Get The App

સાવધાન : ક્યાંક તમારા ઘરનો સીસીટીવી કેમેરા હેક તો નથી થઈ ગયોને?

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
સાવધાન : ક્યાંક તમારા ઘરનો સીસીટીવી કેમેરા હેક તો નથી થઈ ગયોને? 1 - image


આજની તારીખમાં માત્ર મહાનગરોમાં જ નહીં, નાના શહેરોમાં પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ વધ્યો છે. લોકો પોતાના ઘરની સલામતીને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા લગાવે છે જેથી તેઓ ઘરથી દૂર હોય તોય પોતાના ઘર પર નજર રાખી શકે. આમ હવે સીસીટીવી કેમેરાને 'ત્રીજી આંખ' અને 'ચોકીદાર' જેવા બિરૂદ મળ્યાં છે. પરંતુ તાજેતરમાં બનેલા એક બનાવે આ 'ચોકીદાર'ના ઉપયોગ સામે પણ પ્રશ્ન ખડો કર્યો છે.

તાજેતરમાં મુંબઈના વાંદરા ઉપનગરમાં રહેતા એક યુટયુબરના ઘરના સીસીટીવી કેમેરા હેક કરી લેવાયા હતાં. આ ૨૧ વર્ષીય પીડિત યુટયુબરે એવો દાવો કર્યો હતો કે તેના ઘરના સીસીટીવી કેમેરા હેક કરી લેવામાં આવ્યાં હતાં. આ કેસ બાબતે પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે આ યુટયુબરનો દાવો છે કે તેના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા હેક કરી લેવામાં આવ્યાં હતાં જેનો ઉપયોગ કરીને તેના ઘરના સભ્યોના સેમી ન્યુડ વીડિયો બનાવ્યા પછી તે સોશ્યલ મીડિયા પર  વાયરલ કરી દેવામાં આવ્યાં. પોલીસે એમ પણ કહ્યું હતું કે અપરાધીઓએ જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને સંબંધિત યુટયુબરના ઘરના સીસીટીવી કેમેરા હેક કર્યાં હતાં તે તેમણે ટ્રેસ કરી લીધું છે. સાથે સાથે જે જે સોશ્યલ મીડિયા સાઈટ્સ પર તેના પરિવારજનોના સેમી ન્યુડ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં હતાં તેમને આ ક્લિપ્સ ખસેડી લેવાનું કહેવામાં આવ્યું છે.

મહત્વની વાત એ છે કે આ યુટયુબર એ વાતથી સદંતર અજાણ હતો કે તેના પરિવારજનોના સેમી ન્યુડ વીડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યાં છે. પરંતુ તેના એક મિત્રએ તેને આ વાતની જાણકારી આપી ત્યારે તે ચોંકી ઉઠયો હતો. તેને પોતાના મિત્રની વાત પર ભરોસો નહોતો બેઠો. પણ જ્યારે તેણે તેની બહેન અને મમ્મીના સેમી ન્યુડ વીડિયોના સ્ક્રીન શૉટ મોકલ્યા ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ટેકનિકલ રીતે બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે સમજાયું કે કોઈ અજાણી વ્યક્તિએ સીસીટીવીના એક્સેસ લઈ લીધાં હતાં. આ યુટયુબર સ્વયં એક વખત બાથરૂમમાંથી નિર્વસ્ત્ર બહાર નીકળ્યો હતો એ ફૂટેજ રેકૉર્ડ કરીને તે સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યું હતું.

આ બનાવ બન્યા પછી પોલીસ પણ ચોંકી ઉઠી છે. સાઇબર અધિકારીઓ અન્ય કોઈ સાથે આવું ન બને તેને માટે તકેદારીના ક્યાં ક્યાં પગલાં ભરવા જોઈએ અને જો આવી ઘટના બને તો કઈ કઈ બાબતોથી તેના સંકેત મળી શકે તેની સમજ આપતાં કહે છે કે સૌથી પહેલા તો એ વાત ધ્યાનમાં રાખો કે સીસીટીવી પણ વાઈફાઈ પાસવર્ડના માધ્યમથી હેક થઈ શકે છે. માત્ર સીસીટીવી જ નહીં, બલ્કે ઘરમાં રાખેલા એલઈડી અને ઇન્ટરનેટથી જોડાયેલા અન્ય ઉપકરણો પણ હેક થઈ શકે છે. આ વાત ધ્યાનમાં રાખીને પાસવર્ડ બાબતે હમેશાં સતર્ક રહો. વાઈફાઈનું એક્સેસ કોઈને ન આપો. તેઓ વધુ સમજ આપતાં કહે છે..,

બે સ્તરનું વેરિફિકેશન : હમેશાં બે સ્તરનું વેરિફિકેશન ઉપયોગમાં લો. જો હેકર તમારા નેટવર્કને હેક કરી લે અથવા તેમાં ઘૂસણખોરી કરે તો સુરક્ષાનું એક સ્તર નેટવર્કને સુરક્ષિત રાખશે. 

મજબૂત પાસવર્ડ બનાવો : હમેશાં એવું પાસવર્ડ બનાવો જે આસાનીથી હેક ન કરી શકાય. તેવી જ રીતે પાસવર્ડ પ્રોટેક્ટેડ વાઈફાઈનો જ ઉપયોગ કરો. આ તકેદારી ન લેવાથી તમારો પાસવર્ડ સહેલાઈથી હેક થઈ શકે છે. યુઝરનેમ બદલતા રહો : હમેશાં એક જ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ. હેકર જૂના યુઝરનેમ અને પાસવર્ડને સરળતાથી હેક કરી શકે છે.

સિક્યોરિટીને ઑટો અપડેટ પર રાખો : કેમેરાની સુરક્ષા વ્યવસ્થાને હમેશાં ઑટો અપડેટ પર રાખવી જોઈએ, કારણ કે પુરાણા બગ્સ તમારી સમગ્ર સિસ્ટમને ઉઘાડી પાડી શકે છે. ઑટો અપડેટમાં આ જોખમ ટળી શકે છે.

સાઈબર અધિકારીઓ સીસીટીવી કેમેરા હેક થયું હોય તો તેના સંકેત શી રીતે મળે તેની જાણકારી આપતાં કહે છે..,

લાલ લાઈટ ચાલુ રહેવી : જો સીસીટીવી બંધ હોય તોય લાલ લાઈટ ચાલુ રહેલી દેખાય તો તે કોઈક ગરબડનો સંકેત આપે છે. શક્ય છે કે તમારો સીસીટીવી કેમેરા હેક કરી લેવામાં આવ્યો હોય.

ચિત્રવિચિત્ર અવાજ આવવો : સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હોય એ ઓરડા અથવા એ જગ્યાએથી ચિત્રવિચિત્ર, અવાંછિત અવાજ આવવા લાગે તો સતર્ક થઈ જાઓ. સામાન્ય રીતે સીસીટીવી કેમેરામાંથી આવા અવાજો નથી આવતાં.

કેમેરાની સેટિંગમાં છેડછાડ : નેટવર્કથી દૂર રહીને ગતિવિધિઓને કેપ્ચર કરવા હેકર ચૂપચાપ કેમેરાની સુરક્ષા સેટિંગને બદલી નાખે છે. અથવા તેમાં છેડછાડ કરીને કશુંક અપડેટ કરી દે છે. એટલે સુધી કે હેકર કેમેરાના નામ પણ બદલી નાખે છે.

કારણ વિના કેમેરાનું ફરવું : જો તમારી અનુમતિ વિના કેમેરા વારંવાર અલગ અલગ દિશામાં ફરી રહ્યું હોય તો સમજી જાઓ કે કોઈ અન્ય વ્યક્તિ તમારા કેમેરાને ઓપરેટ કરી રહ્યું છે.

અચાનક ડાટાનો ઉપયોગ વધી જવો : તમારા સીસીટીવી કેમેરાના ડાટાનો ઉપયોગ અગાઉની તુલનામાં અચાનક જ વધી જાય તો સાવધાન થઈ જાઓ. આ બાબત સ્પષ્ટ સંકેત આપે છે કે તમારો સીસીટીવી કેમેરા હેક થઈ ચૂક્યો છે.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News