દાવત : કૂલ-કૂલ આઈસ્ક્રીમ-કુલ્ફી
કોકોનટ આઈસક્રીમ
સામગ્રી :
૧ કપ નાળિયેરનો માવો, ૧ કપ દૂધ, ૧ કપ ક્રીમ, ૧/૪ કપ કાજુ, ૧૦ ચમચી ખાંડ, ૬ ચમચી મિલ્ક પાઉડર (થોડા દૂધમાં મિક્સ કરેલો), ૧ ચમચી કોર્નફ્લોર દૂધમાં ઓગાળેલો, ૧ ચમચી વેનિલા એસેન્સ, ૧/૪ ચમચી આઈસક્રીમ સ્ટેબલાઈઝર પાઉડર.
ખાંડ અને સ્ટેબલાઈઝર પાઉડર મિક્સ કરો. ૧ કપ દૂધ ગરમ કરો. એમાં ધીમે ધીમે મિલ્ક પાઉડર મિક્સ કરો. એમાં ખાંડ અને કોર્નફ્લોરનું મિશ્રણ નાખો. હલાવતાં જાઓ અને ૧૫ મિનિટ ઉકાળો. ઠંડું કરી એમાં ક્રીમ, નાળિયેરનો માવો, અડધા કાજુ અને વેનિલા એસેન્સ મિક્સ કરી ફ્રીઝરમાં ઠંડું કરવા માટે મૂકો. આઈસક્રીમ બની ગયા પછી વધેલા કાજુથી સજાવો.
કેળાનો આઈસક્રીમ
સામગ્રી :
૪ કપ દૂધ, ૧ ૧/૨ કપ ક્રીમ, ૧/૨ કર દળેલી ખાંડ, ૨ પાકાં કેળાં, ૧ ચમચો જિલેટિન, ૧ ચમચો વેનિલા એસેન્સ, ૧/૪ કપ ગરમ પાણી, સજાવવા માટે નટ્સ અને ચેરી.
જિલેટિનમાં ગરમ પાણી નાખો, જેથી એ ઓગળી જાય. કેળાં, દળેલી ખાંડ, દૂધ, ક્રીમ અને જિલેટીનને બ્લેન્ડરમાં બરાબર મિક્સ કરો. ફ્રિજમાં મૂકો. એક કલાક પછી ફરી ક્રશ કરી ફરીથી ફ્રીઝરમાં મૂકો.
પનીર વેસણ કુલ્ફી
સામગ્રી :
૧/૨ કપ ચણાનો લોટ, ૧ ૧/૨ કપ દૂધ, ૧/૨ ખાંડ, ૮-૧૦ બદામ, ૧/૨ કપ પનીર (રવાદાર કરેલું).
એક કઢાઈમાં ચણાનો લોટ શેકો. દૂધને ઘટ્ટ કરો. હવે દૂધમાં ચણાનો લોટ, પનીર, ખાંડ અને બદામ મિક્સ કરી ઠંડુ કરો. મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં મૂકો. થોડીવારમાં કુલ્ફી તૈયાર થઈ જશે.
પનીર કુલ્ફી
સામગ્રી :
૧ ૧/૨ લિટર દૂધ, ૨ નાની એલચી, ૮૦ ગ્રામ ખાંડ.
૧/૨ લિટર દૂધનું પનીર બનાવો. ઠંડું કરી રવાદાર કરો. બાકીના દૂધમાં એલચી નાખી ઉકાળ અને ઘટ્ટ થવા દો. દૂધ ઘટ્ટ થઈ જાય પછી એમાં પનીર અને ખાંડ મિક્સ કરો. થોડીવાર ગેસ ઉપર રાખી હલાવો. ઠંડું થયા પછી મોલ્ડમાં ભરી ફીઝરમાં મૂકો.
ફ્રૂટ એન્ડ નટ આઈસક્રીમ
સામગ્રી :
૨૦૦ ગ્રામ ક્રીમ, ૨ સંતરા, ૧ સફરજન, ૧ ચીકુ, ૧૦ બદામ, ૧૦ કાજુ, ૬ ચમચા કોર્નફ્લોર (દૂધમાં ઓગાળેલો)
રીત :
દૂધ ઉકાળી એમાં કોર્નફ્લોર, ખાંડ નાખતા જાઓ અને હલાવતાં જાઓ. થોડીવાર પછી ઉતારીને ઠંડું થવા દો. મિક્સરમાં સંતરા, સફરજન અને ચીકુના પીસ નાખી ક્રશ કરો. દૂધમાં મિક્સ કરી ફ્રીઝરમાં મૂકો. બરાબર જામી જાય એટલે કાઢીને ક્રીમ સાથે ફરી બ્લેન્ડ કરો. ફરી ફ્રીઝરમાં રાખો. અડધો આઈસક્રીમ જામી જાય પછી એમાં બદામ, કાજુ મિક્સ કરી ફરી ઠરવા માટે મૂકો.
મિક્સફ્રુટ કોકટેલ
સામગ્રી :
એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.
એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો. હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.
કુલ્ફી ફાલૂદા
સામગ્રી :
૧ લિટર દૂધ, ૧ કપ મલાઈ, ૧ ૧/૨ કપ ખાંડ, ૨૦ ગ્રામ પિસ્તા, ૨૦ ગ્રામ બદામ, ૩-૪ નાની એલચી.
ફાલુદા માટેની સામગ્રી : ૧૦૦ ગ્રામ સેવ, ૧/૨ કપ ખાંડ, ૧ ચમચો ગુલાબજળ, ૧ ચમચો માખણ, ચપટી મીઠું, જરૂર જેટલું પાણી.
દૂધને ૧/૩ ભાગ રહે ત્યાં સુધી ઉકાળો. એમાં ખાંડ, એલચી, પિસ્તા અને બદામ નાખી થોડું ઘટ્ટ બનાવો. ઠંડુ થયા પછી મલાઈ બરાબર મિક્સ કરી કુલ્ફીના મોલ્ડમાં મૂકી જામવા દો.
ફાલૂદા બનાવવાની રીતઃ ખાંડને ચાર કપ પાણીમાં ઓગાળો. ફ્રિજમાં મૂકો. ૧/૨ લિટર પાણી, મીઠું અને માખણ નાખી ઉકાળો. એમાં સેવ નાખીને બે મિનિટ રહેવા દો. બધું પાણી નિતારી બાફેલી સેવને ખાંડ અને ગુલાબજળના પાણીમાં મૂકો. આ તૈયાર ફાલૂદાને કુલ્ફી સાથે સર્વ કરો.
ગ્રેપ્સ ડિલાઈટ
સામગ્રી :
૧ લિટર દૂધ, ૩૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૩૦ ગ્રામ ક્રીમ, ૧૫ ગ્રામ કોર્નફ્લોર, લીલા રંગનાં થોડાં ટીપાં.
દ્રાક્ષને મિક્સરમાં ક્રશ કરો. થોડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી એની પેસ્ટ બનાવી મિક્સ કરો. બાકીના દૂધમાં ખાંડ નાખી દ્રાક્ષના મિશ્રણમાં મિક્સ કરો. ગેસ પર ચઢવા દઈ ઘટ્ટ થવા દો. લીલો રંગ અને ક્રીમ મિક્સ કરો.
ગેસ ઉપરથી ઉતારીને ઠંડું થવા દો. પછી મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં મૂકો. જામી ગયા પછી દ્રાક્ષથી સજાવીને આઈસક્રીમ સર્વ કરો.
- હિમાની