ચાંદલા-બિંદીનો ઝળહળાટ કાયમ .
- કન્યા કુંવારી હોય ત્યારે ફેશનરૂપે અને લગ્ન પછી સૌભાગ્યવતીના પ્રતીકરૂપે ચાંદલો કરે છે!
આજકાલ કુંવારીકાઓ ચાંદલો કરતી નથી. કોઇ ખાસ પ્રસંગે તૈયાર થાય તો જ બીજા શણગાર સાથે મેચિંગ બિંદી કપાળે લગાડે છે. કોન્વેન્ટ સ્કૂલો છોકરીઓને ચાંદલો લગાડવા દેતી નથી. તમામ ફિલ્મી હિરોઇનો પણ ચાંદલાની ફેશનથી દૂર રહી છે. તેથી કુંવારી કન્યાઓમાં ચાંદલાનું ચલણ ઓછું છે. પરંતુ હિન્દુ કન્યાના એકવાર લગ્ન થાય પછી આ જ ચાંદલો સૌભાગ્યવતીની નિશાની બની રહે છે.
ચાલ્લો એ તો આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. જૂના વખતમાં ચોખા, ઝાડ - છોડવાની છાલ, ફૂલપત્તી , ચંદન વગેરે ઘસીને આદિવાસી જાતિઓની સ્ત્રીઓ તો પોતપોતાના માથા પર કાયમી રૂપે ચાંલ્લો છુંદાવી લેતી હતી. આજકાલ ચોખા,કુમકુમ વગેરેના ચાંલ્લા બનાવવા જે બદલે સ્ટીકર ચાલ્લો એટલે કે પાછળ ગુંદર હોય અને એ ભાગ કપાળ પર ચોંટી જાય ચાંલ્લાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જાત જાતની ડિઝાઇનો, રંગો અને આકારોમાં આજકાલ બજારમાં ધૂમ વેચાતા જોવા મળે છે.
ચાલ્લો લગાડતાં પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચાલ્લો તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે, એ જ રીતે બેદરકારીથી ઉપયોગમાં લેવાયેલો ચાલ્લો તમારી ખૂબસુરતીમાં ડાઘ પણ લગાડી શકે છે. મતલબ કે આડેધડ રીતે લગાવવામાં આવેલો ચાંલ્લો ચહેરાને ખૂબસુરત દેખાડવાને બદલે ચહેરાની આખી સુંદરતા મારી નાખે છે. એટલે જ ચાંલ્લાની પસંદગી કપડાં, સમય, અવસર વગેરેને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. મતલબ અમુક કપડાં પર અમુક જ જાતનો ચાંદલો શોભે છે, તો અમુક અવસર પર અમુક જ જાતનો ચાંલ્લો સારો લાગે છે. એ જ રીતે કપાળના આકાર પ્રમાણે જુદી જુદી જાતના ચાલ્લાં લગાડવાથી ચાલ્લાની શોભા એકદમ વધી જાય છે. એ માટે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે.
મોટા કપાળવાળી બહેનોએ મોટો, નાના કપાળવાળી બહેનોએ નાનો અને લાંબા ચહેરાવાળી બહેનોએ મધ્યમ આકારનો ચાંલ્લો લગાડવો જોઇએ.
પહેરેલા કપડાના રંગને મેચ થતાં રંગનો ચાંલ્લો વધારે સારો લાગે છે. તમે ક્રોસ મેચિંગ બ્લાઉઝ અને સાડી પહેરી હોય તો સાડીના રંગનો ચાલ્લો સારો લાગે છે અને જો ક્રોસ મેચિંગ સલવાર અને કુર્તો પહેર્યો હોય તો કુર્તાના રંગનો ચાંલ્લો વધારે સારો લાગશે.
જિન્સ, મેકસી, સ્કર્ટ વગેરે ખૂબ જ આધુનિક ડ્રેસ પહેરતી વખતે કોઇપણ જાતનો ચાંલ્લો લગાડવો ન જોઇએ, કારણ કે એવા કપડાં પહેર્યા પછી કપાળ ઉપર લગાડેલો ચાલ્લો જરા અટપટો લાગશે. જેના કારણે તમારો દેખાવ ખૂબ જ કઢંગો લાગશે એ ફેશન અનુરૂપ ગણાતું નથી.
ચાંલ્લાનો રંગ હોઠ ઉપર લગાડેલી લિપસ્ટિકના રંગ જેવો પસંદ ન કરવો જોઇએ. જો આવું કરશો તો ચહેરાનું સમતોલપણું નહીં જળવાય.
ઘેરા લાલ રંગનો ચાલ્લો કરી, ઘઉં વર્ણી તેમ જ કાળી ચામડી ધરાવતી બહેનોને પણ સારો લાગે છે. એટલું જ નહીં, પણ એવો ચાંલ્લો દરેક ઉંમરની બહેનોને સારો લાગે છે.
સવારે અને સાંજે આછા રંગવાળો ચમકદાર,ચાંલ્લો લગાડવો જોઇએ. જ્યારે બપોરના સમયે ઘેરારંગનો ચાંલ્લો લગાડવો જોઇએ.
પાર્ટીમાં કે શુભ પ્રસંગે જતી વખતે આછા હલકા શેડવાળો ચાંલ્લો પસંદ કરવો જોઇએ. એવા ચાંલ્લાને કારણે તમારો ચહેરો શાંત અને સહામણો લાગશે. રાતના સમયે ઘેરા રંગના ચાંલ્લાનો ઉપયોગ કરવો ન જોઇએ, કારણ કે એવા રંગને કારણે ચહેરો સુંદર લાગવાને બદલે જરા વિચિત્ર દેખાશે.
મરૂન અને સિંદુરના રંગના ચાંલ્લાનો ઉપયોગ ગમે તે સમયે કરી શકાય છે. કપાળની વચ્ચોવચ ચાલ્લો કરવાનો રિવાજ ઘણા સમયથી ચાલુ છે પણ અત્યારે ફેશનના કારણે ઘણી બહેનો આંખોની બન્ને ભ્રમરોની વચ્ચે અથવા થોડી એનાથી ઉપર પણ ચાલ્લો લગાવે છે.
ચાંલ્લો કપાળ ઉપર વચ્ચે લગાડો કે આંખોની ભ્રમરોની વચ્ચે પણ ખરીદતી વખતે હંમેશાં સારી ગુણવત્તા જોઇને ખરીદો. સ્ટીકર ચાંલ્લો કાયમ લગાડેલો ન રાખો. હાથમાંથી પડી ગયેલો કે ધૂળવાળો ચાલ્લો ઉપયોગમાં ન લો. એવી જ રીતે બીજા કોઇએ લગાડેલો ચાંલ્લાનો ઉપયોગ પણ તમારા માટે ન કરો. કારણ કે એવા ચાંલ્લાથી ચામડીને નુકસાન પહોંચી શકે છે અથવા ચામડીના કોઇ રોગ પણ થઇ શકે છે.
જે જગ્યાઓ ચાંલ્લો કાયમ લગાડતા હોવ એ જગ્યા બરાબર સ્વચ્છ રાખવી જોઇએ. કપાળ ઉપર કાચું દૂધ, મલાઇ અને કોલ્ડ ક્રીમની માલિશ કરવી જોઇએ.
કોઇપણ જાતનો ચાંલ્લો લગાડયા પછી એ જગ્યા એ ખંજવાળ આવે તો થોડા સમય સુધી ચાંલ્લો લગાડવો ન જોઇએ.
ચાંલ્લા વગર જેવી રીતે શણગાર અધૂરો રહે છે, એવી જ રીતે ખોટી રીતે પસંદ કરેલો ચાંલ્લો ચહેરાને સુંદર બનાવવાને બદલે બદસુરત બનાવે છે. ચાંલ્લો કુદરતી વસ્તુઓથી બનેલો હોય કે નકલી વસ્તુઓથી, પણ એનો ઉપયોગ કરતી વખતે ઉપર મુજબની વાતોનું ખાસધ્યાન રાખવું જોઇએ.
- એકતા