દાવત : કૉન્ટિનેન્ટલ ડિશને દેશી ટચ
- મેકરોની ચાટ
સામગ્રી :
૧/૨ વાટકી મેકરોની (૧૦૦ ગ્રામ), ૧/૪ વાટકી વટાણા (બાફેલા), ૧,૧/૨ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી લીંબુનો રસ, ૧,૧/૨ ચમચી તલ, ૧/૨ ચમચી જીરા પાઉડર, ૧/૪ ચમચી લસણની પેસ્ટ, ૨,૧/૨ ચમચી માખણ, ૧/૪ કપ પનીર, મીઠું, કાળાં મરી સ્વાદાનુસાર, ૧ ચમચી ચિલી સોસ.
મેકરોનીને ઊકળતા પાણીમાં નાખી બાફો. બફાઈ ગયા પછી પાણી નિતારી એક ચમચી માખણ નાખી સાંતળો. માખણથી મેકરોની કોટ થઈ જશે અને ચોંટશે નહીં. એક વાસણમાં માખણ (ઓગાળેલું), શેકેલા તલ, ચાટ મસાલો, લીંબુનો રસ, જીરા પાઉડર, લસણની પેસ્ટ, મીઠું, કાળાં મરીનો પાઉડર અને ચિલી સોસ નાખી બરાબર મિક્સ કરો. હવે એમાં બાફેલા વટાણા, પનીરના ટુકડા અને મેકરોની બરાબર મિક્સ કરો, જેથી બરાબર કોટિંગ થઈ જાય. શેકેલા તલથી સજાવીને પીરસો.
કલકલ
સામગ્રી : ૧ વાટકી મેંદો, ૧/૨ વાટકી રવો, ૧/૨ વાટકી દળેલી ખાંડ, ૧/૨ ચમચી વેનિલા એસેન્સ, ૧/૪ વાટકી ઘી, દૂધ લોટ બાંધવા માટે, તળવા માટે ઘી.
રીત : મેંદો, રવો, ઘી, વેનિલા એસેન્સ અને ખાંડ મિક્સ કરી દૂધથી લોટ બાંધો. લોટ વધારે કઠણ ન હોવો જોઈએ, ન ઢીલો. નાના લૂઆ બનાવીને પૂરી જેટલાં વણો. એક ઇંચ પહોળી સ્ટ્રિપ કાપો અને એના એક-એક ઇંચ લાંબા ટુકડા કરો. આ ટુકડાને ફોર્કમાં દબાવો, જેનાથી લાઈન પડશે. હવે ફોર્ક પકડવાની સાઇડથી રોલ કરો. એક છીપ જેવો આકાર આવી જશે. બધા ટુકડા આ રીતે જ તૈયાર કરો. તેને ડીપ ફ્રાય કરો. કલકલ તૈયાર છે.
પોટેટો બાસ્કેટ
સામગ્રી : ૨ મોટાં બટાકાં, ૧ ચમચો મેંદો, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે તેલ.
ભરવા માટેની સામગ્રી : ૧ બાફેલું બટાકું, ૧ ડુંગળી, ૧/૨ કેપ્સિકમ, ૧/૨ કપ પનીરના ટુકડા, ૧/૪ વાટકી ગાજરના ટુકડા, ૧/૨ ચમચી ચિલી સોસ, ૧ ચમચી મીઠું, ૧/૨ વાટકી બાફેલી સેવ, ૧ ચમચી તેલ.
રીત : બટાકાં ગ્રેટ કરો. મીઠું અને મેંદો મિક્સ કરો. હવે સ્ટીમ બાઉલમાં બટાટાને બાઉલનો શેપ આપો અને બીજા બાઉલથી પ્રેસ કરી ડીપ ફ્રાય કરો.
આ રીતે તમારી બે-ત્રણ પોટેટો બાસ્કેટ તૈયાર થઈ જશે.હવે તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. કેપ્સિકમ અને ગાજર નાખી બે મિનિટ સુધી ચઢવા દો. બટાટાં, પનીર અને બાફેલી સેવ મિક્સ કરો. મીઠું, ચિલી સોસ બરાબર મિક્સ કરો. ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો. આ ફિલિંગ પોટેટો બાસ્કેટમાં નાખી પીરસો.
પોટેટો વિથ બેબી કોર્ન મસાલા
સામગ્રી : ૧,૧/૨ ચમચો ઓલિવ ઓઈલ, ૧ ડુંગળી સમારેલી, ૧,૧/૨ વાટકી સમારેલાં ટામેટાં, ૧/૪ વાટકી તુલસીનાં પાન, ૧/૪ વાટકી છીણેલી ચીઝ, ૧/૨ ચમચી લાલ મરચું,
૧/૪ ચમચી ઓરિગેનો, ૧ કપ બાફેલાં પાસ્તા, ૧/૪ કપ દૂધ, ૧ ચમચો ક્રીમ, ૩-૪ બેબી કોર્ન નાના ટુકડામાં સમારીને બાફેલાં, મીઠું સ્વાદાનુસાર.
રીત : પાસ્તા બાફો, થોડું તેલ લગાવો, જેથી પાસ્તા ચોંટે નહીં. એક કઢાઈમાં તેલ ગરમ કરી સમારેલી ડુંગળી સાંતળો. ટામેટાં, તુલસીનાં પાન, મીઠું, મરચું, દૂધ અને બેબી કોર્ન મિક્સ કરો.
થોડીવાર માટે ચઢવા દો. પછી ક્રીમ મિલાવો. બાફેલાં પાસ્તા નાખી બરાબર મિક્સ કરો. સર્વિંગ ડિશમાં મૂકી ઉપરથી ચીઝ અને ઓરિગેનોથી સજાવો.
- હિમાની