દાવત : પેટ ભરીને ખાવ ટેસ્ટી વ્યંજન
મેક્સિકન ટાકોઝ વિથ બીન્સ
સામગ્રી :
૧ કપ મકાઈનો લોટ, ૧ કપ ઘઉંનો લોટ, ૧/૪ ચમચી અજમો, ૨ કપ બાફેલા રાજમા,૧/૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ચમચા ઝીણી સમારેલી ડુંગળી, ૧ કપ ઝીણાં સમારેલાં ટામેટાં, ૧ ચમચીં ઝીણાં સમારેલા લીલાં મરચાં, ૨ ચમચા છીણેલું ચીઝ, ૧ ચમચો રેડ ચીલી સોસ, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે તેલ.
રીત :
મકાઈનો લોટ, ઘઉંનો લોટ, મીઠું અને અજમો મિક્સ કરીને હુંફાળા પાણીથી નરમ લોટ બાંધો. આઠ લુઆ બનાવો. પૂરીની જેમ વણો.
તેલ ગરમ કરો. કાંટાથી પૂરીમાં કાણાં પાડીને પૂરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. એક પછી એક પૂરીને ગરમ ગરમ જ વચ્ચેથી અડધી વાળી દો.
એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરો. લસણ નાખો. ૩૦ સેકન્ડ સાંતળો અને ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધીં સાંતળો. ટમેટા નાખો.
ટામેટા ચઢી જાય પછી લીલાં મરચાં અને બાફેલા રાજમા નાખો. બરાબર ચઢવા દો અને મીઠું નાખી.
તૈયાર કરેલા ટાકોઝ રોલમાં રાજમાં ભરો ઉપરથી રેડ ચિલી સોસ લગાવો. થોડું ચીઝ અને કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો.
ટામેટો બાસ્કેટ
સામગ્રી :
૪ ગોળ ટામેટાં, ૧ કપ ફણગાવેલા મગ, ૨ ચમચા ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી ઝીણું સમારેલું આદું, ૧ ચમચી ઝીણાં સમારેલા લીલાં મરચાં, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૨ ચમચા તાજા દાડમના દાણા, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદાનુસાર.
રીત : ટામેટાને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સમારીને બાસ્કેટ બનાવો. નકામા ભાગ અને બીને ઝીણાં સમારો. જોે ઈચ્છા હોય તો ફણગાવેલા મગ બાફી લો અથવા તેમ જ તેનોે ઉપયોગ કરો.
એક વાસણમાં ઝીણાં સમારેલાં ટામેટાં, ફણગાવેલા મગ અને બાકીની સામગ્રી બરાબર મિક્સ કરો. ટોમેટો બાસ્કેટમાં તૈયાર મગ ભરો અને સર્વ કરો.
આ સ્નેક જોવામાં સુંદર અને સ્વાદિષ્ટ હોવાની સાથે પૌૈષ્ટિક પણ ગણાય છે.
કોર્ન ચિપ્સ વિથ સાલસા
કોર્ન ચીપ્સ માટે સામગ્રી :
૧ કપ મકાઈનો લોટ, ૧ કપ ઘઉંનો લોટ, ૧/૪ ચમચી અજમો, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, તળવા માટે તેલ, મીઠું સ્વાદાનુસાર.
સાલસા માટેની સામગ્રી :
૨ ચમચા ઝીણાં સમારેલા ટામેટા, ૨ ચમચા ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, ૧ ચમચો ઝીણું સમારેલું કેપ્સિકમ, ૨ ચમચા ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચો લીંબુનો રસ, ૧-૨ કળી સમારેલું લસણ, મીઠું સ્વાદાનુસાર.
રીત :
મકાઈનો અને ઘઉંનો લોટ મિક્સ કરીને ચાળો. મીઠું અને અજમો મિક્સ કરીને ગરમ પાણીથી મુલાયમ લોટ બાંધો. લોટના આઠ ભાગ કરો અને પાતળી રોટલી વણો. એક કાંટાથી બધી રોટલી પર કાણા કરો, જેના કારણે શેકવાથી એ ફૂલી ન જાય તેવો ગરમ કરીને આ રોટલીઓ થોડી શેકી લો. ઠંડી કરીને અણીદાર ચપ્પુથી ત્રિકોણ ટુકડા કાપી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સાસાની બધી સામગ્રી મિક્સ કરો. કોર્નચિપ્સને આ અટપટા સાલસા સાથે ચાના સમયે સર્વ કરો.
ટુ ઈન વન સૂપ
સામગ્રી :
૨૦૦ ગ્રામ ટામેટાં, ૨૦૦ ગ્રામ સીતાફળ, ૧/૨ ઈંચ આદું, ૫-૬ કળી લસણ, ૨ તમાલપત્ર, ૭-૮લવિંગ, ૧૦-૧૨ આખાં કાળાં મરી, ૨ ચમચા માખણ, ૨ ચમચા મેંદો,૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી ફીણેલું ક્રીમ, મીઠું સ્વાદાનુસાર, કાળાં મરી સ્વાદાનુસાર.
સામગ્રી :
૨૦૦ ગ્રામ ટામેટાં, ૨૦૦ ગ્રામ સીતાફળ, ૧/૨ ઈંચ આદું, ૫-૬ કળી લસણ, ૨ તમાલપત્ર, ૭-૮લવિંગ, ૧૦-૧૨ આખાં કાળાં મરી, ૨ ચમચા માખણ, ૨ ચમચા મેંદો,૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી ફીણેલું ક્રીમ, મીઠું સ્વાદાનુસાર, કાળાં મરી સ્વાદાનુસાર.
રીત :
ટામેટાં સમારો. સીતાફળમાંથી બી છૂટાં પાડીને માવો જુદો કરો. હવે બે જુદાં જુદાં વાસણમાં બે કપ પાણી નાખીને ઉકાળો અને મિક્સરમાં પ્યૂરી બનાવો પછી ઠંડુ કરો.
એક જાડા તળિયાના વાસણમાં માખણ ઓગાળો. તેમાં આખા મસાલા તતડાવો પછી આંચ ધીમી કરીને મેંદો શેકો.
મેંદોે વધુ ન શેકો એટલે કે તેમાં રંગ ન આવવો જોેઈએ. એના બે ભાગ કરો એક ભાગ ટામેટાંની પ્યૂરીમાં મિક્સ કરો અને બીજો સીતાફળની પ્યૂરીમાંર બરાબર ફીણો. હવે બંને સૂપને હલાવતાં હલાવતાં ધીમી આંચ પર ચઢવા દો. જો વધુ ઘટ્ટ હોય તો થોડું પાણી મેળવીને ગરમ કરો. મીઠું અનેકાળાં મરી મિક્સ કરો.
એક બાઉલમાં એકચમચો સીતાફળનો સૂપ ભરો. બાઉલ થોડો ત્રાંસો કરીને એકચમચો ટામેટાનો સૂપ ભરો. જેથી બંને સૂપ અલગ અલગ દેખાય. તાજા ક્રીમ અને કોેથમીરથી સજાવીને પીરસો.
બ્રોકલી ફ્લાવર મુસલ્લમ
સામગ્રી : ૧૫૦ ગ્રામ બ્રોકલી, ૨૫૦ ગ્રામ ફ્લાવર, ૧ ચમચી આદું લસણની પેસ્ટ, ૧/૨ દહીં, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો. મીઠું સ્વાદાનુસાર.
ગ્રેવી માટે : ૩/૪ કપ છીણેલી ડુંગળી, ૧ ૧/૨ કપ ક્રશ કરેલાં ટામેટાં, ૧/૨ ચમચી આદું લસણની પેસ્ટ, ૧/૨ કપ દહીં અથવા મલાઈ, ૨નાની એલચી, ૧ તમાલપત્ર, ૧ ટુકડો તજ, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, મીઠું, સ્વાદાનુસાર, ૨ ચમચા તેલ.
રીત : બ્રોકલી અને ફ્લાવરના ફૂલ આખાં રાખવાં અને વધારાની ડાળખી કાઢી નાખવી. બાકી વધેલી સામગ્રી એક વાસણમાં મિક્સ કરો. અને બ્રોકલી પર બરાબર લગાવો. ૧ કલાક મેરિનેટ કરો.
ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. આખા મસાલાને શેકો. છીણેલી ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
આદું લસણની પેસ્ટ નાખો અને ક્રશ કરેલાં ટામેટાં મિક્સ કરો.
હળદર, ધાણાજીરું અને મરચું પણ નાખો. મધ્યમ આંચ પર ચઢવા દો. જ્યારે તેલ છૂટું પડવા માંડે ત્યારે દહીં અથવા મલાઈ બરાબર ફીણીને મિક્સ કરો. મીઠું નાખીને ઉતારી લો.
મેરિનેટ કરેલી બ્રોકલી અને ફ્લાવરને એક જાડા તળિયાના વાસણમાં થોડું તેલ નાખીને ઢાંકી રાખો. ૩/૪ ટકા ચઢી જાય પછી ઉતારી લો. સર્વિંગ ડિશમાં બ્રોકલી અને ફ્લાવર એરેન્જ કરો અને ઉપર તૈયાર ગ્રેવી નાખો. ૮-૧૦ મીનિટ સુધી સીઝાવા દો અથવા ૨૫૦ં સેન્ટિગ્રેડ પર ઓવન સેટ કરીને ૭-૮ મિનિટ ચઢવા દો. નાન અથવા પરોંઠા સાથે પીરસો.
ગાજર ગિલોરી
સામગ્રી : ૨૫૦ ગ્રામ ગાજર, ૩/૪ કપ ખાંડ, ૧ ૧/૪ કપ પાણી, ૧ કપ ઘટ્ટ રબડી, સજાવટ માટે સૂકો મેવો.
રીત : ગાજર ધોઈને છાલ કાઢી લો અને ધારદાર ચપ્પુથી પાતળી, લાંબી સ્લાઈસ કરો. ખાંડ પાણીમાં નાખીને ઉકાળો. ચાસણી તૈયાર થાય પછી ગાજરની સ્લાઈસ નાખીને નરમ થાય ત્યાં સુધી બાફો. ચાસણીમાંથી કાઢીને પ્લેટમાં ઠંડુ કરો. એકસ્લાઈસ ઉપર એક ચમચી રબડી મૂકો. પછી પાનની જેમ લપેટો, સૂકા મેવાથી સજાવીને ઠંડુ પીરસો.
સ્વીટ પોટેટો સેલડ
સામગ્રી : ૪૦૦ ગ્રામ શક્કરિયાં, ૧/૨ કપ બાફેલા વટાણા, ૧/૨ કપ સમારીને બાફેલાં ગાજર, ૧કપ ઘટ્ટ દહીં, ૧ ચમચો લીંબુનો રસ, ૧ ચમચી ઝીણા સમારેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી ઝીણો સમારેલો ફૂદીનો, ૧ચમચો ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર, સફેદ મરચું સ્વાદાનુસાર.
રીત : શક્કરિયાને ધોઈને કૂકરમાં બાફી ઠંડાં કરો. છાલ ઉતારીને હોડીનો આકાર આપો. નકામા ભાગના નાના ટુકડા કરો. એક વાસણમાં શક્કરિયાના નાના ટુકડા અને બાકીની સામગ્રી મિક્સ કરીને હોડીમાં ભરો. આ સેલડ સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક પણ.
- હિમાની