ડિઝાઈનર રાખડી બનાવી રક્ષાબંધન ઉજવો
- ભાઈ-બહેનના સ્નેહની બારાખડી સમી રાખડી માટે પ્રચલિત રાખડીઓ કરતાં સ્ટેનગ્લાસ, માટી કે મેટલ પાવર જેવી ડિઝાઈનર રક્ષાનું કવચ પ્રેમના પવિત્ર બંધનને વધુ અતૂટ બનાવશે
રક્ષાબંધન આવતાં જ બજારમાં જાતજાતની રાખડીઓ જોવા મળે છે. નાની-મોટી, કાર્ટુન, ગણપતિ કે અન્ય દેવી-દેવતાના પ્રતિકવાળી, સુકામેવા, મોતી, આભલા, બિડ્સ કે અન્ય નાની વસ્તુઓ જડીને બનાવવામાં આવેલી જાતજાતની અને ભાતભાતની રાખડીઓથી બજાર ઊભરાઈ જાય છે. રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ બંધનનું પર્વ છે. ભારતીય સમાજમાં તેનું એક ખાસ મહત્ત્વ છે. એટલે ઘણી બહેનો તેમના ભાઈને કાંડે ચીલાચાલુ રાખડીઓ બાંધવાને બદલે પોતાની કલ્પનાશક્તિ અને આવડતને આધારે અનોખી રાખડી બનાવવાનું પસંદ કરે છે. રાખડી બનાવવી અઘરી નથી. જરૂર છે થોડી કલાત્મક સૂઝ અને આવડતની.
નીચે જણાવેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી તમે પણ સુંદર રાખડી બનાવી શકો છો.
રંગબેરંગી રીબીન :
રંગબેરંગી રીબીનને મિક્સ એન્ડ મેચ કરીને તેમાંથી આકર્ષક રાખડીનું નિર્માણ કરી શકાય છે. આ રીબીનને સીવી શકાય અથવા ચીપકાવી પણ શકાય. આ જ રીબીનમાંથી જુદા રંગનું ફૂલ કે અન્ય ડિઝાઈન બનાવીને પણ વચ્ચે લગાડી શકાય છે. આ રીબીનની ફેન્સી રાખડી તમારા ભાઈના કાંડે શોભી ઊઠશે
સુંદર લેસ :
લાગણીશીલ, રોેમેન્ટીક તથા પારંપરિક રિવાજોમાં શ્રધ્ધા ધરાવનાર ભાઈ સુંદર લેસમાંથી બનાવવામાં આવેલી રાખડી જોઈને ખુશ થઈ જાય છે. લેસમાંથી બનતી રાખડી સુંદર તો હોય જ છે તે ઉપરાંત તેને સહેલાઈથી બનાવી પણ શકાય છે.
આ રાખડી બનાવવા માટે લેસ અથવા લેસના મોટીફ, ફેબ્રીક સ્ટીફનર, સોય, દોરો અને રેશમની દોરીની જરૂર પડે છે. લેસમાંથી તમારા મનગમતા આકારનું આકર્ષક મોટીફ બનાવો. રેશમની દોરીમાં વચ્ચે આ મોટીફને સીવો અથવા ચીપકાવો. આ રાખડી સાદી હોવા છતાં અત્યંત આકર્ષક દેખાય છે.
સ્ટેન ગ્લાસનો ઉપયોગ :
યોગ્ય આકાર અને કદના સ્ટેન ગ્લાસ ભેગા કરો. આ રંગીન કાચમાંથી ડિઝાઈન બને છે. પછી તેને રેશમની દોરી પર લગાડો. આ અત્યંત અનોખી ડિઝાઈનર રાખડી બની જશે.
કલે (માટીની) રાખડી :
માટીની અંદર ફેવિકોલ કે અન્ય હાર્ડનર મિક્સ કરીને તેને વિવિધ આકારના મોલ્ડમાં નાંખીને કે હાથ વડે જુદી જુદી ડિઝાઈન બનાવીને રાખડી બનાવી શકાય છે. ઝોડિયાક સાઈન, દેવી- દેવતા , પરી કે અન્ય ડિઝાઈન બનાવી શકાય છે. માટીની રાખડીને ડેકોરેટ કે પેઈન્ટ કરીને આકર્ષક બનાવી શકાય છે. માટીની ડિઝાઈનને રંગીન રીબીન કે રેશમની દોરી પર ચીપકાવો. તૈયાર થઈ જશે હાથેથી બનેલી ક્લેની આકર્ષક રાખડી.
મેટલ પાવરની રાખડી :
ચોક્કસ રાશિની વ્યક્તિને ચોક્કસ નંગ કે ધાતુ શુભ કે અશુભ ફળ આપે છે. તમારા ભાઈની જન્મરાશિને શુભ ફળ આપનાર ધાતુને પસંદ કરી તેની મનગમતી ડિઝાઈનનું પેન્ડન્ટ બનાવી તેને લેસ અથવા રીબીન પર લગાડી રાખડી તૈયાર કરો. વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકો માટે ચાંદી, મેષ અને વૃશ્ચિક રાશિ માટે તાંબુ, સિંહ ધન અને મીન રાશિના જાતકો માટે પિત્તળ, મકર અને કુંભ રાશિના જાતકો માટે સ્ટીલ તથા મિથુન અને કન્યા રાશિના જાતકોની તાંબુ, ચાંદી અને પિત્તળની મિશ્ર ધાતુની લાભ થાય છે.
એમ્બ્રોઈડરી :
જો તમે સારી રીતે ભરત ભરી શકતા હો તો, રક્ષાબંધન તમારી આ કલા દર્શાવવાનો ઉત્તમ સમય છે. નાનકડા સાદા કાપડ પર અથવા કપડાના કેન્વાસ પર અથવા ફ્રોસ્ટીચના કપડા પર મનગમતી ડિઝાઈન ભરીને બાદમાં આ નમૂનાને રેશમની દોરી પર ચીપકાવી દો. આગવી અને આકર્ષક રાખડી તૈયાર થઈ જશે.
વિવિધ જેમસ્ટોનની રાખડી :
આ પવિત્ર તહેવારને દિવસે તમારા ભાઈના અનોખી ઉર્જા પ્રદાન કરવા ઈચ્છતાં હો તો તેને જેમસ્ટોનની રાખડી બાંધો.
તેની જન્મરાશિ પ્રમાણેના નંગની પસંદગી કરો. તમે ઈચ્છો તો સાચા નંગને અથવા કૃત્રિમ નંગને પસંદ કરી તેને રેશમની દોરી સાથે લગાડીને રાખડી બનાવી શકાય. રક્ષાબંધન બાદ આ રત્નને કાઢીને તેનું પેડન્ટ કે વીંટી બનાવીને પહેરી શકાય.
પ્રેમની સુગંધ :
એરોમેટીક તેલ કે સુગંધીદાર હર્બને બાંધીને નાનકડી પોટલી જેવું બનાવીને તેને સુંદર આકાર આપો. આ પોટલીની ઉપર ભરત ભરો અથવા બિડ્સ કે સિકવન્સથી તેને સુશોભિત કરો. અને રેશમની દોરી પર લગાડી અનોખી સુગંધિત રાખડી તૈયાર કરો.