Get The App

નોખા નોખા પ્રકારની ફરસને કરો વેગવેગળી રીતે સાફ

Updated: Oct 24th, 2022


Google NewsGoogle News
નોખા નોખા પ્રકારની ફરસને કરો વેગવેગળી રીતે સાફ 1 - image


દિવાળી વખતે આખા ઘરની સાફસફાઇ થઇ જાય એટલે ગૃહિણીઓ છેલ્લે ફરસ ધૂએ.જોકે હવે એ સમય વિતી ગયો જ્યારે ફરસ પર સાબુનું પાણી નાખીને તેને ઘસી ઘસીને ધોયા પછી પાણીથી ધોઇને લૂછી લેવામાં આવે.ખાસ કરીને મહાનગરોમાં તો આ પરંપરા લગભગ સમાપ્ત થઇ ગઇ છે. તેનું એક કારણ એ પણ છે કે મોટા શહેરોના ફ્લેટ્સમાં વિવિધ પ્રકારની ફ્લોરિંગ લગાવવામાં આવે છે. અને દરેક જાતની લાદી સાબુથી ન ધોઇ શકાય.અહીં નિષ્ણાતો કેવું ફ્લોરિંગ શી રીતે સાફ કરવું તેની જાણકારી આપતાં કહે છે....,

વિનાઇલ : 

વિવિધ પ્રકારની ફ્લોરિંગમાં વિનાઇલ સૌથી વધુ લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે તેની જાળવણી બહુ સહેલી છે. આવી ફરસ સાફ કરવા સોફ્ટ બ્રશ અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકાય. તમે ચાહો તો ફરસ પર પહેલા સાબુવાળું પોતું માર્યા પછી બે વખત સાદા પાણી વડે લૂછી લો. આટલું કરવા માત્રથી ફરસ ચમકી ઉઠશે. 

આ ફ્લોરિંગ પર જો ચંપલના ડાઘ પડે ત્યારે તરત જ સાબુમાં બોળેલા સ્પંજ વડે લૂછીને પછી સાદા પાણીના પોતા વડે બે વખત લૂછી લો.

જોકે તેના ઉપર પડેલા કાટના ડાઘ કાઢવા બેકિંગ પાવડર અને વિનેગરની જરૂર પડશે. જ્યાં કાટના ડાઘ લાગ્યાં હોય ત્યાં બેકિંગ પાવડર છાંટીને થોડીવાર માટે મૂકી દો. ત્યાર પછી વિનેગરમાં કપડું બોળીને તેના વડે એ ડાઘ પર ઘસો. જ્યારે ડાઘ નીકળી જાય ત્યારે સાદા પાણીના બે પોતા મારી દો. 

સિરામિક : 

સિરામિકનું ફ્લોરિંગ પણ સાફ કરવામાં ખાસ મુશ્કેલ નથી. તેને ગરમ પાણીથી ધોવાથી પણ તે ઝટ  સાફ થઇ જાય છે.અલબત્ત, ગરમ પાણી વડે ધોવાથી પહેલા વેક્યુમ ક્લીનર કે ઝાડુ વડે ફરસ પર ચોંટેલી ધૂળ દૂર કરી લો.

સિરામિક ટાઇલ્સ સાફ કરવા માઇક્રો ફાઇબર મૉપ સૌથી  સરળ ગણાય છે. જો આવી ફરસ પર નેલપોલિશના ડાઘ પડયાં હોય તો તે નેેલપોલિશ રિમૂવરથી જ દૂર થઇ જાય છે. જ્યારે શાહી કે ડાઇના ડાઘ દૂર કરવા બ્લીચની જરૂર પડે છે. એક સ્વચ્છ કપડાને બ્લીચવાળા પાણીમાં ડૂબાડો. હવે તે સંબંધિત ડાઘ પર મૂકી દો. થોડીવાર પછી આ કપડું ખસેડીને જોઇ લો કે ડાઘ નીકળી ગયા છે કે નહીંં. જો ડાઘ દૂર થઇ ગયાં હોય તો તરત જ તેને સાદા પાણીમાં ભીંજવેલા પોતા વડે લૂછી લો. જો ન નીકળ્યા હોય તો બ્લીચવાળા કપડાને વધુ થોડીવાર માટે ડાઘ પર મૂકી રાખો. 

વૂડન :

વૂડન ફ્લોરિંગ ઘરને અનેરી સુંદરતા બક્ષે છે. પરંતુ તેની જાળવણી થોડી મુશ્કેલ છે. કાષ્ટની ફરસને સાફ કરવા માટે બજારમાં મળતાં વૂડન ફ્લોરિંગ ક્લીનરનો જ ઉપયોગ કરવો. આ ફરસ તમે સાબુના પાણીથી ન ધોઇ શકો.તેના ઉપર પગના કે અન્ય કોઇ ડાઘ લાગે તો તરત જ સાફ કરી લો. તેના ઉપર વેક્સવાળા કોઇપણ ઉત્પાદનનો ઉપયોગ ન કરો. તેવી જ રીતે ઘરના પ્રત્યેક રાચરચીલામાં લેગ્સ પ્રોટેક્ટર લગાવડાવો. નહીં તો ફર્નિચર ખસેડવા જતાં વૂડન ફ્લોરિંગ પર તરત જ ઘસરકા પડી જશે. તેવી જ રીતે તેની સફાઇ માટે વેક્યુમ ક્લીનર કે પછી સુંવાળા ઝાડુનો ઉપયોગ કરો. જોકે કાષ્ટની ફરસની જાળવણી માટે તેના ઉપર રગ્સ કે કાર્પેટ પાથરવું અચ્છો વિકલ્પ છે. 

નિષ્ણાતો જણાવે છે કે આજની તારીખમાં બજારમાં ઘણાં પ્રકારના વૂડન ફ્લોરિંગ મળે છે. તેથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે તે ખરીદતી વખતે સ્ટેન રેઝિસ્ટંટ છે કે નહીં તે તપાસી લો.આવી ફરસ પર ડાઘ-ધાબા પડતાં જ નથી.બાકી તેની રોજિંદી સફાઇ માટે સારી રીતે નીચોવેલા  સુંવાળા પોતાનો ઉપયોગ કરો.

માર્બલ : 

આરસપહાણની ફરસ ખૂબ સુંદર દેખાય છે. આજે બજારમાં સફેદ ઉપરાંત હળવા ગુલાબી કે બ્રાઉન રંગના માર્બલ પણ મળી રહે છે. તેથી તમે તમારી પસંદગી મુજબનું માર્બલ ફ્લોરિંગ કરાવો ત્યાર પછી તેના ઉપર પોલિશ અચૂક કરાવડાવો.

આરસપહાણની ફરસ સાફ કરવા નવશેકું પાણી અચ્છો વિકલ્પ ગણાય છેે. હા, આ ફ્લોરિંગ પર ભૂલેચૂકેય વિનેગર કે એસિડયુક્ત ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો. આમ કરવાથી તેની ચમક ઝંખવાઇ જશે. 

જો માર્બલ ફ્લોરિંગ પર ફળો કે જ્યુસ ઇત્યાદિના ડાઘ પડેતો અમોનિયાયુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડવાળા પાણીમાં કપડું બોળીને તેના વડે ડાઘ દૂર કરો.શક્યત: તેની સફાઇ માટે ટેરીકોટનું કપડું ઉપયોગમાં લો. 

આરસપહાણ તરત જ ડાઘને શોષી લેતું હોવાથી જો તમારા ઘરમાં માર્બલ ફ્લોરિંગ હોય તો તરત જ તે સાફ કરી લો. થોડીવાર માટે પણ ડાઘ રહેવા દેવાથી તે ઝટ કાઢી નહીં શકાય અથવા તે કાયમ માટે રહી જશે.

- ઋજુતા


Google NewsGoogle News