Get The App

દાવત : શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
દાવત : શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ 1 - image


ગેઝપેશો સૂપ

સામગ્રી :  

મધ્યમ આકારનું એક ટમેટું, ડુંગળી  અડધી,  લસણ ૧ કળી, ઘોલર મરચું  અડધું કાપેલું, ૧/૨ કાકડી ,૧/૨ કપ વિનેગાર, ૧/૨ ચમચી લીંબુનો રસ, ૧/૨ ચમચી ખાંડ, થોડી કાપેલી કોથમીર, બરફ નાખેલું ઠંડુ ૧ કપ પાણી, સ્વાદ પુરતું મીઠું અને ખાંડેલા કાળા મરી.

રીત : 

કાચું ટમેટું મિક્સરમાં નાખી એકરસ કરી લો, બારીક કાપેલી ડુંગળી, લસણ નાખી પાણી નાખી બરાબર એકરસ કરી લેવું ગાળી લઈ તેમાં લીંબુનો રસ, વિનેગાર, મીઠું, કાળા મરીનો ભૂકો, ઘોલર મરચું  અને કાકડીના બારીક કકડા નાખો. ફ્રિઝમાં ઠંડુ કરો. તેમાં કાપેલી કોથમીર નાખી પીરસો.

આ સૂપમાં માત્ર ૬૨ કેલેરી  છે અને અલગ અલગ શાકમાંથી તંતુમય પદાર્થો સારા પ્રમાણમાં મળે છે. ઉપરાંત આમાં ગરમ કરવાની પ્રક્રિયા ન હોવાથી તેમાંના વિટામીન્સનો નાશ થતો નથી. એ.બી.સી. વિટામીન એમાંથી પૂરતા પ્રમાણમાં મળે છે. આમ છતાં ટમેટું અને કાકડીમાં કેટલાક રાસાયણિક તત્વોને કારણે જેમને મૂત્રપીંડમાં પથરી થવાની શક્યતા હોય તેમને માટે આ સૂપ સારું ન કહેવાય.

ફળોનો સૂપ

સામગ્રી : 

 ૨ કેળાં, ૨ સફરજન,૨ ચીકુ, અનનાસની ૨ ગોળ રિંગ, ૧/૨ કપ ખાંડ, થોડું મીઠું, થોડો મરીનો ભુકો, થોડો ચાટ મસાલો, ૧ લીંબુનો રસ, ૩-૪ કપ પાણી.

કેળાંની છાલ ઉતારી લો અને બધાં ફળ કાપીને ૩-૪ કપ પાણીમાં મીઠું નાખી કૂકરમાં બે-ત્રણ સીટી વાગે ત્યાં સુધી બાફો. મિશ્રણ ઠંડુ થયા બાદ તેમાંથી ગળણી વડે   ગળ્યા વિનાનાં ફળોને ગાળીને બહાર કાઢી લો. બાકીના પ્રવાહીને વલોણી વડે વલોવો. ચાટ મસાલો, મરી અને ખાંડ નાખીને થોડું  ગરમ કરો. લીંબુનો રસ નાખીને ગળણીમાં બચેલા ફળોના ટુકડા અંદર નાખીને સૂપ પીરસો.

રીંગણાનો સૂપ

સામગ્રી : 

૮-૧૦ નાનાં રીંગણા, ૧ લીંબુ, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી, ૨ ગ્લાસ પાણી, ૧/૨ ચમચી માખણ.

રીંગણાને બરાબર ધોઈ નાખ્યા પછી સુધારીને જુઓ કે તેમાં કીડા ન હોય, કૂકરમાં ૧ ગ્લાસ પાણી નાખો. તેમાં રીંગણાં તથા મીઠું નાખો. મરી પણ ઉમેરો. બે-ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ પડયા બાદ તેને  વલોણી  વડે વલોવો. પછી ચાળણીથી ગાળી નાખો. તેમાં લીંબુનો રસ રેડો અને ઉપર માખણ નાખીને ગરમાગરમ પીરસો. 

સ્વીટ કોર્ન સૂપ

સામગ્રી :  

મકાઈના કૂણાં દાણા ૧/૪ કપ,  મલાઈ વગરનું દૂધ  ૪ ટી.સ્પૂન, શુગર ફ્રી (કૃત્રિમ ગળપણ લાવતી ગોળી) ૧, સ્વાદ જેટલું મીઠું અને દોઢ કપ પાણી. 

 પ્રેશર કૂકરમાં મકાઈના દાણા બાફો પછી તેમાં પાણી અને દૂધ નાખીને ઉકાળો. શુગર ફ્રી ગોળીનો ભૂકો કરી તેમાં નાખો. મીઠું નાખી ગરમ હોય ત્યારે જ ઉપયોગ કરો કે પિરસો.

આ સૂપમાં ૭૦ કેલરી મળે છે. વળી આનાથી તત્કાળ પેટ ભરાતું હોવાથી આહાર પર નિયંત્રણ આવે છે. આ સૂપની વિશિષ્ટતા એ છે કે, મકાઈ અને દૂધમાંથી બનતા પ્રોટિન તત્વો શરીરને થાક વગરનું   રાખવામાં ભારે મદદ  કરે છે.

ત્રિરંગી ગોળાઓનો સૂપ

સામગ્રી : 

 ૧ ગાજર, ૨ ટામેટાં, ૧ ડુંગળી, ૫૦ ગ્રામ કોબીજ, ૧ બટાકું, આદુનો ૧ નાનો ટુકડો, ૧ ચમચો મસૂરની દાળ, ૧/૨ ચમચી મીઠું, ૫૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ વાટેલી પાલક ભાજી, થોડો ખાવાનો પીળો રંગ, ૨ ચમચી કોર્નફ્લોર, ૧/૨ કપ દૂધ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧ ચમચી માખણ.

સૂપ બનાવવા માટે ગાજર, ટામેટાં, ડુંગળી, કોબીજ, બટાકાં, આદું અને મસૂરની દાળને છ કપ પાણીમાં કૂકરમાં બાફી નાખો. તેને મિક્સરમાં નાખીને એકદમ મિક્સ કરીને ગાળી નાખો. પછી તેને ફરીથી ઉકાળો અને તેમાં મીઠું નાખો.

માખણ ગરમ કરીને બે મિનિટ સુધી તેમાં કોર્નફ્લોર નાખીને સાંતળો. દૂધ, મીઠું અને મરી નાખીને ઘટ્ટ બને ત્યાં સુધી ગેસ પર રાખો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં પનીર ભૂકો કરીને ભભરાવો. પનીર મિશ્રણના ત્રણ ભાગ પાડો. એક ભાગમાં વાટેલી પાલકની ભાજી મેળવીને તેના નાના નાના ગોળા બનાવો. બીજા ભાગમાં પીળો રંગ ઉમેરીને તેના ગોળા બનાવો અને ત્રીજા ભાગના સફેદ ગોળા બનાવો. 

ઊકળતા પાણીમાં આ ગોળા પાંચ મિનિટ ઉકાળો. ગોળા તૂટે નહીં તેનું ધ્યાન રાખો. પ્લેટમાં સૂપ અને ત્રણે રંગના ગોળા નાંખીને પીરસો.

પાલક - કોથમીર બટાકાનો સૂપ

સામગ્રી :  

૨ કપ પાણી, ૨ મધ્યમ કદનાં બટાકાં, ૧ કપ બાફેલી પાલક ભાજી, ૧/૪ કપ વાટેલી કોથમીર, ૨ લીલી ડુંગળી, ૧ ચમચો લીંબુનો રસ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧ ચમચો માખણ.

રીત : 

 બટાકાં બાફીને છોલી નાખો અને માવો બનાવો. પાલકની ભાજીને બાફીને વાટો. લીલી કોથમીર, બટાકાં અને પાલકને પાણી નાખી ભેળવીને મિક્સરમાં ખૂબ જ એકરસ કરો. એક ચમચો માખણ ગરમ કરીને તેમાં લીલી ડુંગળી ઝીણી સમારીને નાખો. આછો ગુલાબી રંગ થાય ત્યાં સુધી તેને સાંતળો પછી તેમાં વાટેલા શાકભાજીનું મિશ્રણ નાખીને પાંચ મિનિટ ઊકાળો. તેમાં મીઠું,મરી અને લીંબુનો રસ નાખીને પીરસો.

સલાડ ભાજીનો સૂપ

સામગ્રી :  ૧૦-૧૨ પાન સલાડની ભાજી, ૧૦ પાન ફૂદીનો, ૨ કપ દૂધ, ૪ ચમચી આરારૂટ કે કોર્નફ્લોર, ૨ ૧/૨ કપ પાણી, ૨ ચમચા માખણ, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧ મોટી ડુંગળી.

સજાવટની સામગ્રી :  એક ચીઝ ક્યુબ.

રીત :  એક વાસણમાં માખણ ગરમ કરો. ડુંગળી સમારીને તેને આછો ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળો. સલાડના અને ફુદીનાનાં પાનને સમારીને તેમાં નાખોે અને ડુંગળી સાથે ભેળવો. દૂધ અને કોર્નફ્લોરને ભેળવીને આ મિશ્રણમાં નાખો. તેમાં પાણી, મીઠું, ગરમ મસાલો નાખીને ૧૫ મિનિટ સુધી ગેસ પર રાખો. મિશ્રણને ઠંડુ પડે ત્યારે મિક્સરમાં નાકીને એકદમ બારીક પીસો ગાળીને સૂપ કાઢી લો. સૂપ ગરમ કરીને તેના પર ચીઝ છીણીને નાખો અને ગરમાગરમ પીરસો.

 - હિમાની


Google NewsGoogle News