુધી રાખવું હોય તો સરકો અને તેલ વધારે પ્રમાણમાં નાખવા.
ખજૂરનું ચટપટું અથાણું
સામગ્રી :
૫૦૦ ગ્રામ ખજૂર, ૫૦૦ ગ્રામ લીંબું, ૧૫૦ ગ્રામ ખાંડ, એક ચમચી મીઠું, એક ચમચી સંચળ, એક ચમચી અધકચરો ખાંડેલો ગરમ મસાલો, એક ચમચી મરચું (સ્વાદ મુજબ), સહેજ હિંગ, પાંચ-છ અધકચરી ખાંડેલી પીપરી.
રીત :
ખજૂરને ધોઇ સૂકવીને તેના ઠળિયા કાઢી નાખો. ખજૂરમાં લીંબુનો એટલો રસ રેડો કે જેમાં તે ડૂબી જાય. તેમાં ખાંડ, મીઠું, સંચળ, ગરમ મસાલો, પીપર, હિંગ અને મરચું નાખી ભેળવો. બરણીમાં ભરી તેને ચાર-પાંચ દિવસ તડકે રાખવાથી ચટપટું અથાણું તૈયાર થઇ જશે. તેને લીંબુ, મરચું, લવિંગ અને મરીથી સજાવી પૂરી કે પરોઠાં સાથે ખાવ.
કમરખનો મુરબ્બો
સામગ્રી :
છ મોટાં કમરખ, બે વાટકી ખાંડ, અડધી વાટકી પાણી, એક ચમચી સંચળ, એક ચમચો શેકેલી વરિયાળી, અડધી ચમચી શેકેલું જીરું.
રીત :
બધાં કમરખને ખૂબ ધોઇ વચમાંથી બબ્બે ટુકડા કરો. ચપ્પુથી તેમાં કાપા પાડો. ખાંડમાં પાણી રેડી, તે ઉકળવા લાગે એટલે કમરખના ટુકડા નાખી દઈ ૧૫-૨૦ મિનિટ સુધી ચડવા દો. ચાસણી ઘટ્ટ થઈ જાય એટલે મીઠું, વરિયાળી, જીરું વગેરે ભેળવો. ચાસણી તેના પર ચોટવા લાગે એટલે આંચ પરથી ઉતારી લઇ બરણીમાં ભરી દો.
પૌષ્ટિક ચટણી
સામગ્રી :
એક કપ ગાજરના પાન, એક કપ મૂળાની ભાજી, એક કપ કોથમીર, દસ લીલી ડુંગળી, થોડો લીમડો, છ લીલાં મરચાં, પંદર વટાણાનાં છોતરાં, ચાર-પાંચ આંબળાં, પાંચ ચમચાં દહી, ૧૦૦ ગ્રામ નાળિયેર, ત્રણ ચમચા શેકેલા ચણાની દાળનો પાઉડર, ચાર-પાંચ ટામેટા, એક ચમચી લીંબુનો રસ, બે ચમચી જીરું, અઢી ચમચી મીઠું.
બધા પાનને ધોઈને સમારો. ટામેટાં નાળિયેર, આંબળાના નાના ટુકડા કરો. વટાણાના છોતરાંની અંદરની પાતળી છાલ કાઢી નાખો. તેમાં બાકીની બધી સામગ્રી ભેળવી ક્રશ કરો. લીલાં મરચાં, ટામેટાં, લીંબુ અને કોથમીરથી સજાવી પૌષ્ટિક ચટણી પીરસો.
કમરખની ગળી ચટણી
સામગ્રી :
બે કમરખ, અડધી વાટકી ખાંડ, એક વાટકી ગોળ, એક ચમચો મખાણાનો પાઉડર, પંદર કિસમિસ, પા ચમચી સંચળ અને શેકેલું જીરું.
કમરખને ધોઈ નાના-નાના ટુકડા સમારી ખાંડમાં નાખી ચડવા દો. પાણી ઓછું નાખવું. તેમાં ગોળ નાખી મિક્સીમાં એકરસ કરી લો.
મખાણાને સહેજ ઘીમાં સાંતળી, ક્રશ કરીને તેનો પાઉડર બનાવો. તેને ચટણીમાં ભેળવી, જરૂર પૂરતું પાણી રેડી ગરમ મૂકો. ઉભરો આવે એટલે ચટણીને બોટલમાં ભરી લો. એક અઠવાડિયા પછી ચટણીનો સ્વાદ માણો.
- હિમાની