દાવત : નવા વરસમાં નવીન પકવાન
પોટેટો ટિક્કી
સામગ્રી :
૪ મોટા બટાકાં, ૬ ચમચા મેંદો, ૧ ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું, ૨ લીલાં મરચાં ઝીણા સમારેલાં, ૨ ચમચા માખણ.
ટોપિંગ માટે સામગ્રી : ૧ ચમચો માખણ, ૧ કપ દૂધ, ૧ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી, ૩/૪ કપ ફણગાવેલા અને બાફેલા મગ અને ચણા, ૨ ચીઝ ક્યૂબ્સ.
બટાકાંને છોલી છીણી લો. હવે તેમાં ૪ ચમચા મેંદો, મીઠું અને મરચું નાખીને તેને ટિક્કીનો આકાર આપો. તેના પર માખણ લગાવો. ગરમ ઓવનમાં સોનેરી રંગે બેક કરો અથવા તવા પર શેકી લો.
ટોપિંગની રીત :
વાસણમાં માખણ ગરમ કરો. ૨ ચમચા મેંદો નાખી ૧ મિનિટ હલાવો. તેમાં દૂધ, મીઠું અને લીલાં મરચાં નાખીને થોડી વાર સુધી ચડવા દો. પછી તેમાં ફણગાવેલા મગ અને ચણા નાખીને આંચ પરથી નીચે ઉતારી ગરમાગરમ ટિક્કી પર પાથરી દો. ઉપર છીણેલું ચીઝ ભભરાવો. થોડી વાર ઓવનમાં રાખો ચટણીની સાથે ગરમાગરમ પીરસો.
ચીઝ એન્ડ ટોમેટોબોલ
સામગ્રી : બ્રેડની ૪ સ્લાઈસ, ૨ ટામેટાં ઝીણાં ચોરસ આકારમાં સમારેલાં, ૧/૨ કપ છીણેલું ચીઝ, ૧ ચમચી મરી, ૨-૩ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૨ ચમચા ઓગાળેલું માખણ.
રીત : બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાળીને મસળી નાખો. તેમાં બાકીની બધી સામગ્રી મિક્સ કરીને તેના નાના નાના ગોળા વાળો માખણ લગાવીને પહેલેથી ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ગરમ ઓવનમાં સહેજ સોનેરી રંગે બેક કરો.
ડ્રીમ પુડિંગ
સામગ્રી : બ્રેડની ૬ સ્લાઈસ, ૨ કપ દૂધ, ૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૬ મોટી ચમચી ખાંડ, ૧/૨ કપ મિક્સ ડ્રાયફ્રૂટ ઝીણાં સમારેલાં, ૨ મોટી ચમચી કોકો પાઉડર.
રીત : બ્રેડને ગરમ ઓવનમાં આછા સોનેરી રંગે બેકડ કરી લો. કડાઈમાં દૂધ અને ખાંડ ગરમ કરો. કન્ડેન્સ્ડ મિલ્ક અને કોકો પાઉડર નાખીને હલાવો. પછી બ્રેડનો ભૂકો નાખી ફરીથી હલાવો. ઘટ્ટ થાય ત્યારે આંચ પરથી નીચે ઉતારી સમારેલાં ડ્રાય ફ્રૂટથી સજાવો.
હોટ મશરૂમ
સામગ્રી :
૧ પેકેટ મશરુમ, ૧ મોટી ડુંગળીના પતીકા, ૨ ચમચા માખણ, ૧ મોટી ચમચી કરી પાઉડર, ૧ ચમચી મીઠું, ૨ મોટી ચમચી કોથમીર, ૧ લીંબુનો રસ.
મશરુમને સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લો. પેનમાં માખણ ગરમ કરો તેમાં ડુંગળી અને મશરુમ નાખીને હલાવતાં રહો. ૫-૬ મિનિટ સુધી સાંતળ્યા પછી મીઠું અને કરી પાઉડર ૨-૩ મિનિટ સુધી ફરીથી હલાવો. લીંબુનો રસ અને કોથમીર નાખીને તાપ પરથી ઉતારી લો.
બોર્નવીટા કુલ્ફી
સામગ્રી :
૧/૨ લિટર દૂધ, ૪ ચમચા કન્ડેન્સ્ડ મિલ્ક, ૧ ચમચી કોર્નફલોર, ૨ ચમચા બોર્નવીટા, ૩ ચમચા ખાંડ.
ભારે તળિયાના વાસણમાં દૂધ ગરમ કરો. જ્યારે ઉકળવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરી દો. થોડા ઠંડા દૂધમાં કોર્નફલોર અને બોર્નવીટા મિક્સ કરો અને તેને ઉકળતા દૂધમાં નાખી દો પછી ૨-૩ મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ આંચ પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દઈ, કુલ્ફીના સંચામાં ભરીને જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો.
ચણાની ચિક્કી
સામગ્રી :
૧ કપ ગોળ અથવા ખાંડ, ૧/૨ કપ શેકેલા ચણા, ૩-૪ એલચીનો પાઉડર, ૨ ચમચી શેકેલા તલ.
રીત :
ભારે તળિયાની કડાઈમાં ૧ મોટા ચમચા પાણીમાં ગોળ નાખી દો. એક વાટકીમાં ઠંડુ પાણી ભરીને એક બાજુ મૂકી દો. ગોળ પાણીનું મિશ્રણ હલાવતાં રહો. તેમાં એક ઊભરો આવે ત્યારે તેમાંથી એક ટીપું લઈને ઠંડા પાણીમાં નાખી જુઓ જો એ ટીપું ગોળી બનીને નીચે બેસી જાય તો સમજી લો કે મિશ્રણ તૈયાર છે. ત્યાર બાદ બાકીની બધી સામગ્રી નાખીને બરાબર હલાવો પછી તરત જ ચીકણી કરેલી જગ્યાએ પાથરીને ચીકણા વેલણથી વણી લો. તે તરત જામીને કડક બની જશે. તેના નાના નાના ટુકડા કરીને તોડી લો.
ક્વિક બાઈટ
સામગ્રી : બ્રેડની ૪ સ્લાઈસ, ૪ ચમચા માખણ, ૧/૨ કપ ઘાટું દહીં, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૨ લીલાં મરચાં સમારેલાં, ૧ કેપ્સિકમ સહેજ બાફીને ઝીણું સમારેલું, ૧ ગાજર સહેજ બાફીને ઝીણું સમારેલું, ૧ મોટી ચમચી કોથમીર સમારેલી અથવા વરિયાળી.
રીત : બ્રેડનાં કિનારા કાપી વચ્ચે માખણ લગાવો અને પહેલાંથી ગરમ કરેલા ઓવનમાં ૧૦ મિનિટ રાખીને બહાર કાઢી લો. બાકીની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી બ્રેડ પર મૂકીને સર્વ કરો.
ક્રન્ચીસ્વીટ
સામગ્રી : ૨ કપ પનીર છીણેલું, ૧/૨ કપ અખરોટનો ભૂકો, ૧/૪ ચમચી રોઝ એસેન્સ, ૩/૪ કપ દળેલી ખાંડ.
રીત : બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી મનપસંદ આકાર આપો. પછી ઠંડુ કરીને પીરસો.
- હિમાની