Get The App

આને લગ્નગીત કહેવાં કે ફટાણાં?

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
આને લગ્નગીત કહેવાં કે ફટાણાં? 1 - image


ફટાણાં એટલે મૂળ તો વિનોદી ગીતો. પ્રેમાનંદ જેવા કવિએ તો તેનો ઓખાહરણમાં ઉલ્લેખ કર્યો છે. જૂના જમાનામાં આજની માફક રેડિયો, ટેપરેકોર્ડર, ટી.વી. વગેરે ન હતાં. મનોરંજનોના સાધનો મર્યાદિત પ્રમાણમાં હતા ત્યારે ગામડાંની સ્ત્રીઓ મોટેભાગે કોઈ તહેવાર જેવા કે લગ્ન-પ્રસંગ પરથી જ મનોરંજન માણી શકતી હતી. સ્ત્રી વર્ગ લગ્ન પ્રસંગે ફટાણાં ગાઈને વર, અણવર, વેવાઈ-વેવાણની મીઠી મશ્કરી કરી લેતી. એ જમાનાના, મોટા મનના વેવાઈ અને જમાઈરાજા પણ હોંશે હોંશે આ આનંદ, મજા-મશ્કરીમાં સામેલ થતાં. આજે તો મોટે ભાગે શહેરી જીવનની અસરને કારણે સાવ ભૂલાઈ જ ગયા છે. આજે તો ભાગ્યે જ કોઈ જાતિમાં લગ્ન પ્રસંગે, લગ્ન-ગીતો સાથે વિનોદ ગીતો જેવા ફટાણાં ગવાતા હશે! આજથી થોડા વરસો પહેલાં આપણા ગુજરાતમાં લગ્ન પ્રસંગે, મોટા ભાગની જ્ઞાાતિઓમાં ફટાણાં ગાવાનો રિવાજ બહુ જાણીતો હતો. આ ફટાણાં માટે ધન્યભૂમિ કચ્છ-સૌરાષ્ટ્ર છે. એમ આપણે કહીશું તો કંઈ ખોટું નથી. કચ્છ-સૌરાષ્ટ્રના લોકોની હાસ્યવૃત્તિ બહુ જાણીતી છે. એ લોકો હસાવી જાણનારા છે. હસી જાણનારા છે અને મજાક પણ કરી જાણનારા છે. ખરેખર એ લોકો હાસ્યવૃત્તિ માટે આપણને જરૂર માન ઉપજે!!  એથી ઉલટું ઉત્તર ગુજરાતના કેટલાંક ગામોના એવા પણ દાખલા છે કે જ્યાં ફટાણાંને કારણે કન્યાને પરણવાની વાત એક બાજુએ રહી જતી અને જાન કન્યા વગર પાછી ફરતી! અરે! ફટાણાંને કારણે ત્યાં ધીંગાણા અને તોફાન થયા હોય એવા પણ દાખલા નોંધાયા છે. આવા છૂટક-છૂટક દુ:ખદ બનાવોને કારણે આપણે ત્યાં ફટાણાંં ગાવાનો રિવાજ ઘસાતો ગયો અને હવે તો એમ પણ કહી શકીએ કે તે ઉચ્ચ જ્ઞાાતિમાંથી તો સાવ નીકળી જ ગયો છો!

એક જમાનામાં કાઢિયાવાડના ગામડામાં લગ્ન પ્રસંગે ફટાણાં ગાવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. એ સમયે જ્યારે લગ્નનું ટાણું થાય ત્યારે વરરાજાનો બાપ જાન જોડે અને વેવાઈવેલા અને નજીકના સગાં-સ્નેહીને યાદ કરી-કરીને જાનમાં સૌને સાથે લઈ જાય. વરની વૈલ્ય સાથે પાંચથી દસ ગાડા જાનૈયાના ભરેલા હોય, પાંચ પંદર ઘોડી પણ આગળ-પાછળ ચાલતા હોય, જે જોવાને ગામેગામના પાદરમાંથી લોકોના ટોળે ટોળા વરરાજાની જાનને જોવા ઉમટી પડતા.

ધામધૂમથી જાન કન્યાના ગામ પહોંચે એટલે વાજતે-ગાજતે સામૈયા થાય પછી એક બાજુ ગોરબાપા લગ્નની વિધિ ચાલુ કરે, બીજી બાજુ માંડવે જમણવાર શરૂ થાય ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ, બહુ દબાવી દબાવીને, ઝાપટીને ખાસ વેવાઈ-વર્ગની ફટાણાં ગાઈને તેમની ફિલ્મ ઉતારતી. એ સમય એવો હતો કે મશ્કરી કરવા માટે ગવાતા ફટાણાંમાં કોઈ વેવાઈનું નામ ન આવે તો તેને માઠું લાગી જતું અને સામેથી પ્રશ્ન પૂછાતો કે અમારું નામ કેમ ભૂલી ગયા?! જ્યારે આજે તો સાવ ઉલટી ગંગા છે. કેટલીક જ્ઞાાતિમાં ફટાણાંને અશિષ્ટ ગણીને તેને તિલાંજલિ આપવામાં આવી છે. લગ્ન-પ્રસંગે ફટાણાં ગાવાનો રીવાજ દિન-પ્રતિદિન નામશેષ થવા લાગ્યો છે! આજે તો લગ્ન પ્રસંગે નાચવાનું વધી ગયું છે અને ફટાણાં ગાવાનું ઘટી ગયું છે, જાણે કે આપણે સ્પોર્ટસમેન સ્પિરિટ ઘટી ગયો ન હોય!

આપણે ત્યાં એક જમાનો એવો પણ હતો કે ફટાણાંને કારણે અમુક કુટુંબમાં રીસામણાં પણ થઈ જતા, પણ આવો નાનો વર્ગ હતો. મોટેભાગે તો આ હસાહસનો આનંદ મન મૂકીને લૂંટતા-માણતાં. એ જમાનામાં એકવાર ફટાણાંની રેલમછેલ થાય પછી એને અટકાવવાનું કોઈનું ગજુ નહીં. એમાંય સાળીના લગ્ન પ્રસંગે આવેલા જમાઈરાજ, બીડીના બંધાણી વરરાજા, જલસાપ્રેમી વેવાઈને, પરિહાસનું માધ્યમ બનાવીને, ગુજરાતની ગ્રામ્યનારી ફટાણાં ગાતી, ગામડાંની સ્ત્રીઓ ભલે અભણમાં ખપતી હોય, પણ એમની હૈયા ઉકેલન અને ચતુરાઈમાં આપણે શહેરી લોકો તેમને ન પહોંચી શકીએ. તેઓ પળવારમાં માપ કાઢી લેતી કે વેવાઈ કે વરરાજાના ઘરમાં, સ્ત્રીનું ચલણ છે? પત્ની તેના પતિને ચોવીસ કલાક ખડેપગે ઝંખતી હોય, એવા બૈરાવેલાં જમાઈને તો ફટાણાંમાં બરોબર ઝાપટમાં લેતી! જો કોઈ મિજાજી જમાઈ હોય તો રિસાઈ જતા ટૂંકા મનના વેવાઈઓને ખોટું લાગી જતું ત્યારે એમાંથી ક્યારેક વાત વટે પણ ચડી જતી. આજે તો સમયનો પ્રવાહ નવા જમાના તરફ વહી ગયો છે.

અમુક જ્ઞાાતિમાં મર્યાદા જાળવનારા ફટાણાં ગવાતા તો કેટલીક આદિવાસી જ્ઞાાતિમાં તો સાવ ઉઘાડી ભાષામાં ફટાણાં આજે પણ ગવાય છે, પણ તે મોટા પ્રમાણમાં બીભત્સ તો નથી જ હોતા. હાસ્યરસથી ભરપૂર ફટાણાં ગાવામાં આપણી બહેનોની કલ્પનાની સોળેય કળા ખીલી ઉઠતી નજરે ચઢે છે. આજે પણ તમે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં લગ્ન-પ્રસંગે ગયા હો તો ત્યાં ફટાણાં સાંભળવા મળે તો એ સાંભળવાનો અવસર ચૂકતા નહીં. તમે બહુ નસીબદાર બની રહેશો.

મારું તો માનવું છે કે ફટાણાં હસ્તમેળાપનો પ્રસંગ પતી જાય પછી જ ગાવાને શરૂ કરવાનું રાખવું જોઈએ કારણ કે લગ્ન થઈ ગયા પછી રીસાઈને વર, અણવર કે વેવાઈ-વેવાણ ક્યાં જવાના? કોને કહેવાનાં?


Google NewsGoogle News