ઘરમાં ઊંચી સીલિંગનો આભાસ રચવો જરાય અઘરો નથી
અમદાવાદ અને મુંબઈ જેવા મેગા સિટીમાં ડેવલપરો હાયર ફ્લોર્સના ફ્લેટ ઊંચી પ્રાઇસમાં વેચવાનો આગ્રહ રાખે છે. એટલા માટે કે હાયર ફ્લોર પરના ફ્લેટની સીલિંગ લોઅર ફ્લોર કરતા ઊંચી હોય છે. ખરીદદારો પણ પહેલા હાયર ફ્લોરના ઘર પર જ પસંદગી ઉતારે છે, કારણ કે હાયર સીલિંગ્સ ફ્લેટને ફેન્ટાસ્ટિક લુક આપે છે, ઉંચી છત (સીલિંગ)ને કારણે ઘરનો દરેક રૂમ મોટો અને લક્ઝરિયસ લાગે છે. ડબલ હાઇટની સીલિંગ ફ્લેટને એવો એકસ્ટ્રા ઓર્ડિનરી લુક આપે છે કે એમાં વસતો પરિવાર ઊંચી છતની સાફસફાઈ અને પંખા તથા લાઇટ ક્લિન કરવામાં પડતી મુશ્કેલી ભૂલી જાય છે. હાય સીલિંગનો એક બીજો પણ એડવાન્ટેજ છે. ઘરમાં વધુ પડતી ગરમ હવા ઘુમરાતી નથી.
બહુ સરસ પણ બધાને હાયર ફ્લોર પર ફ્લેટ ખરીદવા પોસાતા નથી અને પોતાના બજેટમાં બેસે એ ઘર લઈ લે છે. સ્વાભાવિક છે કે આવા ફ્લેટની સીલિંગ નીચી જ હોવાની. તો શું મિડલ ક્લાસના માણસે તો સીલિંગવાળા ઘરમાં રહીને જ સંતોષ માની લેવાનો? ઉંચી સીલિંગવાળા હવા-ઉજાસથી ભરપુર ફ્લેટમાં રહેવાની આશા છોડી દેવાની? સીલિંગ ભલે નોર્મલ કે નીચી હોય, પણ તમે તમારા ઘરની છતા ઊંચી હોવાનો આભાસ તો ઊભો કરી જ શકો છે. પાછું આવો ઇલ્યુઝન (ભ્રમ) ઊભો કરવો, મુશ્કેલ પણ નથી. રૂમમાં એક નાનો ફેરફાર પણ એના લુકમાં મોટો બદલાવ લાવી શકે છે. જરૂર છે માત્ર ફેરફાર ક્યાં કરવા એ જાણવાની, સમજવાની. આજે એવી કેટલીક ટિપ્સ જાણી લઈને જે સીલિંગને હાયર લુક આપી શકે છે.
(૧) સીલિંગનો કલર : આ એક એવી બાબત છે જે રૂમની છતના લુક (દેખાવ)માં મોટો ફરક પાડી શકે. આમ તો સીલિંગ માટે વ્હાઇટ કલર પરફેક્ટ પસંદગી છે, પરંતુ કોઈએ વ્હાઇટ સિવાયનો કલર કરવો હોય તો પેસ્ટલ શેડ્સ (હળવા રંગો) પરફેક્ટ ચોઇસ બની રહે છે. સીલિંગને હાયર લુક આપવા માટેની આ એક અગત્યની પેઇન્ટિંગ ટિપ છે.
(૨) ફર્નિચર : સીલિંગ ઊંચી હોવાનો આભાસ ઊભો કરવાની એક બીજી પણ ટિપ છે. ઘરમાં બેઠા ઘાટનું એટલે કે ઓછી ઉંચાઈવાળું ફર્નિચર વસાવો. ફર્નિચર ફ્લોરની લગોલગ હશે તો આપોઆપ રૂમની સીલિંગ ઊંચી હોવાનું ઇલ્યુઝન ઊભું થશે. તમારા રૂમની છત નીચી હશે તો પણ જોનારને તો એમ જ લાગશે કે સીલિંગ ઊંચી છે. વળી, ઓછી હાઇટના ફર્નિચરને લીધે રૂમને સ્પેસિયસ લુક મળશે એ નફામાં.
(૩) ડિસપ્લેઝ : શો માટેની વસ્તુઓ (ડિસ્પ્લેઝ) અને આર્ટવર્ક ધારણાં કરતા થોડા ઊંચે રાખીએ તો પણ રૂમને એક્સ્ટ્રા હેડરૂમની ફીલ આપોઆપ મળી જશે. નીચી છત નીચે રહીને પણ તમે લઘુતાગંર્થીથી મુક્ત રહી શકશો.
(૪) દીવાલો : હોમ ડેકોરની નેક્સ્ટ ટિપ ઘરની વોલ્સ (દીવાલો) વિશે છે. ભીંત પરના સીધા ઊભા પટ્ટા (વર્ટિકલ સ્ટ્રીપ્સ) ચોક્કસ પણ હાઇટનો આભાસ ઊભો કરે છે. એવી ઇફેક્ટ મેળવવા વોલને પેઇન્ટ કરો અથવા વોલપેપર લગાડો. આ એક એવી ટ્રિક છે જે રૂમની સીલિંગને વધુ ઊંચી દેખાડશે.
(૫) કર્ટન્સ : ગમે તેટલા આઇડિયા અજમાવીએ પણ પરફેક્ટ કર્ટન્સ (પડદાં) વિના ઘરની સીલિંગનો હાયર લુક સંભવ જ નથી. એમાં આપણે ઝાઝું કાંઈ કરવાનું નથી. છેક જમીન (ફ્લોર સુધી)ની લંબાઈ ધરાવતા કર્ટન્સ પસંદ કરો એટલે તમારું કામ થઈ ગયું. ફુલ લેંગ્થ કર્ટન્સ સીલિંગને ઊંચી દર્શાવવાનું કામ કરે છે.
(૬) લાઇટિંગ : આ બહુ મહત્ત્વનું પાસુ છે. ગ્લાસ વિન્ડોઝ (કાંચની બારીઓ)ને વાઇટ (પહોળી) રાખો. એને કારણે ઘરમાં કુદરતી પ્રકાશ રેલાશે. એ ઉપરાંત નેચરલ સીલિંગ લાઇટિંગ પણ ટ્રાય કરી શકાય એક બીજા કીમિયારૂપે સીલિંગથી લટકતી હોય એવી માઉન્ટેડ લાઇટ્સ લગાડો. થોડો વધુ ખર્ચ થશે, પણ ેની મદદથી રૂમમાં ઊંચી છતનો આભાસ ઊભો થઈ જશે.
(૭) મોટા અરીસા : દીવાલનો મોટો ભાગ રોકી લે એવા લાર્જ મિરર્સ (અરીસા) પણ લગાડી શકાય. એને લીધે રૂમ વધુ મોટો અને સીલિંગ હોય એના કરતા વધુ ઊંચી લાગશે.
- રમેશ દવે