Get The App

લિવિંગ રૂમની ડિઝાઈનમાં ટાળવા જેવી સામાન્ય ભૂલો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
લિવિંગ રૂમની ડિઝાઈનમાં ટાળવા જેવી સામાન્ય ભૂલો 1 - image


અંગ્રેજીમાં એવી ઉક્તિ છે કે લિવિંગ રૂમ ઇઝ હાર્ટ ઑફ યોર હોમ. લોકો આપણા વિશે પહેલી ઇમ્પ્રેસન આપણો લિવિંગ રૂમ જોઈને બાંધે છે. એ તમારા વ્યક્તિત્ત્વ અને વલણનું પ્રતિબિંબ પાડે છે. આ રૂમને ડેકોરેટ કરતી વખતે મોટાભાગે પોતાની પસંદગી અને પેશનને જ મહત્ત્વ અપાય છે, એમાં ડિઝાઈનની સંભાવ્ય ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. એક બેસિક અને મહત્ત્વની વાત યાદ રાખવી જરૂરી છે કે લિવિંગનું ડેકોર (સજાવટ) રૂમના સ્ટ્રક્ચર અને ડિઝાઈનને પૂરક બની રહેવું જોઈએ. એનાથી ઓરડાને ઉઠાવ મળવો જોઈએ.

અહીં કોઈ કહેશે કે પ્રોફેશનલ ઇન્ટિરિયર ડેકોરેટરને આ કામ સોંપી દો એટલે આપણને નિરાંત, પરંતુ બધાને પ્રોફેશનલ રોકવાનું પોસાતું નથી, એનાથી એમનું બજેટ વધી જાય છે એટલે અમુક કોમન મિસ્ટેક્સ (સામાન્ય ભૂલો) વિશે જાણી લઈએ તો આપણી ક્રિયેટિવિટી વધુ ઇફેક્ટિવ બનશે. ફર્નિચરની ઉડઝુડ ગોઠવણી આપણા પ્લાનિંગની ઉણપ દર્શાવે છે. લિવિંગ રૂમની ડિઝાઈન તમારા મૂડને અનુકૂળ આવે એટલી ફ્લેક્સિબલ રાખવી. નાના-નાના એડજસ્ટમેન્ટ્સ પણ રૂમના લુકમાં મહત્ત્વનો તફાવત લાવી શકે છે એટલે ટિપિકલ મિસ્ટેક્સ ધ્યાનમાં રાખી આગળ વધો.

૧. રૂમનો મુખ્ય હેતુ : આપણા લિવિંગ રૂમમાં આપણે મહેમાનોને આવકારી એમનું સ્વાગત કરીએ છીએ. નવરાશનો સમય પણ અહીં જ ગાળીએ છીએ એટલે લિવિંગનો ઉપયોગ ખાવા-પીવા, સુવા, કામ કરવા, એક્સરસાઇઝ કરવા જેની તમામ પ્રવૃત્તિઓ માટે કરવાનું રહેવા દો. અમુક જણ તો લિવિંગમાં જ પોતાનું ઑફિસ ટેબલ ગોઠવી દે છે. આવી ભૂલો કરવા જેવી નથી.

૨. મિનિમમ ડેકોર : કોઈ પણ વાતમાં અતિશયોક્તિ ત્રાસદાયક બની જાય છે. લિવિંગ રૂમમાં પણ વધારે પડતું ફર્નિચર રૂમના આખા લુકને કઢંગો બનાવી દે છે. મોટાભાગના લોકોથી લિવિંગ રૂમને આર્ટ ગેલેરી બનાવવાની ભૂલ થઈ જાય છે. આ એક કોમન મિસ્ટેક છે, જે ટાળીને રૂમમાં મિનિમમ ફર્નિચર રાખી એની સરસ રીતે ગોઠવણી કરો.

૩. લાઇટિંગ : લાઇટિંગ જો બરાબર ન ગોઠવાઈ હોય તો આખા રૂમની મજા બગાડી નાખે છે. દરેક સાઇડ્સથી લિવિંગમાં લાઇટ્સ રેલાય એની ખાતરી કરવી જરૂરી છે. રૂમમાં માત્ર અપ્પર લાઇટ રાખવી એ એક સૌથી મોટી અને ખરાબ ભૂલ બની રહે છે. અહીં ફોલ્સ સિલિંગમાં એલઇડી લાઈટ ફિટ કરવાથી રૂમની બ્યુટિને ચાર ચાંદ લાગી જાય છે.

૪. કર્ટન્સ : વિન્ડો સુધીના લાંબા કર્ટન્સ (પડદાં) આઉટડેટેટ થઈ ગયાને વરસો વીતી ગયા એટલે છેક ફ્લોર સુધીના લાંબા કર્ટન્સ બનાવડાવો અને પડદાના રોડ્સને થોડા ઊંચે રાખો. એને કારણે તમારા લિવિંગ રૂમને એક સ્પેશિયસ અને લક્ઝુરિયસ લુક મળશે.

૫. સોફાની ગોઠવણી : દીવાલને એકદમ અડીને સોફા રાખવા એક બીજી ગંભીર ભૂલ છે. અમુક લોકો એવા ભ્રમમાં હોય છે કે આવું કરવાથી રૂમ વધુ સ્પેસિયસ લાગશે. તેઓ એ ભૂલી જાય છે કે એનાથી આખા રૂમનો લુક બગડે છે.

૬. ડાર્ક વોલ કલર ન જોઈએ : લિવિંગની દીવાલોને ડાર્ક કલર કરીએ તો રૂમ નાનો અને બેઢંગો લાગશે. આપણને કોઈ ડાર્ક કલર બહુ ગમતો હોય તો એને સિંગલ વોલ પર લગાડી હાઇલાઇટ કરી શકાય, પરંતુ બાકીની બધી બાજુની દીવાલો પર તો લાઇટ કલર જ લાગવો જોઈએ.

૭. કાર્પેટ અને ફર્નિચરની ચોઇસ : લિવિંગ માટે જે કાર્પેટ પસંદ કરીએ એનો રૂમની સાઇઝ અને શેપ સાથે મેળ ખાવો બહુ જરૂરી છે. કાર્પેટની ખોટી ચોઇસ રહેનારને હંમેશા કઠયા કરે છે. કાર્પેટના કલનરી પસંદગી ઉપર પણ વિશેષ ધ્યાન આપવું.

ફર્નિચરની વાત આવે ત્યારે જૂનું એ સોનું કહેવત ભૂલી જવામાં જ ભલીવાર છે. ઓલ્ડ ડિઝાઈનનું ફર્નિચર આંખમાં ખૂંચે છે એટલે લિવિંગ રૂમને અફલાતૂન ઓપ આપવા નવી ડિઝાઈનનું ફર્નિચર પસંદ કરો.

૮. ગોઠવણી : સૌથી છેલ્લે આવે છે લિવિંગ રૂમમાં ફર્નિચરની ગોઠવણી. ફર્નિચરનું પ્રોપર પોજિશનિંગ અતિ આવશ્યક છે. લિવિંગ રૂમમાં ઘણાં ટીવી ખોટી જગ્યાએ ગોઠવવાની ભૂલ કરે છે. આવી કોમન મિસ્ટેક નિવારવી રહી.

- રમેશ દવે


Google NewsGoogle News