દાવત : વૈશાખની થકવી નાખતી ગરમીમાં તનને ટાઢક પહોંચાડતાં આઇસ્ક્રીમ - ઠંડાં પીણાં
હનીમૂન ડ્રિંક
સામગ્રી :
૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.
સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાથે ચમચી આપવી.
ચિલર પિલર ડ્રિંક
સામગ્રી :
૧/૨ ચમચી પિપરમિન્ટ, ૨ મોટા ચમચા તાજી મલાઇ અથવા મિલ્ક પાઉડર, ૩ કપ ઉકાળીને ખૂબ ઠંડું કરેલું દૂધ, ૧ કપ બીટનું ઉકાળીને ઠંડું કરેલું પાણી, ૨ મોટા ચમચા ખાંડ, ૧ કપ ચોકલેટ કે વેનીલા આઇસક્રીમ, થોડાં તુલસીનાં પાન, ૧/૨ ચમચી ચોકલેલ પાઉડર.
મિક્સીમાં દૂધ, તાજી મલાઇ, પિપરમિન્ટ અને ખાંડ નાખી તેને દસ સેકન્ડ સુધી ચલાવો. તેમાં બીટનું પાણી રેડી ફરી ચલાવીને મિક્સ કરો મોટામોટા ગ્લાસમાં સરખા ભાગે ભરી ઉપરથી ૧-૧ સ્કૂપ આઇસક્રીમ અને તુલસીના પાન નાખી ચમચા સાથે મહેમાનોને આપો.
નોંધ : વેનીલા આઇસક્રીમ નાખી તેના ઉપર ચોકલેટ પાઉડર ભભરાવીને પણ આપી શકાય.
ગ્રેપ ફૅન્ટસી
સામગ્રી :
૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.
રીત :
સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.
એપલ ક્રીમ ડીલાઇટ
સામગ્રી :
૫૫ સફરજન, ૧ કપ ખાંડ, ૧ ૧/૨ કપ પાણી, ૧/૨ ચમચી સાઇટ્રિક એસિડ, ૧/૨ ચમચી સફરજનનું એસેન્સ, બે-ત્રણ ટીપાં ખાવાનો લાલ રંગ, ૧/૨ કપ તાજું ક્રીમ, ૧ મોટો ચમચો કેસ્ટર શુગર, ૧/૨ કપ શેકેલા કાજુનો ભૂકો.
રીત :
સફરજનને ધોઇ, છોલીને ગોળ ચપ્પુથી વચ્ચેનાં બી કાઢી નાખો. તેમાં કાંટાથી કાણાં પાડી દસ મિનિટ માટે ૧/૨ ચમચી મીઠું ભેળવેલા એક કપ પાણીમાં રહેવા દો.
ખાંડ તથા પાણીની પાતળી ચાસણી બનાવી, સફરજનને મીઠાવાળા પાણીમાંથી કાઢી તે ચાસણીમાં નાખી દો. ધીમી આંચ રાખીને જ્યારે ચાસણી સફરજનમાં ભળીને એક તારી બને ત્યારે આંચ પરથી નીચે ઉતારી લો.
સફરજનમાં સાઇટ્રિક એસિડ ભેળવી એક કલાક ચાસણીમાં રહેવા દો અને પછી તેમાં સફરજનનું એસેન્સ ઉમેરો.
હવે એક મોટી પ્લેટમાં સફરજન કાઢો. ક્રીમ તથા કેસ્ટર શુગરને ફીણી તેના પર રેડો અને ઉપરટીપું ટીપું રંગ નાખી કાજુનો ભૂકો ભભરાવો. આ રીતે તૈયાર થયેલ એપલ ડિલાઇટને ઠંડું થયા પછી પીરસો.
ગાજરની શાહી કુલ્ફી
સામગ્રી :
૫૦૦ ગ્રામ ગાજરનું છીણ, ૧ કપ ખાંડ, ૨૦૦ ગ્રામ તાજો માવો, ૧ મોટી ચમચો કૉર્નફ્લોર, ૪ મોટા ચમચા બદામનો ભૂકો, ૧ મોટો ચમચો નાની એલચીનો પાઉડર, ૧ ચમચી કેવડાનું એસેન્સ, ૧/૨ ચમચી ખાવાનો લાલરંગ (ઇચ્છા હોય તો) ૬-૮ ચાંદીના વરખ.
દૂધને ઉકળવા મૂકો. થોડા ઠંડા દૂધમાં કૉર્નફ્લોર ધોળીને ઉકળતાં દૂધમાં ભેળવો. તેને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. જ્યારે દૂધ ઉકળીને અડધું રહે ત્યારે તેમાં ખાંડ તથા માવો છીણીને નાખીદો. આ મિશ્રણને મિક્સીમાં ક્રશ કરો. ગાજરમાં થોડું પાણી રેડી બાફી નાખો, જેથી ગાજર ગળી જાય. ગાજરને ઠંડા થયા પછી મિક્સીમાં ક્રશ કરો. ત્યાર પછી તે બંનેને ભેળવી ફરી એકવાર મિક્સી ચલાવીને એકરસ કરો. ઇચ્છા હોય તો તેમાં ખાવાનો લાલ રંગ પણ ભેળવો. બંને મિશ્રણ એકરસ થઇ જાય એટલે તેમાં બદામનો અડધોઅડધ ભૂકો, કેવડાનું એસેન્સ અને એલચીનો પાઉડર નાખી કુલ્ફીના મોલ્ડમાં ભરી ફ્રીઝમાં જામવા માટે મૂકી દો ૩-૪ કલાકમાં કુલ્ફી જામી જાય એટલે તેને બહાર કાઢીને ઉપર ચાંદીનો વરખ ચોંટાડો તથા બદામ અને એલચીનો ભૂકો ભભરાવો.
ત્રિવેણી પાચક શરબત
સામગ્રી :
૨૫૦ ગ્રામ ફુદીનો, ૨૫૦ ગ્રામ તાજું આદું ૧ ૧/૪ કિલો લીંબુ (રસવાળા) ૨ ૧/૨ કિલોખાંડ, ૫૦ ગ્રામ જીરું, ૧૦૦ ગ્રામ કિસમિસ, ચપટી સંચળ, ૧૦ ગ્રામ વરિયાળી, ૫ ગ્રામ અજમો, ૫૦ ગ્રામ ખાંડ, લીલી એલચી
રીત : ફુદીનાનાં પાંદડાંને બરાબર ધોઇને ૧ લિટર પાણીમાં ઉકાળો પાંચેક મિનિટ પછી કિસમિસના ટુકડા, ખાંડેલી વરિયાળી અને શેકેલા જીરાને તેમાં નાંખી દો. અડધો કલાક ઉકળયા પછી જ્યારે અડધાથી વધારે પાણી શોષાઇ જાય ત્યારે અજમો નાખી એક ઉભરો આવે એટલે આંચ પરથી નીચટે ઉતારી લો.
આંદુને છીણી ખાંડમાં ભેળવી તડકે મૂકી રાખો. પછી થોડો સંચળ ભેળવી, ૩-૪ કલાક તડકામાં રહેવા દઇને હથેળીથી આંડુને દબાવી બધો રસ નિચોવી નાખી તેને ફુદીનાવાળા પાણીમાં ભેળવો. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ઉકાળી ગાળીને રાખો.
૨ ૧/૨ કિલો ખાંડમાં આ મિશ્રણ ભેળવી એકતારી ચાસણી બનાવી ઠંડી થવા દો. ૧ ૧/૪ કિલો લીંબુનો રસ કાઢી તેમાં ધીમે ધીમે ભેળવો અને બોટલમાં ભરી દો.
- હિમાની