Get The App

દાવત : ફ્યુઝન ડિશની ઉજાણી .

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
દાવત : ફ્યુઝન ડિશની ઉજાણી                               . 1 - image


મશરૂમ અને કેપ્સિકમ પિઝા

સામગ્રી 

પિઝા માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૧ કપ પાણી, ૧ ચમચી મીઠું, ૧ ચમચો તેલ, ૧ ચમચો યીસ્ટ, ૨ ચમચી ખાંડ. ટોમેટો સોસ માટે સામગ્રી થ ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૫૦૦ ગ્રામ સમારેલાં ટામેટાં, ૧ ચમચી ખાંડ, લસણની ૪ કળી, તમાલપત્ર, મીઠું, કાળા મરી સ્વાદાનુસાર.

ભરવા માટેની સામગ્રી : ટોમેટો સોસ, ૨ ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ૫૦ ગ્રામ ઓરિગેનો અથવા થાઈમ, ૨૦૦ ગ્રામ મશરૂમ, ૧૫૦ ગ્રામ પિઝા ચીઝ.

રીત : 

 પહેલા ઓવનને ૨૦૦ સેન્ટિગ્રેડ પર ગરમ કરો. હૂંફાળા પાણીમાં ખાંડ ઓગાળો. એમાં યીસ્ટ નાખી લગભગ દસ મિનિટ સુધી ફૂલવા માટે રાખી મૂકો. મેંદામાં મીઠું અને તેલ મિક્સ કરો. એનાં યીસ્ટનું મિશ્રણ નાખી લોટની જેમ ગૂંદો. જો જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરો. લોટ ઓગળી અને વાસણ પર ચોંટે નહીં ત્યાંસુધી તેને બરાબર ગૂંદો. એના બે લૂઆ બનાવો. લગભગ એક કલાક સુધી કોઈ ગરમ જગ્યાએ રાખી મૂકો, જેથી એ ફૂલીને બમણો થઈ જાય. ટામેટો સોસ માટે ઝીણી સમારેલી ડુંગળી અને લસણ સાંતળો. એમાં ટામેટાં, ખાંડ, મીઠું, કાળા મરી અને તમાલપત્ર પણ નાખો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી બાફો. પછી ક્રશ કરીને ગાળી લો.

પિઝા તૈયાર થઈ જાય પછી ૧/૪ ઇંચ જાડું પડ લઈ ઘી ચોપડેલી ટ્રે પર મૂકો. એની પર ટોમેટો સોસનું લેયર લગાવો. એના પર કેપ્સિકમ અને લાંબાં સમારેલાં મશરૂમ મૂકો. ઓરિગેનો અને ચીઝ ભભરાવો. હવે ગરમ ઓવનમાં પિઝા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી બેક કરો.

ડ્રીમ ફ્રોઝન કેક

સામગ્રી : 

૩ ચમચી કોફી પાઉડર, ૩૬ ગ્લુકોઝ બિસ્કિટ.

ચોકલેટ ક્રિમ માટેની સામગ્રી : ૧/૨ કપ ક્રિમ અથવા ફ્રેશ મલાઈ (ઠંડી), ૨૧/૨ ચમચી ડ્રિંકિંગ ચોકલેટ.

ચોકલેટ બટર આઈસિંગ માટેની ચોકલેટ : ૬ ચમચા સફેદ માખણ, ૭,૧/૨ ચમચા ડ્રિંકિંગ ચોકલેટ, ૪,૧/૨ ચમચા પીસીને ચાળેલી ખાંડ, ૧/૨ ચમચી વેનિલા એસેન્સ.

રીત : સૌપ્રથમ ચોકલેટ ક્રિમ બનાવો. ઠંડી મલાઈ અને ઠંડા ક્રિમમાં ૨,૧/૨ ચમચા ડ્રિંકિંગ ચોકલેટ નાખી ખૂબ ફીણો. પછી અલગ મૂકી દો.

ચોકલેટ બટર આઈસિંગની બાકીની સામગ્રી નાંખો અને મિશ્રણ ઢીલું થાય ત્યાંસુધી ફીણો. આ મિશ્રણને અલગ મૂકી રાખો. ૧,૧/૨ કપ પાણી ઊકળવા મૂકો. તેમાં કોફી પાઉડર મિક્સ કરો અને ઠંડું થવા દો. એક ઘી ચોપડેલી ડિશ લો, જેમાં પુડિંગ સર્વ કરવાનું હોય. આ ડિશમાં બિસ્કિટ એક સેકન્ડ માટે કોફી પાણીમાં પલાળો અને એની તેની બે લાઈન બનાવો. દરેક લાઈનમા ત્રણ બિસ્કિટ હશે. હવે તેના ઉપર થોડું ચોકલેટ ક્રીમ પાથરો. પછી કોફીમાં પલાળેલાં બે લાઈન બિસ્કિટ રાખો. એના પર ચોકલેટ ક્રીમ પાથરો. આમ બધાં બિસ્કિટની લાઈન કરો. હવે આ બિસ્કિટ કેકને ચોકલેટ બટર આઈસિંગથી બરાબર ઢાંકી દો. તેની ઉપર અધકચરાં વાટેલાં બદામ અને અખરોટ ભભરાવો. સર્વ કરતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી ફ્રિજમાં રાખો.

માર્બલ કેક

સામગ્રી :

 ૧ ટોન મિલ્કમેડ, એક કપ મેંદો, ૨ ચમચી ખાંડ, ૩/૪ કપ બણ, ૧,૧/૨ ચમચી ખાવાનો સોડા, ૨ ચમચી વેનિલા એસેન્સ, ૧૧/૪ કપ દૂધ, ૧ ચમચી કોકો પાઉડર.

રીત : 

મેંદો અને ખાવાનો સોડા એકસાથે ચારણીથી ચાળીને અલગ મૂકો.

મિલ્કમેડ, માખણ, ખાંડ અને એસેન્સ મિક્સ કરો. તેમાં જ દૂધ નાખીને બરાબર મિક્સ કરો. થોડો થોડો મેંદો નાખી સતત હલાવતા રહો.

આ મિશ્રણના બે ભાગ કરો. એક ભાગમાં કોકો પાઉડર બરાબર મિક્સ કરો.

એક ગોળ કેક ટિન લો. એમાં ઘી ચોપડો. ઓવન ૧૫૦ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ગરમ કરો. કોકો પાઉડર વગરના મિશ્રણનો અડધો ભાગ કેક ટિનના અડધા ભાગમાં ભરો. અડધા ભાગમાં કોકો પાઉડરવાળું મિશ્રણ ભરો. ચમચીથી મિશ્રણ એવી રીતે હલાવો કે માર્બલ જેવું દેખાય. બાકી બચેલું કોકો વિનાનું મિશ્રણ કોકોવાળા મિશ્રણ પર અને કોકોવાળું મિશ્રણ કોકો વિનાના મિશ્રણ પર નાખો. ચમચીથી બરાબર લેવલ કરો. લગભગ એક કલાક સુધી (તૈયાર થાય ત્યાંસુધી) કેક બેક કરો. દસ મિનિટ સુધી કેક ઠંડી થવા દો. પછી બેકિંગ ડિશમાંથી બહાર કાઢીને પીરસો. 

ચોકલેટ ચિપ કુકીઝ

સામગ્રી :

 ૧ કપ માખણ અથવા ઘી, ૧ કપ સફેદ ખાંડ, ૧/૨ કપ બ્રાઉન ખાંડ, ૨ ઇંડાં, ૨ ચમચી વેનિલા એસેન્સ, ૨ કપ મેંદો, ૧ ચમચી બેકિંગ સોડા, ૧/૨ ચમચી મીઠું, ૧ કપ ચોકલેટ ચિપ્સ, ૧/૨ કપ ઝીણાં સમારેલાં અખરોટ.

રીત : 

માખણ, સફેદ ખાંડ, બ્રાઉન ખાંડ, ઈંડાં અને વેનિલા એસેન્સ મિક્સ કરી બરાબર ફીણી લો. પછી બાકીની બધી સામગ્રી પણ મિક્સ કરી તેને ગૂંદો. હવે તેને મનગમતા આકારમાં કાપી લો. ઘી ચોપડેલી ટ્રેમાં આ મિશ્રણ પાથરો. ૧૮૦ સેન્ટિગ્રેડ ગરમ ઓવનમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી બેક કરો.

મકાઈ-કબાબ

સામગ્રી : ૪ બાફેલાં બટાટા, ૧૦૦ ગ્રામ મકાઈના દાણા, ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચો ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી ઝીણો સમારેલો ફુદીનો, મીઠું અને કાળા મરી સ્વાદાનુસાર, ૧/૪ ચમચો ગરમ મસાલો, ૧ લીંબુનો રસ, ૨ ચમચો શેકેલો ચણાનો લોટ, ૧ ચમચો માખણ.

રીત : મકાઈના દાણા બાફી લો. તેને બાફેલા બટાટાની સાથે બરાબર મિક્સ કરો. તેમાં બધી સામગ્રી મિક્સ કરો. એક નાની સીક પર લાંબા કબાબની જેમ મિશ્રણ લગાવો. તેના ઉપર સહેજ તલ લગાવો. ઓવન અથવા ફ્રાઈંગપેનમાં તેજ આંચ પર તળી લો. સેલડ અને ચટણી સાથે સર્વ કરો.

મિક્સ ફ્રૂટ ખીર

સામગ્રી : ૨ કપ સિઝનનાં સમારેલાં ફળ, ૧ લિટર દૂધ, ૩ ચમચા પલાળેલા ચોખા, ૨ ચમચા માખણ, ૧ ચમચી કસ્ટર્ડ પાઉડર, ૧ ચમચી ગુલાબજળ, ૧/૨ કપ ખાંડ.

રીત : એક પેનમાં માખણ ગરમ કરી તેમાં સમારેલાં ફળ બે મિનિટ સુધી સાંતળો. એમાં બે ચમચી ખાંડ નાખો. પછી એક મોટા વાસણમાં કાઢી લો.

એ જ પેનમાં પલાળેલા ચોખા એક મિનિટ માટે સાંતળો. પછી દૂધ નાખી ખીરની જેમ ચડવા દો. કસ્ટર્ડ પાઉડરથી થોડું ઘટ્ટ કરો. હવે તેમાં સ્વાદાનુસાર ખાંડ નાખો. તૈયાર ખીર સમારેલાં ફળો ઉપર રેડો. ફ્ટ ખીર ઠંડી થયા પછી ગુલાબજળ નાખીને પીરસો.

લેમન લોફ

સામગ્રી : ૧/૨ કપ માખણ અથવા ઘી, ૧/૨ કપ ખાંડ, ૧,૩/૪ કપ મેંદો, ૧,૧/૪ કપ દહીં, ૨ ચમચી બેકિંગ પાઉડર, ૧ ચમચી ખાવાનો સોડા, ૩-૪ લીંબુનો રસ, લીંબુની છાલ ૧/૨ લાંબા ઝીણા ટુકડામાં સમારેલી.

ટોપિંગ માટેની સામગ્રી : ૩ ચમચા ખાંડ, ૩ ચમચા લીંબુનો રસ.

રીત : સૌપ્રથમ લીંબુ કેક ટિન ઘી ચોપડીને તૈયાર કરો. મેંદો, બેકિંગ પાઉડર અને ખાવાનો સોડા ચાળીને અલગ રાખો. ઘી અથવા માખણમાં ખાંડ બરાબર ફીણી લો. એમાં લીંબુની છાલ મિક્સ કરો.

લીંબુના રસમાં દહીં મિક્સ કરી અલગ રાખો. ફીણેલા ખાંડમાખણના મિશ્રણમાં મેંદો, દહીં અને લીંબુનો રસ મિક્સ કરો.

ઓવનને ૧૯૦ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન પર ગરમ કરો. કેકના તૈયાર મિશ્રણને કૈક ટિનમાં નાખો. તેને ૩૦ મિનિટ સુધી બેક કરો. પછી દસ મિનિટ સુધી ઠંડી થવા દો. કેક ટિનમાંથી બહાર કાઢો. ટોપિંગ માટે ખાંડ અને લીંબુનો રંસ ધીમા તાપે ત્યાંસુધી હલાવતા રહો જ્યાંસુધી ખાંડ બરાબર ઓગળી ન જાય. તૈયાર ટોપિંગ કેક ઉપર નાખો. કંઈ ઢાંક્યા વગર બે કલાક સુધી ઠંડી થવા દો.

- હિમાની


Google NewsGoogle News