ચહેરો નિખારે ચાંદબાલીથી લઈને ઈયર કફસ સુધીના બુટિયા-લટકણિયા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ચહેરો નિખારે ચાંદબાલીથી લઈને ઈયર કફસ સુધીના બુટિયા-લટકણિયા 1 - image


- યે ચાંદ સા રોશન ચેહરા...

ચહેરાની સુંદરતા નિખારવામાં કાનના ઘરેણાંનો ફાળો મેકઅપ કરતાં જરાય ઓછો ન આંકી શકાય. જેમ મૂરઝાઈ ગયેલા ચહેરા પર હળવો મેકઅપ કરવામાં આવે તોય ચહેરો ખીલી ઉઠેલો દેખાય તેમ કાનમાં પહેરવામાં આવતી વિવિધ પ્રકારની બુટ્ટી, લટકણિયાં કે ડુલ જેવા દાગીના ચહેરાને ધ્યાનાકર્ષક બનાવે છે. આજે આપણે વિધવિધ ડિઝાઈનની ઈયર રિંગ્સ વિશે વાત કરીશું.

ચાંદબાલી : 

આ અર્ધચંદ્રાકાર ઈયર રિંગ્સ માનુનીના ચહેરાને પૂર્ણ ચંદ્રની જેમ નિખારે છે. આ પરંપરાગત ડિઝાઈનને રત્નો અને મોતીથી પણ શણગારવામાં આવે છે. ખાસ કરીને તેની સાથે લટકાવવામાં આવતું મોતી કે હીરા મઢ્યું લટકણિયું ચાંદબાલીને અનોખું આકર્ષણ આપવા સાથે ચહેરાને પૂર્ણિમાના ચંદ્રની જેમ ખિલવે છે. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે અનારકલી કે લહંગા સાથે ચાંદબાલી ખૂબ જચે છે.

ટેસલ ઈયર રિંગ્સ : 

નાની નાની સેરને ઝુમ્મરના આકારમાં ગોઠવીને બનાવવામાં આવતી ઈયર રિંગ્સ માનુનીના ચહેરાને ગજબનું આકર્ષણ બક્ષે છે. ખાસ કરીને શ્વેત, ફોન, આસમાની, ગુલાબી કે પીચ જેવા હળવા રંગના પોશાક સાથે ટેસલ ઈયર રિંગ્સ અત્યંત સુંદર લાગે છે.

ફેધર ઈયર રિંગ્સ :

 રાજસ્થાની પોશાકમાં આપણને રંગબેરંગી ફૂમતા અચૂક જોવા મળે. પણ ફેશનેબલ પામેલાઓ આવા ફૂમતા, એટલે કે ફેધર લટકાવેલી ઈયર રિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. આવા બુટિયા દેખાવમાં મોટા અને લાંબા હોવા છતાં તેનું વજન નહીંવત્ હોવાથી ફેધર ઈયર રિંગ્સ આખો દિવસ પણ પહેરી રાખી શકાય છે.

ઈયર કફસ : 

ઘણી રમણીઓને માત્ર ઈયર રિંગ્સ પહેરીને સંતોષ નથી થતો. તેઓ આખા હારબંધ રીતે વિંધાવીને તેમાં નાની નાની વાળી જેવી રિંગ્સ પહેરે છે. જોકે જેમને કાનમાં આટલાં બધાં છેદ કરાવ્યા વિના આખા કાન ઢંકાઈ જાય એવું ઘરેણું પહેરવું હોય તેમને માટે ઈયર કફસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને માટે કાન વિંધાવવાની જરૂર નથી પડતી. આજની તારીખમાં ઈયર કફસ અનેકવિધ ડિઝાઈનમાં મળી રહે છે. જોકે આપણા દેશમાં દશકોથી માછલી કે મોરની ડિઝાઈનના ઈયર કફસ પહેરવાથી પ્રથા ચાલી આવે છે. આ પરંપરાગત ડિઝાઈન સાડી અને ચણિયા-ચોળી સાથે ખૂબ આકર્ષણ જમાવે છે. જ્યારે આધુનિક ડિઝાઈનના ઈયર કફસ કોઈપણ પોશાક સાથે પહેરી શકાય છે.

ડ્રોપ ઈયર રિંગ્સ :

 વિવિધ ડિઝાઈનની હીરા, મોતી, માણેક કે સોનાની બુટ્ટી નીચે એક મોટું મોતી, સોનાનો બોર, મોટો હીરો કે પછી રત્ન લટકાવી દેવામાં આવે તેનું નામ ડ્રોપ ઈયર રિંગ્સ. આ પ્રકારની બુટ્ટી પામેલાને એલિગન્ટ લુક આપે છે.


Google NewsGoogle News