Get The App

નવવધૂની નજાકત વધારતી બ્રાઈડલ પ્લાસ્ટી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
નવવધૂની નજાકત વધારતી બ્રાઈડલ પ્લાસ્ટી 1 - image


લગ્નના દિવસે જ્યારે સોનાલી લાલ રંગના દુલ્હનના પોશાકમાં સ્ટેજ પર આવી તો તેનો વરરાજો મુકુલ તો જાણે આભો જ બની ગયો. આટલું બધું પરિવર્તન !  શું આ મેકઅપનો કમાલ હતો કે પછી સોનાલી પર કુદરત મહેરબાન થઈ ગઈ છે. મુકુલે જ્યારે સોનાલીને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે આ બ્રાઈડલપ્લાસ્ટીનો જાદૂ છે જેને લીધે તે આટલી સુંદર દેખાઈ રહી છે. 

બ્રાઈડલપ્લાસ્ટી એટલે શું?

સામાન્ય ભાષામાં તેને બ્રાઈડલ મેકઑવર પણ કહે છે. જે એક પ્રકારની મેકઑવર પ્રક્રિયા છે. જેમાં ચહેરાથી લઈને ફિગરને મનપસંદ આકાર આપવાનું કામ કરવામાં આવે છે. એટલે કે કોઈને કેટરિના જેવા હોઠ ગમતા હોય, શિલ્પા શેટ્ટી જેવું ફિગર ગમતું હોય કે દીપિકા પદૂકોણ જેવી સ્માઈલ ગમતી હોય તો આ બધી જ ઇચ્છાઓ બ્રાઈડલપ્લાસ્ટી દ્વારા પૂરી કરી શકાય છે. આમાં વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમ કે,...

બોટોક્સ કોસ્મેટિક્સ

આજકાલ આ થેરપીનું ચલણ વધારે છે. જેનો પ્રયોગ ત્વચાને વધુ યુવાન અને સુંદર બનાવવા માટે થાય છે. કપાળ અને આંખોની આસપાસ રહેલી કરચલીઓ દૂર કરવા માટે આ થેરપી અત્યંત લાભદાયક નીવડી છે. તેથી જો તમે પણ આવી સમસ્યા અનુભવી રહ્યા હો તો યોગ્ય પરિણામ માટે લગ્નના બે-ત્રણ સપ્તાહ પૂર્વે જ આ થેરપીનો લાભ લઈ લેવો.

રીસ્ટાઇલૅન રેડિયન્સ જુવેડર્મ

આ એક પ્રકારનું ડર્મલ ફિલર છે જેને ઇન્જેકશનની મદદથી ત્વચાના એ ભાગોમાં ભરવામાં આવે છે જ્યાં ઉંમરની અસર છૂપાવવી હોય. દાખલા તરીકે હોઠ જો પાતળા હોય તો તેને ભરાવદાર બનાવવા માટે, આંખોની કિનાર પરની કરચલીઓ છૂપાવવા માટે આ પ્રયોગ ખૂબ જ સારું પરિણામ આપે છે. 

સ્પાઈડર વૅન રિમૂવલ

મોટેભાગે કમજોરી અથવા હોર્મોનલ બદલાવને લીધે શરીરની નસો ઉપસેલી દેખાય છે. ખાસ કરીને હાથ અને પગમાં જ્યારે આ નસો ઉભરી આવે ત્યારે ચહેરો ખૂબસૂરત હોવા છતાં બધી મજા બગડી જાય છે. સ્પાઈડર વૅન રિમૂવલ પ્રક્રિયામાં પણ માત્ર એક ઇન્જેકશન દ્વારા આ ઉપસી આવેલી નસોને દબાવી દેવામાં આવે છે.

લિપોસકશન

આ એક લાંબી પ્રક્રિયા છે જે લગ્નના ચાર મહિના પહેલાથી શરૂ કરવામાં આવે તો લગ્નને દિવસે ઇચ્છિત પરિણામ જોવા મળે છે. આ પ્રક્રિયામાં વધારાની ચરબી દૂર કરવામાં આવે છે. જાંઘ, કમર, નિતંબ, પેટ વગેરે અવયવો પરની ચરબી આ થેરપી દ્વારા દૂર કરવામાં આવે છે. જોકે આ લાંબી પ્રક્રિયા હોવાથી તે કોઈ યોગ્ય નિષ્ણાત પાસે જ કરાવવી. અને એ પૂર્વે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.

મીઝોથેરપી

જો તમે પર્ફેક્ટ બ્રાઈડલ લુક મેળવવાની ઇચ્છા રાખતા હો, પણ કોઈ સર્જરી કરાવવાથી ડરતા હો તો મીઝોથેરપી એક ઉત્તમ પર્યાય છે. કારણ કે તેમાં ત્વચા પર કોઈ કાપો કે ચીરો પાડવામાં નથી આવતો. માત્ર ઇન્જેકશન જ પૂરતું છે. 

સ્થૂળ શરીરને લીધે તમે લહેંગો-ચોલી પહેરતા ગભરાતા હો તો આ થેરપી ઉપયોગી થઈ પડશે. એ સિવાય ઢીલી પડી ગયેલી ત્વચામાં કસાવ લાવવા માટે, ડાઘ-ધબ્બા દૂર કરવા માટે, ખરતા વાળ રોકવા માટે મીઝોથેરપીનો પ્રયોગ થાય છે. આમાં શરીરના એ જ ભાગ પર ઇન્જેકશન આપવામાં આવે છે જ્યાં ચરબીના થર વધુ જામી ગયા હોય. પરંતુ આ થેરપી લીધા બાદ જો તમે બેદરકારી દાખવશો અને ખાવા-પીવામાં ધ્યાન નહિ રાખો તો સ્થૂળતાને લીધે ચરબીના થર ફરી પાછા જામી જશે.

વાઈટલાઈઝ પીલ

તડકો અને ધૂળને લીધે નિસ્તેજ થઈ ગયેલી ત્વચાના ઉપલા પડને વાઈટલાઈઝ પીલ વડે ઉતારવામાં આવે છે જેથી નીચલા પડમાં રહેલી ચમકદાર ત્વચા ચહેરાને એક નવી રોનક પ્રદાન કરે. 

આ પક્રિયા લગ્નના બે સપ્તાહ પહેલા કરાવવી જોઈએ અને ત્યારબાદ તડકામાં બહાર નીકળવું નહિ. 


Google NewsGoogle News