રોજ કાજુ ખાઈને કેન્સર રોકી શકાય?
ડ્રાઇફ્રૂટ્સ (સુકો મેવો) સ્વાસ્થ્ય માટે બહુ સારો છે. એમાં બદામનો પહેલો નંબર આવે અને બીજા નંબરે આવે કાજુ. અહીં આપણે કાજુ વિશે વાત કરીશું. જાણીને નવાઈ લાગે કે કેશ્યુ નટ એટલે કે કાજુ કુદરતે માનવજાતને આપેલી વિટામિન પિલ છે. એમાં અદ્ભુત હેલ્થ બેનિફિટ્સ રહેલા છે. કાજુ શરીરને સ્વસ્થ અને તાજુમાજુ રાખવા માટે જરૂરી એનર્જી, પ્રોટિન, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. હેલ્ધી ત્વચાના અને વાળ માટે પણ એ ઘણાં ઉપયોગી છે.
કેશ્યુ નટ્સ વિટામિન્સ અને મિનરલ્સના ઉત્તમ સ્રોત છે. એમાં મળતા વિટામિન્સમાં વિટામિન ઈ, કે અને બી૬ તથા મિનરલ્સમાં કોપર, ફોસ્ફરસ, ઝિન્ક, મેગ્નેસિયમ, આયર્ન અને સેલેનિયમનો સમાવેશ થાય છે. આ બધા દેહને સરસ રીતે કાર્યરત રાખવા માટે અગત્યના છે.
કાજુના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે જેમાં સ્વસ્થ હૃદય (હાર્ટ), સ્ટ્રોંગ સ્નાયુઓ, લાલ રક્ત કણોની રચના ઉપરાંત હાડકાં અને દાંતના સરસ આરોગ્ય મુખ્ય ગણાવી શકાય. અહીં આપણે નિયમિતપણે કાજુ ખાવાના બેનિફિટ્સ (લાભો) વિશે વિગતવાર જાણીએ :
૧. હાર્ટ માટે આશીર્વાદરૂપ : કાજુમાં કોલેસ્ટેરોલ અને ફેટની માત્રા બિલકુલ નથી હોતી એટલે હાર્ટને સારી રીતે ચાલવામાં સહાયરૂપ થાય છે. કાજુમાં પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ્સ હોવાથી એ હૃદયને ઘણી બિમારીઓથી દૂર રાખે છે.
૨. ડાયાબિટિસનો દુશ્મન : શરીરમાં ગ્લુકોઝ (શર્કરા) વધુ પડતું શોષાતુ રોકીને કાજુ એનું સેવન કરનાર વ્યક્તિને ડાયાબિટિસ સામે લડવામાં મદદ કરે છે. આ સુકા મેવામાં મોનોસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે ડાયાબિટિસના દર્દીના દેહમાં ટ્રાઇગ્લિસરાઈડ લેવલ ઘટાડી એને રાહત આપે છે.
૩. પેઢા અને દાંત : કાજુ પેઢાં અને દાંતનું આરોગ્ય અને આવરદા વધારે છે. એમાં રહેલું મેગ્નેસિયમ આપણાં દાંતને સ્વસ્થ અને મજબુત રાખે છે. આ ઉપરાંત કાજુ રોજ ખાવાથી દાંતમાં પરુ અને સડો થતો રોકી શકાય છે.
૪. કેન્સરની રોકથામ : કાજુમાં પ્રોન્થોસાયનાડિન (ફ્લેવોનોલ્સ)ની માત્રા હોય છે, જે ટયુમર સેલ્સને વધતા અને વિભાજિત થતા રોકીને કેન્સર જેવા જીવલેણ રોગને લડત આપે છે. એ કેન્સરજન્ય કોષો વિરુધ્ધ લડત આપીને મોટા આંતરડા અને પ્રોસ્ટેટમાં કેન્સર ફેલાતું રોકે છે.
૫. મગજને થતાં ફાયદા : કાજુ મગજના હેલ્ધી ફંક્શનિંગ માટે વરદાન ગણાય છે. એટલા માટે કે એમાં કોપર મોટા પ્રમાણમાં મળે છે, જે હોર્મોન ઉત્પાદન, એન્ઝાઇમ એક્ટિવેશન જેવા શરીરના આવશ્યક કાર્યો કરવામાં મદદરૂપ થવા ઉપરાંત મગજનું ફંક્શન પણ સુચારું રીતે ચલાવવામાં નિમિત્ત બને છે. રોજ કાજુ ખાવાનો આ એક મોટો લાભ છે.
૬. હાડકાં માટે પણ લાભકર્તા : બહુ ઓછા લોકો એ જાણે છે કે કાજુ હાડકાંની વૃધ્ધિ માટે જરૂરી ન્યુટ્રિયન્ટસ (પોષકો) પૂરા પાડે છે. એમાં કેલ્સિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેસિયમ જેવા મિનરલ્સ છે, જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધાના શરીરમાં હાડકાંના હેલ્ધી ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે. કાજુનું આ એક ટોપનું હેલ્થ બેનિફિટ છે.
૭. વેઇટ લોસ માટે વરદાન : વજન ઉતારવા જિમમાં જવા ઉપરાંત નિયમિત કાજુ ખાવાનો પણ નિયમ બનાવો. એ વેઇટ લોસ માટે વરદાન બની રહે છે. એમાં કોલેસ્ટોરલ નથી હોતું અને હેલ્ધી પ્રોટિન હોવાથી વજન અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે. દર મહિને સપ્તાહમાં બે વાર કાજુ ખાવાથી તમારું વેઈટ કન્ટ્રોલમાં રહેશે.
૮. ગર્ભાવસ્થાના લાભો : કાજુને ડાયેટિશિયનો એક ઇન્સ્ટંટ એનર્જી સપોર્ટર ગણે છે એટલે કાજુ ખાવાથી ગર્ભવતી સ્ત્રીઓ લાંબા સમય સુધી તૃપ્તિ અનુભવે છે અને એમને વારેઘડીએ ભૂખ નથી લાગતી. આ સિવાય કાજુ વિટામિન સીનો અવ્વલ સ્રોત છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ટિસ્યુને ઓછામાં ઓછા ડેમેજ થવા દે છે.
- રમેશ દવે