દાવત : નવા વર્ષને હવે વધાવીએ પરંપરાગત નાસ્તા-મીઠાઈ સાથે
ચંપાકલી
સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદો, ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે, મરી જીરું, અધકચરાં ખાંડેલા, મીઠું તથા તળવા માટે તેલ. (મરી-જીરુંને બદલે અજમો અથવા કલોંજી પણ નાખી શકાય.)
મેંદાના લોટમાં મોણ મીઠું તથા મરી-જીરું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. લોટને બરાબર હલાવી તેની પૂરી વણવી. હવે પૂરીમાં વચ્ચે કાપા કરવા પણ કિનાર છોડીને કાપા મૂકવા એટલે પૂરી આખી રહે અને વચ્ચેથી કપાઈ જાય. હવે કાપા પાડેલી પૂરીના ઢીલા રોલ વાળી બન્ને છેડાને દબાવી દેવા અને રોલને જરાક ટ્વિસ્ટ કરી દેવો. આવી રીતે બધા રોલ તૈયાર કરી મધ્યમ તાપે ગુલાબી તળવા. સુંદર મજાની ચંપાકલી તૈયાર.
ત્રિરંગી સેવ
સામગ્રી :
૫૦૦ ગ્રામ ચણાનો લોટ, એક કપ પાલકની પેસ્ટ, એક કપ ટામેટા પ્યુરે, અજમો, જીરું, મીઠું, વાટેલા મરચાં, લાલા મરચું, તળવા માટે તેલ, મોણ માટે તેલ, હિંગ, હળદર.
ચણાના લોટના ત્રણ ભાગ કરવા. એક ભાગમા ંહિંગ, હળદર તથા મીઠું નાખી સેવનો લોટ બાંધવો. બીજા ભાગમાં ટામેટા પ્યુરે, અજમો, લાલ મરચું તથા મીઠું નાખી (ચાહો તો અડધો ચમચી ખાંડ નાખવી) સેવનો લોટ બાંધવો. ત્રીજા ભાગમાં પાલક પ્યુરે, વાટેલાં આદું, મરચાં તથા જીરું અને મીઠું નાખી સેવનો લોટ બાંધવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે બધા લોટમાં બબ્બે ટેલબસ્પૂન તેલ નાખી બરાબર મિકસ કરવું. હવે સેવના સંચામાં લોટ ભરી વારાફરતી બધા કલરની સેવ તળી લેવી. હવે ચાહો તો બધી સેવ મિક્સ કરી લો અથવા અલગ અલગ રાખી પીરસતી વખતે કે નાસ્તામાં આપતી વખતે ડિશમાં ત્રણ કલરના રાઉન્ડ કરી પીરસવી. ઉપર ચાટ મસાલો છાંટી સર્વ કરવી.
પૂરીચાટ
સામગ્રી :
મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.
રીત :
રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બધું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.
મિનિ ભાખરવડી
સામગ્રી :
૨૫૦ ગ્રામ મેદાનો લોટ, બે ટેબલસ્પૂન ઘી મોણ માટે, મીઠું પ્રમાણસર તળવા માટે તેલ.
સ્ટફિંગ માટે : ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર તથા દળેલી ખાંડ.
લોટમાં મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી પણ જરાક ખાંડી લેવી. હવે તેમાં બાકીનો બધો જ મસાલો નાખવો. મસાલો ચડિયાતો કરવો. હવે લોટમાંથી થોડો લોટ લઈ મોટી રોટલી જેવું વણી ઉપર તૈયાર મસાલો નાખી હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો. રોલ ટાઇટ વાળવો આવી રીતે બધા રોલ વાળી પછી તેના નાના નાના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા. તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે.
ફ્રૂટ ચાટ
સામગ્રી :
એક કપ પાઈનેપલ, એક કપ સફરજન પીસ, એક કપ ઓરેન્જ પીસ, એક કપ બારીક સમારેલી કોબી, એક કપ પનીરના પીસ, એક કપ બારીક સમારેલા ટામેટાં, એક કપ કોથમીર બારીક સમારેલી, એક ટેબલ સ્પૂન મધ, મરી-મીઠું, સંચળ તથા ચાટ મસાલો.
રીત :
ઉપરની બધી વસ્તુ મિક્સ કરવી. બાઉલના ઉપર પાઇનેપલ રિંગ અથવાપાઇનેવલ પીસ મૂકી કોથમીર ભભરાવી ચાટ મસાલો નાખી ચિલ્ડ સર્વ કરવું.
- હિમાની