મૂશળધાર વર્ષામાં હૈયા ભીંજાય પણ હાથપગ કોરા રહે તેવાં વસ્ત્રો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
મૂશળધાર વર્ષામાં હૈયા ભીંજાય પણ હાથપગ કોરા રહે તેવાં વસ્ત્રો 1 - image


ફરી આવી વરસાદની ઋતુ. મેધ વરસેને યુવાનોના હૈયામાં ઉમંગ હિલોળા લેવા માંડે. બાળકો પહેલાં વરસાદમાં નહાવા કલબલાટ કરતાં હોય તો મોટેરાંઓ માટીની સુગંધની મહેક માણતા હોય, પણ હવે વરસાદ માત્ર કવિતાઓ કરવા માટે નથી. બધાંને વરસાદની મજા લેવી છે અને ભીનાં પણ નથી થવું. તો શું થયું? આ વર્ષે વરસાદની આખી એક ફેશન ઉભી થઈ છે. ભારતના ડ્રેસ ડિઝાઈનરોની અચાનક આ બાબતે ઊંઘ ઉડી ગઈ છે. લોકોમાં વરસાદી કપડાંની મોટી માંગ છે. બધી દુકાનો ખાસ પ્રકારના ફેશનેબલ વસ્ત્રોથી ઊભરાવા માંડી છે. હજી તો આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળા વરસાવાની શરૂઆત કરે તે પહેલાં જ ડિઝાઈનરોએ ઝડપથી સૂકાય તેવાં 'વોશ એન્ડ વેર' કપડાંની રેન્જ બજારમાં મૂકી દીધી છે.

ચોમાસાનાં ખાસ કપડાંનું કલેક્શન બહાર પાડનાર ભારતના  ડિઝાઈનર ના કપડાંમાં વધુમાં વધુ ભારતીયતાની છાંટ ઉપજે છે.  ક્રેપ (સેન્ડ અને મેટ) રંગનાં અને જોર્જેટ (બટ અને સેન્ડ રંગના) કપડાંઓમાં ગળા અને બાંયના ભાગમાં એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. આવા કપડાંને બહુ જાળવવાની જરૂર પડતી નથી.

એમ્બ્રોઈડરીમાં વપરાયેલું રેશન પણ મજબૂત રંગનું છે. આ ડિઝાઈનરને એ વાતની ખાતરી છે કે આ વસ્ત્રો ભાતીગળ છાંટ ધરાવે છે એટલે મોટાભાગની ભારતીય સ્ત્રીઓને જરૂર ગમશે. એનાં વસ્ત્રોનાં કલેક્શનમાં આછા અને ઘેરા રંગની એટલી બધી વિવિધતાઓ છે કે રૃા.૯૦૦થી વધુમાં મળતાં આ વસ્ત્રો ઓફિસ કે ખાસ પ્રસંગોએ પહેરવા માટે પણ બંધબેસતા રહેશે. 

અન્ય એક ડિઝાઈનરે પણ ભારતીય ડિઝાઈનો પર પસંદગી ઉતારી છે. હાથેથી પ્રિન્ટ કરેલાં સાડી અને સલવાર સૂટમાં સાટીનનું પણ વણાટકામ થયેલું છે. હેન્ડપ્રીટ કરાયેલી સાડીઓ (રૃા.૩,૦૦૦થી વધુ) ખરેખર ભારતીય પરંપરાને ધ્યાનમાં લઈને બનાવાયેલી છે. જેમાં ભૂમિગત રંગોના  આધારે બાંધણી અને મંદિરની કોતરણી જેવી ડિઝાઈનો બનાવવામાં આવેલી છે.

જોકે, કપડાં, મોંઘા પહેરીને પણ વરસાદ આવે એટલે એને રેઈનકોટથી ઢાંકવાના જ છે. વરસાદ સાથે રેઈનકોટ અને છત્રી એટલાં બધાં ભળી ગયા છે કે એકબીજાથી અલગ કરી શકાય નહીં. આજે જાતજાતના રેઈનકોટ અને છત્રીઓ બજારમાં મૂકાયા છે. રેઈનકોટનું કામ માત્ર શરીરને કોરાં રાખવાનું જ નહીં, સુંદર દેખાડવાનું પણ છે. એવી માન્યતા લોકોમાં દ્રઢપણે છવાઈ છે. સુંદર અને રંગબેરંગી ડિઝાઈનો ધરાવતાં રેઈનકોટથી માંડીને તદ્દન પારદર્શક રેઈનકોટ પણ ઉપલબ્ધ છે. આમાંના ઘણાં વજનમાં હલકાં અને પહેરવામાં સરળ છે તથા તેમાં હવાની અવરજવર રહેવા છતાં ભીનાં થવાતું નથી, અમુક પ્રકારના રેઈનકોટ તો તમે પહેરેલાં જિન્સ સાથે પણ મેચ થાય તેવા હોય છે. આજ પ્રકારની વિવિધતા છત્રીઓમાં જોવા મળે છે. આયાતી નાયલોન કપડાં અને ફેમની બનેલી છત્રીઓ કાટ ન ખાય તેવી અને ગમે તેટલાં પવનમાં પણ 'કાગડો' ન થઈ જાય તેવી ગેરંટી સાથે મળે છે. એક જાણીતી કંપનીએ આ વર્ષે એવી છત્રી બજારમાં મૂકી છે જેમાં હાથાની  અંદર ટોર્ચ રખાયેલી હોય છે. અંધારી રાત્રે વરસતાં વરસાદમાં હવે તમારે ઠેબા ખાવાની જરૂર નહીં પડે કારણ કે છત્રીની અંદર સિલ્વર રંગનું અસ્તર હોવાને લીધે હાથમાં ચળકતી ટયુબલાઈટનું અજવાળું તમે ચાલતાં હો ત્યાં ફેલાય છે. આવી છત્રીથી તો ચોમાસુ પણ ચમકી ઊઠે.

પણ ચોમાસાની ઋતુ એટલે તનની સાથે મનને પણ ચમકાવવું. મનને ચમકાવવા રોમાન્સથી  બીજો શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે ખરો? હાથમાં હાથ નાખીને વરસતા વરસાદમાં ભીંજાવાની વાત પર તમે વરસો સુધી ધૂળ ચઢાવી દીધી હોય તો આ વરસાદમાં એને સાફ કરી નાખો. ગરમાગરમ મકાઈના ડોડા પર મીઠું, મરચું અને લીંબુ ભભરાવી ખાવાની મજાનો સ્વાદ કાંઈક ઓર જ છે. નરીમાન પોઈન્ટ પર જોરજોરથી ધસી આવતાં મોજાં અને વરસતા વરસાદમાં તમને ક્યારેય ઠંડાગાર થવાનો મોકો મળ્યો છે? નહીં? તો તો પછી આ વર્ષે એ મોકો ચોરી જ લો અને વરસાદમાં ધીંગામસ્તી કરતાં મોજાંની સાથે તમે પણ એક થઈ જાઓ. આપણે પણ હિંદી ફિલ્મનાં હીરો-હિરોઈન છીએ, એવું થોડીવાર માની લેવામાં શું વાંધો છે? એક સાથે પલળવાની અને ભીના થવાની ભાવના તમારી વચ્ચેના નાના અંતરને પણ દૂર કરી નાખે છે. જરૂર પડે તો ખુલ્લા સમુદ્ર કિનારે પલળવાનો મોકો ઝડપી લો અને જો ઊંચા પર્વત પર વરસતા વરસાદમાં તંબુ બાંધીને રહેવાની મજા તમે માણી શકો તો એનાથી રૂડું શું? અને વેલ, તમને તરતાં આવડતું હોય તો વરસતા વરસાદમાં તરવાની મજા કાંઈ ઓર જ હોય છે. છેવટે કાંઈ ન કરવું હોય તો વરસાદમાં નીતરીને ભીનાં થાઓ અને એ જ ભીનાં કપડે  પોપકોર્ન ખાતાં ખાતાં એકબીજાને ચીટકીને એકાદી ફિલ્મ જુઓ... કેમ? શું વિચારમાં પડી ગયા?

- નીલા જોશી


Google NewsGoogle News