Get The App

દાવત : ગરમીમાં તનને ટાઢક પહોંચાડતાં આઇસ્ક્રીમ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
દાવત : ગરમીમાં તનને ટાઢક પહોંચાડતાં આઇસ્ક્રીમ 1 - image


સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

સામગ્રીઃ 

૨ લીટર દૂધ, ૫ ચમચી કોર્નફ્લોર, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ વ્હાઈટ માખણ, ૪ ચમચી મિલ્ક પાઉડર, ચાઈના ગ્રાસનું ૦।। પેકેટ, સ્ટ્રોબેરી વગેરે.

રીત : 

 સૌ પ્રથમ દૂધને ગરમ કરવું. ઉભરો આવે એટલે ચાઈના  ગ્રાસ પાણીમાં પલાળી નીચોવી (બ્રેડને પલાળી તે રીતે) ગરમ દૂધમાં નાખનોે હલાવતાં રહો.  કોર્નફ્લોરને ઠંડા દૂધમાં ઠાલવી ગરમ દૂધમાં નાંખવું ને હલાવવું. ખાંડ નાખી હલાવવું. બે ઉભરા  લાવી  નીચે ઉતારવું. સ્ટ્રોબેરી ધોેઈને ઠંડા કરેલા દૂધમાં નાંખવી. છેલ્લે ગેસ બંધ કરી માખણ નાખવું. મીક્સરમાં નાખી ક્રશ કરવું. એલ્યુમિનિયમના ડબ્બામાં દૂધ નાખી બરફના ખાનામાં ઢાંકીને સેટ કરવા મુકવું. સેટ થયા પછી બહાર કાઢી તેના નાના નાના ટુકડા કરવા. ક્રીમ નાખી હલાવવું. ફરી પાછું મિક્સરમાં નાખી ક્રશ કરવંું. પાછું ફરીથી બરફના ખાનામાં સેટ કરવા મુકવું. વધારે સ્ટ્રોબેરી નાખવી હોય તો ખાંડનું પ્રમાણ વધારે નાંખવું.  સ્ટ્રોબેરીમાં ખટાશ હોવાથી ખાંડ થોડી વધારે જોઈએ. આઈસ્ક્રીમ ઢાંકીને મુકવો. એલ્યુમિનિયમના ડબ્બામાં જલદી સેટ થશે.

ફળોનું આઈસ્ક્રીમ

સામગ્રી : ૧ લીટર દૂધ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ માવો, ૨૫ ગ્રામ કસ્ટર્ડ પાવડર, મનગમતા ફળો જેવા કે ... પાકી કેરી, બે  દ્રાક્ષ લીલી, ચીકુ તેમ જ એલચીનો ભૂકો, સૂકોમેવો અને ટૂટી ફ્રૂટી.

રીત : સૌપ્રથમ દૂધને ધીમા તાપે થોડીવાર ઉકાળવું. થોડીવાર ઉકાળ્યા બાદ તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાવડર નાખવા અને એકદમ હલાવતા રહેવું કારણ કે કસ્ટર્ડ પાવડરથી દૂધ ઘટ્ટ થવા લાગે છે. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં માવો ખમણીને નાખવો. એકદમ હલાવતા જ રહેવું. થોડીવાર પછી તેમાં એલચીનોે ભૂકો અને થોડો સૂકો મેવો નાખીને હલાવીને નીચે ઉતારી લેવું. થોડીવાર ઠરવા દેવું. તે સમય દરમિયાન કેરીમાંથી રસ કાઢવો અને ચીકુની છાલ ઉતારી તેમાંથી બી કાઢી નાખીને પેલા ઠરી ગયેલા ઘટ્ટ દૂધમાં નાખવું. દ્રાક્ષને પણ ધોઈને તેમાં નાખવી. અને હલાવીને તૈયાર થયેલા ઘટ્ટ  દૂધને મિક્સરમાં પીરસવું જેથી બધા ફળોનો એકરસ થઈ જશે. ત્યારબાદ તેને એક વાસણમાં ભરી તેના પર વધેલા કાજુ-બદામનો ભૂકો અને ટૂટી-ફ્રૂટી નાખીને ફ્રિઝમાં જમાવવા માટે મુકવું. જેથી આઈસ્ક્રીમ થોડીવારમાં તૈયાર થઈ જશે.

કેરેટ આઈસ્ક્રીમ

સામગ્રી : 

૧ લીટર દૂધ, ૫૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ માવો, ૩૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ક્રીમ (નાખવું હોય તો) ૨ ટી.સ્પૂન ચાઈના ગ્રાસ, આઈસ્ક્રીમ એસેન્સ, સૂકોમેવોે : બદામ, કાજુ, દ્રાક્ષ, એલચી વગેરે (ઘરે સંચો હોય તો તેમાં બનાવવો હોય તો બરફ ૪ કિલો મીઠું ૧ કિલો.

રીત : 

 ગાજરને ખમણી લેવું. ખમણેલું ગાજર અને દૂધ મિક્સરમાં એકરસ કરો. માવાને ખમણી લો. થોડા ઠંડા દૂધમાં ચાઈના ગ્રાસ ઓગાળો. હવે ગાજરને દૂધના મિશ્રણને ઉકાળો (અડધો કલાક ઉકાળો) પછી તેમાં ખાંડ નાખી ઉકાળો.  ત્યારબાદ માવાને ઉકળતા દૂધમાં નાખી,  સતત હલાવો, જેથી નીચે બેસી ન જાય. તે ઉકળતા મિશ્રણમાં ઓગાળેલ ચાયના ગ્રાસનું મિશ્રણ નાખો. થોડીવાર પછી નીચે ઉતારી ઠરવા દો. ઠરી ગયેલા મિશ્રણને આઈસ્ક્રીમના સંચાની કોઠીમાં રેડો. ત્યારબાદ તેને હલાવો  (કોઠીમાં બરફને મીઠું નાખવું) સારો એવોે ઘટ્ટ થઈ જાય ત્યારે  ચમચાથી સરસ રીતે નીચે તળિયા સુધી હલાવો. ત્યારબાદ અંદર ક્રીમ-એસેન્સ-સૂકોમેવો નાખી પાછી જમાવો. નોંધ : ફ્રીઝમાં સેટ કરવા મૂકો તો એકવાર સેટ થયા બાદ ટુકડા કરી મીક્સરમાં એકરસ કરો. ત્યારબાદ ક્રીમ એસેન્સ, સૂકોમેવો નાખો અને પાછો ફ્રીઝમાં સેટ કરવા મુકો.

બ્રેડ કસાટા વીથ ડ્રાયફ્રૂટ

સામગ્રી : બ્રેડનું પેકેટ,૧ લીટર દૂધ, ૧૦૦ ગ્રામ મલાઈ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૩ નંગ ગ્લુકોઝ બીસ્કીટ, ૧ નાની ખમણેલી કેડબરી ચોકલેટ, ૨૫ ગ્રામ અખરોટના ટુકડા, ૨૫ ગ્રામ કીસમીસ, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, તળવા માટે ડાલ્ડા ઘી ૧૦૦ ગ્રામ, ૫૦ ગ્રામ દૂધ ખાંડ નાંખેલું, ૧૦ નંગ લાલ ચેરીના ટુકડા, ૨ ટીપાં એસેન્સ કેસર અથવા ગુલાબ.

રીત : 

સહુ પ્રથમ પાઉંની સ્લાઈસને ગોળ વાટકીથી કાપી ધીમા તાપે સોનેરી રંગના તળી લેવા. ૫૦ ગ્રામ ખાંડ નાંખેલા દૂધમાં ૧૦ મિનિટ પલાળી દબાવી કાઢી લેવા. હવે ૧ લીટર દૂધને બરાબર ઉકાળવુ. અડધું રહે એટલે ખાંડ નાખી હલાવવું. કીસમીસને પાણીમાં પલાળી રાખવી. ૨ ચમચા દૂધ લઈ તેમાં અખરોટ કાજુનો ભૂકો મિક્સ કરી મીક્સરમાં વાટી લેવો. ગ્લુકોઝ બીસ્કિટ તથા કેડબરી ચોેકલેટ પણ  સાથે મીક્સ કરી લેવો. હવે દૂધ ઉકાળેલું ઠંડુ પડે એટલે   કીસમિસ આખી નાંખી દેવી. એસેન્સ નાંખી દેવું. ફ્રીઝમાં સેટ કરતા પહેલા ફ્રીઝ ૧ કલાક પહેલા કૂલ ઉપર મૂકવું. એલ્યુમિનિયમની ટ્રેમાં સેટ કરવા મૂકવું. ૧ કલાક પછી ફરી મીક્સરમાં બધું સેટ કરવું. આ રીતે ૩ વખત કરવું. ૬ કલાકમાં આઈસ્ક્રીમ તૈયાર થશે. આપતી વખતે પાઉંની સ્લાઈસ પણ ૧ કલાક પહેલાં ફ્રીઝરમાં સેટ કરવા મુકવી. તે સ્લાઈસ ઉપર ૧ ચમચો આઈસ્ક્રીમ મુકી ઉપર લાલ ચેરીનું અડધીયું મૂકી દેવું. બને ત્યાં સુધી આઈસ્ક્રીમનો ગોળ ચમચો આવે છે તે લેવો જેથી ગોળ લાડવા જેવો ઘાટ આવે.

ત્રીરંગી આઈસ્ક્રીમ

સામગ્રી :

 ૧/૨ લીટર દૂધ, ૨ મોટા ચમચા કોર્નફ્લોર, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૧૦૦ ગ્રામ કાચા સીંગદાણા, ૫૦ ગ્રામ શેકેલા સીંગદાણાનો ભૂક્કો, ૨૦૦ ગ્રામ સાકર, ૧ ચમચી ઈલાયચીનું એસેન્સ. ૧ ૧/૨ ચમચી ખાવાનો રંગ લીલો. 

રીત : 

 ૧૦૦ ગ્રામ કાચા સીંગદાણાને પાંચ કલાક પાણીમાં પલાળી રાખો. પછી હાથેથી મસળીને સીંગદાણાના લાલ ફોતરા કાઢી નાખો.   પછી આ દાણામાં થોડું દૂધ મેળવી મીક્સરમાં  બારીક પીસી નાંખો.

હવે મોટા તપેલામાં દૂધ નાખી ગેસ પર ઉકાળો  પાંચ મિનિટ સુધી ઉકળવા દો. હવે ૧/૨ કપ ઠંડા પાણીમાં કોર્નફ્લોર ઘોળી દો. આ  ઘોળેલા કોર્નફ્લોર અને બારીક પીસેલા સીંગદાણાના ભૂક્કાને ઉકળતાં દૂધમાં નાખો અને હલાવો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સાકર નાખીને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી એસેન્સ અને ક્રીમ નાખી હલાવો. જેથી બધું મિશ્રણ એક રસ થઈ જાય. હવે આ મિશ્રણના ૩ ભાગ કરો. ૧ ભાગમાં લાલ રંગ નાખો બીજા ભાગમાં લીલો રંગ નાખો. ત્રીજો ભાગ એમનો એમ જ  સફેદ રહેવા દો. હવે ત્રણેય ભાગને અલગ અલગ વાસણમાં ફ્રીઝમાં ઠંડુ થવા મુકો. થોડું ઠંડુ થાય એટલે ત્રણેય વાસણને બહાર કાઢી છાશના સંચા વડે વલોવી નાખો અને ફરીથી ઠંડુ થવા મૂકો. આમ પાછું વલોવાથી તેમાં બરફની કણી રહેશે નહીં.

પીરસવાની રીત :  પ્રથમ આઈસ્ક્રીમ પીરસવાની પ્લેટ લો. તેમાં થોડો શેકેલા સીંગનો ભૂકો છાંટો પછી તેના ઉપર લીલા રંગનું આઈસ્ક્રીમ મૂકો પછી સફેદ રંગનું આઈસ્ક્રીમ મૂકી  અને પછી તેના ઉપર લાલ રંગનું આઈસ્ક્રીમ મૂકો અને તેના પર સીંગદાણાનો ભૂક્કો છાંટી ખાવામાં તેમ જ ખાવામાં ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ લાગે.

- હિમાની


Google NewsGoogle News