Get The App

ઘરમાં નોખી પ્રકાશ રચના કરીને દિવાળીના પર્વને વધાવો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ઘરમાં નોખી પ્રકાશ રચના કરીને દિવાળીના પર્વને વધાવો 1 - image


- ઘરના બારી-બારણાં ઉપરાંત ચોક્કસ જગ્યાએ વધારાની રોશની કરીને ઘરને ખૂબ સુંદર બનાવી શકાય છે

રંગબેરંગી રોશની અને મીઠાઈનો તહેવાર એટલે દિવાળી. દિવાળીના આગમન પૂર્વે જ વિવિધ રંગી કંદીલ, ઝુમ્મર, તોરણ, દિવડા, ચિરોળી, રંગ, સ્ટિકર જેવી વસ્તુઓથી બજાર ઊભરાવા લાગે છે. ગૃહિણીઓ ઘર સફાઈના કામમાં મચી પડે છે. સફાઈકામ પૂર્ણ થતાં જ કંદીલ અને નાના-મોટા બલ્બથી ઘરના દરવાજા અને બારીઓને સજાવી, લક્ષ્મીજીને વધાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

પરંતુ ઘરના બારી-બારણા પર રોશની કરવા ઉપરાંત ઘરના અમુક ચોક્કસ ભાગો પર વધારાની રોશની કરી, તમે તમારા ઘરને રોશનીથી ભરી શકો છો. વળી આમાં ઝાઝો ખર્ચ કરવાની જરૂર પણ નથી રહેતી. થોડી જુદી રીતે પ્રકાશ સજાવટ કરવાથી તમારું ઘર બીજાં ઘરો કરતાં તદ્ન જુદું તરી આવશે તે છોગામાં. જેમ કે ઘરના દરવાજા પાસે કરવામાં આવતી રંગોળી ઉપર લાઈટની વ્યવસ્થા રાખવામાં આવે તો રંગોળી પર ફેંકાતા પ્રકાશથી રંગોળી દીપી ઉઠશે. આ સિવાય રંગોળીની આસપાસ અથવા ડિઝાઈનની વચ્ચે દિવા  પ્રગટાવવાથી પણ રંગોળીની સુંદરતાને ચાર ચાંદ લાગી જશે. તેવી જ રીતે જો તમારા ઘરમાં નાના-નાના છોડ હોય તો તેની વચ્ચે બલ્બ લગાવી શકાય.  આનાથી લાઈટ તો દેખાશે જ, સાથે સાથે પાંદડા પર પડતા પ્રકાશથી પણ ખૂબ આકર્ષક લાગશે.

જો તમે ઘરના કોઈ ખૂણાને ખાસ આકર્ષક બનાવવા ઈચ્છતા હો તો તેની સામેની બાજુએથી તે ખૂણા પર પ્રકાશ ફેંકાય એવી વ્યવસ્થા કરો, અનાયાસ જ ઘરનો એ ખૂણો આકર્ષણનું કેન્દ્ર બની જશે.

મહાનગરોમાં દરેક વ્યક્તિ મોટા ઘરમાં રહેવા જેટલી નસીબદાર નથી હોતી. જો તમારું ઘર નાનું હોય તો, તેમાં ભરપૂર રોશનીની વ્યવસ્થા કરો, જેથી ઘર આપોઆપ મોટું દેખાશે. દિવાળીના દિવસે ડ્રોઈંગરૂમમાં સફેદની જગ્યાએ પીળી રોશની કરો. તેવી જ રીતે ઘરની જે વસ્તુ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છતા હો, તેની ઉપર ભરપૂર પ્રકાશની વ્યવસ્થા કરો. આમ કરવાથી લોકોનું ધ્યાન આપોઆપ આ પ્રકાશમાન જગ્યાઓ ઉપર જવાથી અન્ય સ્થળે નહીં જાય. આને માટે નોખા પ્રકારના બલ્બ, લેમ્પ અથવા રિફલેક્ટર્સનો ઉપયોગ કરી શકાય જેમ કે તમારી દિવાલ પર કોઈ સરસ મઝાનું પેઈન્ટીંગ કે ગામઠી કામ કરેલું શો પીસ હોય તો તેની ચારે તરફ નાના નાના બલ્બનું તોરણ લગાવવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થશે.

તહેવારના દિવસોમાં પૂજાના રૂમનું અથવા ઘરમાં પધરાવેલા મંદિરનું અનોખું મહત્ત્વ હોય છોે. જો તમારા ઘરમાં પૂજા માટે અલગ ઓરડો હોય તો તેના દરવાજા પર નાના નાના બલ્બથી રોશની કરો. 

આ ઉપરાંત રૂમની અંદર પ્રકાશની વ્યવસ્થા એવી રીતે કરો કે ભગવાનની મૂર્તિ પર ઉપરની તરફથી પ્રકાશ આવે. તેવી જ રીતે પૂજા ઘરના દરવાજા પર આંબાના પાન અને ફૂલના તોરણમાં આંબાના પાન પર નાના બલ્બ ગોઠવીને તેને અત્યંત આકર્ષક બનાવી શકાય. પરંતુ નોખો પૂજા ઘર ન હોય અને નાનકડું મંદિર હોય તો મંદિરની ચારે તરફ પણ બલ્બના તોરણ લગાવી શકાય. મંદિરની ઉપર રંગબેરંગી કંદીલ લગાવી તેમાં પીળો બલ્બ મુકવાથી જ્યારે કંદીલ હવાથી હાલશે ત્યારે મંદિર અને તેની આસપાસ ફેંકાતો પ્રકાશ અનોખી શોભા ઉત્પન્ન કરશે.

ઘરના પેસેજમાં દિવાળી દરમ્યાન સોનેરી પ્રકાશ ખૂબ સુંદર લાગશે. આના સિવાય પ્રકાશ વધ-ઘટ થાય એવી વ્યવસ્થા પેસેજને ઓર આકર્ષક બનાવી દેશે. તેવી જ રીતે ડાઈનિંગ ટેબલ પર રંગબેરંગી અને વિવિધ આકારની મીણબત્તીનો ઉપયોગ કરી શકાય.

સામાન્ય રીતે બેડરૂમમાં મધ્યમ પ્રકાશ પસંદ કરવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવાર દરમ્યાન બેડરૂમને પણ ભરપૂર પ્રકાશથી ભરી દો. હવે આ વર્ષે તમે નોખી પ્રકાશ રચના કરીને તમારા ઘરને બીજાના ઘરની સરખામણીમાં નોખું અને આકર્ષક બનાવી શકો છો.


Google NewsGoogle News