Get The App

દાવત : ઠંડીની મોસમમાં માણો જાતજાતનાં સૂપ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
દાવત : ઠંડીની મોસમમાં માણો જાતજાતનાં સૂપ 1 - image


સ્વાસ્થ્યવર્ધક બીટ સૂપ

સામગ્રી :

 ૩ બીટ મધ્યમ આકારનાં, ૧ ગાજર, ૧ કપ ડુંગળી, ૧/૨ ચમચી ખાંડ, ૧ ચચી કોર્નફ્લોર, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧/૨ કપ ક્રીમ, ૧ ચમચો લીંબુનો રસ, મીઠું અને કાળાં મરીનો પાઉડર સ્વાદ પ્રમાણે.

રીત : 

બીટ છોલીને ટુકડા કરવા. ડુંગળી, ગાજરના પણ ટુકડા કરવા અને બધાં શાકમાં ૩ કપ પાણી રેડી પ્રેશર કુકરમાં ૫ મિનિટ સીટી વાગે ત્યાં સુધી ચઢવા દેવા. વરાળ નીકળી જાય એટલે હેન્ડ  મિક્સરથી મિક્સ કરી લો અને સૂપ ચારણીથી ગાળી લો. ૧/૨ કપ ઠંડા પાણીમાં કોર્નફ્લોરની પેસ્ટ બનાવીને મિશ્રણમાં નાખો. મિશ્રણને ધીમા તાપ ઉપર રાખવું. તેમાં ખાંડ, મીઠું અને કળાં મરી પાઉડર નાખો. ખોલ્યા પછી સૂપ બાઉલમાં સર્વ કરે. આદુંનું છીણ અને ક્રીમથી સજાવીને સર્વ કરો. સાથે લીંબુ પણ  આપો.

પીઝ સૂપ વિથ પાર્સલે

સામગ્રી : 

૨૫૦ ગ્રામ લીલા વટાણના દાણા, ૧ ચમચો ક્રીમ, ૨ ચમચા પાર્સલેનાં ઝીણાં સમારેલાં ફૂલ, ૧ બાફેલું બટાકું, ૧ ચમચી લસણની પેસ્ટ, ૧ ચમચો  માખણ, ૧ ચમચો ફોર્નફ્લોર, મીઠું  અને કાળાં મરી સ્વાદ પ્રમાણે.

લીલા વટાણામાં ૧ કપ પાણી નાખીને ૫ મિનિટ માટે બાફો અને ઠંડા કરીને પાણીની સાથે હેન્ડ મિક્સરમાં પોસી કાઢો. વટાણા  ક્રશ થઈ જાય પછી તેમાં બાફેલું બટાકું નાંખીને ફરી હેન્ડ  મિક્સર ફેરવી લેવું. જ્યારે વટાણા અને બટાકાં એકરસ થઈ જાય ત્યારે એક સોસ પેનમાં ૧ કપ પાણીમાં કોર્નફ્લોર ઓગાળીને હલાવીને ગરમ કરવા મૂકો. તેમાં ધીમે ધીમે મિશ્રણ નાખીને ઉકાળો. જો મિશ્રણ વધુ ઘટ્ટ લાગે તો થોડું ગરમ પાણી વધારે નાખો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એક બીજા વાસણમાં  માખણ ગરમ કરી ઓગાળો, તેમાં લસણની પેસ્ટ સાંતળીને ગરમાગરમ સૂપમાં નાખી દો. સર્વિંગ બાઉલમાં સૂપ નાખીને ઉપર થોડાં કાળાં મરીનો પાઉડર અને પાર્સલે છાંટો અને થોડું ક્રીમ નાખીને સર્વ કરો. 

બ્રોકલી સૂપ

સામગ્રી :

 ૧ કપ બ્રોકલીનાં ઝીણાં સમારેલાં ફૂલ, ૧ ચમચો ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૧ બટાકું બાફીને મેશ કરેલું, ૧/૨ કપ દૂધ, ૨ કપ પાણી, ૧ ચમચો રિફાઈન્ડ ઓઈલ, થોડા તળેલા બ્રેડના ટુકડા અથવા સૂપ સ્ટિક,  મીઠું અને કાળાં મરી પાઉડર સ્વાદ પ્રમાણે.

રીત : 

એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી અને આદુંલસણની પેસ્ટ ગુલાબી થાય ત્યાં સુધી શેકવી. પછી બ્રોકલીનાં ફૂલ નાખીને ૨  મિનિટ હલાવીને તેમાં ૨ કપ પાણી રેડીને ઓગળી જાય ત્યાં સુધી પકાવવું. મિશ્રણને ઠંડું કરીને મિક્સરમાં બટાકાની સાથે પીસી લો. તેને ફરી ગરમ કરો અને તેમાં દૂધ  નાખો. ગરમાગરમ બ્રોકલી સૂપને સૂપ બાઉલમાં નાખીને મીઠું અને પીસેલાં કાળાં મરી ભભરાવો. બ્રેડ ક્રંબ્સ કે સૂપ સ્ટિકની સાથે સર્વ કરો.

મિક્સ્ડ દાળ સૂપ

સામગ્રી : ૧ ચમચો મગની દાળ, ૧ ચમચો મસૂર દાળ, ૨ કળી વાટેલું લસણ, ૨ ટામેટાં, ૧ ડુંગળી , ૧ લીંબુ, ૧ ચમચી શેકેલો જીરા પાઉડર, ૧ ચમચો રિફાઈન્ડ ઓઈલ, ૫ દાણા કાળાં મરી, મીઠું  અને સજાવટ માટે ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર.

રીત : બંને દાળોને પાણીથી સારી રીતે ધોઈ લો. એક પ્રેશર પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી અને લસણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં દાળ નાખો. અડધી મિનિટ સુધી વધારે સાંતળો અને ટામેટાંને મોટાં મોટાં સમારીને દાળમાં નાખો. ૧ મિનિટ સાંતળો. ૪ કપ પાણી રેડો અને ૧ સીટી વાગે ત્યાં સુધી રાંધો. રંધાઈ ગયા પછી મિક્સરમાં નાખી પીસો. પછી ૫  મિનિટ ઉકાળો. સૂપ બાઉલમાં રેડો, લીંબુની ચીરી, કોથમીરનાં પાન અને શેકેલા જીરાનો ભૂકો ભભરાવી સર્વ કરો.

 વેજિટેબલ સૂપ વિથ દલિયા

સામગ્રી : ૧/૨ કપ છીણેલી કોબીજ, ૧ ગાજર ઝીણા ટુકડામાં કાપેલું, ૪-૫ ફણસી ઝીણી સમારેલી, ૧ ચમચો ઘઉંના ફાડા શેકેલા,  મીઠું અને કાળાં મરી સ્વાદ પ્રમાણે.

રીત : શેકેલા ઘઉંના ફાડાને ધોઈને ૨ કપ ચોખ્ખા પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પછી ધીમા તાપે ૫ મિનિટ ઉકાળો. જ્યારે ફાડા થોડા ચઢી જાય ત્યારે તેમાં બધાં શાકભાજી અને ૧/૨ કપ ગરમ પાણી નાખીને ફરી શાકભાજી ચઢી જાય ત્યાં સુધી રાંધો. તેમાં મીઠું અને કાળાં મરી નાખીને સૂપ બાઉલમાં રેડો અને સર્વ કરો. 

ફુલાવર અને ચીઝ સૂપ

સામગ્રી : 

૧ કપ ફુલાવરના નાના નાના ટુકડા, ૧ મધ્યમ આકારનું બટાકું, ૨ ડુંગળી, ૧ ચમચો મેંદો, ૧ ચમચો માખણ, ૧ કપ દૂધ, ૨ ચમચા ચીઝ છીણેલું, ૧ ચમચો તાજું ક્રીમ, મીઠું અને કાળાં મરી સ્વાદ પ્રમાણે.

રીત : ફુલાવરના ટુકડાને મીઠાનાં પાણીમાં નાખીને પોચા પડેત્યાં સુધી બાફો. બટાકાં અને ડુંગળીને નાના ટુકડામાં કાપીને ૩ કપ પાણી સાથે પ્રેશર કુકરમાં ૧ સીટી વાગે ત્યાં સુધી રાંધો. સૂપ ચારણીથી ચાળી લો. એક જુદા સોસ પેનમાં માખણ નાખીને મેંદો સાધારણ શેકી લેવો અને તેમાં દૂધ નાખીને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ થવા દો. વાઈટ સોસ તૈયાર છે. શાકના મિશ્રણમાં વાઈટ સોસ, ચીઝ અને ક્રીમ નાખીને ૨-૩ મિનિટ ચડવા દો. મીઠું અને કાળાં મરી નાખો. સર્વ કરતાં પહેલાં ફુલાવરના ટુકડા મિક્સ કરો અને ગરમા ગરમ સર્વ કરો.

રાજમા સૂપ

સામગ્રી : 

૧ કપ રાજમા રાત્રે પલાળી રાખવો, ૧/૨ ચમચી આદું પેસ્ટ, ૧ ચમચી કોર્નફ્લોર, ૧ ચમચી ખાંડ, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી અજમો, ૧ ચમચો માખણ,  પીસેલાં કાળાં મરી અને મીઠું સ્વાદ પ્રમાણે, ૧/૨ કપ ક્રીમ (સ્વૈચ્છિક), ૧ લીંબુનો રસ.

રીત : પલાળેલા રાજમાને ૬ કપ પાણીમાં ૧ ચમચી ખાંડ અને આદુંની પેસ્ટ નાખીને પ્રેશર કુકરમાં અડધો કલાક સુધી રાંધો. ઠંડું થયા પછી સૂપવાળી ચારણીથી રાજમાને મેશ કરીને ગાળી લો. મિશ્રણને ગેસ ઉપર રાખો. ૨ ચમચા ઠંડા પાણીમાં કોર્નફ્લોરની પેસ્ટ બનાવીને મિશ્રણમાં ભેળવી લો. સૂપ ઘટ્ટ લાગે તો તેમાં થોડું ગરમ પાણી નાખવું. એક ચમચામાં માખણ ગરમ કરવું. તેમાં  અજમો શેકી લેવો અને મિશ્રણમાં ભેળવી દેવો. મિશ્રણમાં ઈચ્છાનુસાર મીઠું અને પીસેલાં કાળાં મરી નાખો. લીંબુના નાના નાના ટુકડા કરવા. સર્વિંગ સૂપ બાઉલમાં  ગરમાગરમ સૂપ સર્વ કરો. કોથમીરનાં પાન અને ક્રીમથી સજાવો અથવા થોડું માખણ નાખો અને સર્વ કરો. સૂપની સાથે સ્ટિક, વેફર્સ કે બન સર્વ કરી શકાય છે.

સૂપ વિથ સેલડ પાન

સામગ્રી : ૧ કપ ઝીણાં સમારેલાં સેલડ પાન, ૨ લીલી ડુંગળી ઝીણી સમારેલી પાન સાથે, ૧ ૧/૨ કપ પાણી, ૧/૨ કપ દૂધ, ૧ ચમચો મેંદો, ૨ ચમચા માખણ, મીઠું અને વાટેલાં કાળાં મરી સ્વાદ પ્રમાણે.

રીત : એક સોસ પેનમાં માખણ ગરમ કરો. તેમાં સમારેલાં સેલડનાં પાન અને લીલી ડુંગળીને ૨-૩ મિનિટ સાંતળો. જ્યારે શાક નરમ પડી જાય ત્યારે મેંદો ભભરાનો અને થોડું શેકો. પછી પાણી અને દૂધ મિક્સ કરીને જુદા વાસણમાં ગરમ કરીને શાકભાજીમાં નાખી દો. ૮-૧૦ મિનિટ સુધી શાકભાજીને ચડવા દો. થોડું ઠંડું થાય પછી મિશ્રણને હેન્ડ મિક્સરમાં થોડું મોટું ક્રશ કરવું. ફરીથી ગેસ ઉપર ગરમ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને કાળાં મરીનો પાઉડર નાખીને સર્વ કરો.

-  હિમાની


Google NewsGoogle News