Get The App

ગ્રીષ્મ ઋતુમાં ખીલે બ્રા ટોપનો ટ્રેન્ડ .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ગ્રીષ્મ ઋતુમાં ખીલે બ્રા ટોપનો ટ્રેન્ડ                          . 1 - image


- બસ્ટિયર્સ ગરમીમાં રાહત સાથે આપે સેક્સી લુક

એક સમયમાં માત્ર આંતરવસ્ત્ર તરીકે પહેરાતી બ્રા હવે ડિઝાઇનર લુક સાથે બાહ્ય પરિધાન તરીકે પહેરાય છે. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં તેની ફેશન પૂરબહારમાં ખીલે છે. જાહેર પરિવહનમાં પણ ્સ્લીવલેસ ટોપમાંથી બ્રેસિયરના  સ્ટ્રેપ દેખાય એ હવે સામાન્ય થઇ ગયું છે. પણ ગરમીમાં બંધ ગળા કે લાંબી બાંયના વસ્ત્રોમાં થતી અકળામણમાંથી રાહત મેળવવા માનુનીઓ નિ:સંકોચપણે બ્રા ટોપ પહેરે છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે આ મોસમમાં બ્રાને ટોપ તરીકે સિફતપૂર્વક પહેરવામાં આવે તો તે ભદ્દુ નથી લાગતું. બલ્કે ડિઝાઇનર દેખાય છે. તેઓ બ્રા ટોપ કેવી રીતે પહેરવા તેના વિશે માહિતી આપતાં કહે છે.....,

તમારી લેસવાળી બ્રેસિયર પર તેવા જ રંગનું પારદર્શક ટોપ પહેરો. તેની નીચે પેન્ટ પહેરી લો. પારદર્શક ટોપમાંથી દેખાતી બ્રા આંતરવસ્ત્ર જેવી પણ નહીં લાગે. અને તમને સેક્સી લુક મળશે. તમે તમારી સ્પોર્ટ્સ બ્રા નીચે અમ્બ્રેલા પેટર્નનો પેટિકોટ પહેરી લો. બ્રા ઉપર બટન વગરનું  શર્ટ જેવું ખુલ્લું ટોપ પહેરો. જોે આ ટોપ ટૂંકુ, એટલે કે ડુંટીથી પણ ઉપર આવતું હોય તો તેને નીચેના બંને છેડેથી સરસ ગાંઠ મારીને આકર્ષક લુક આપી શકાય. આવા ટોપ સાથે તમે ખુલતુું સ્કર્ટ કે જિન્સ પણ પહેરી શકો. 

હમણાં ઘણાં સમયથી પલાઝોની ફેશન માનુનીઓને બહુ વહાલી લાગી રહી છે. વળી ગરમીના દિવસોમાં આ ખુલતી પેન્ટ ઘણી રાહતદાયક લાગે છે. તમે પ્રિન્ટેડ પલાઝો પર તમારી  કોટનની સાદી  બ્રા પહેરી લો. અલબત્ત, તે તમારા પલાઝોની ડિઝાઇનના કોઇક રંગ સાથે મેચ થતી હોવી જોઇએ. હવે તેની સાથે પારદર્શક દુપટ્ટો લઇ લો. 

શોર્ટ્સ સાથે પણ બ્રા ટોપ પહેરી શકાય. જેમ કે તમે કાળા રંગની શોર્ટ્સ પહેરો તો તેની સાથે  કટોરીના ઉપરના ભાગમાં બ્લેક કલરની પાઇપીન લગાવેલી હોય એવું બ્રેસિયર ટોપ પહેરો. જો તમને આ ડ્રેસ વધારે પડતું ખુલ્લું લાગે તો બ્રા ટોપ પર અન્ય પારદર્શક ટોપ પહેરી લો. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે આ સીઝનમાં સ્પોર્ટ્સ બ્રા સૌથી ફેવરિટ ગણાય છે. વાસ્તવમાં તે ક્રોપ ટોપ જેવો લુક આપે છે. પરંતુ ક્લાસિક લેસ બ્રા પણ  પારદર્શક ટોપ નીચે પહેરવાથી ખૂબ સુંદર દેખાય છે. તેઓ વધુમાં કહે છે કે ભારતમાં પેટિકોટ દેખાડવાની ફેશન પણ છે. તેથી જ અમે સિલ્ક કે શાટિનના પેટિકોટ બનાવીએ છીએ. ફેશનેબલ યુવતીઓ કે નવવધૂઓ સુધ્ધાં તેમની ઝીણી સાડી નીચે આવા પેટિકોટ પહેરે છે. એક સમયમાં કોલકત્તાના વર્ક કરેલા પેટિકોટ ગુજરાતી માનુનીઓમાં અત્યંત પ્રિય હતાં. તેઓ કોલકત્તા જતાં-આવતાં સંબંધીઓ પાસેથી કોલકત્તાની સાડી કરતાં પટિકોટ વધુ માગાવતી. તેવી જ રીતે કેટલાંક ફેરીવાળા ખાસ આવા ચણિયા વેચવા આવતાં ત્યારે તેમના  પેટિકોટ ચપોચપ વેંચાઇ જતાં. 

ડિઝાઇનર કે વિવિધ  મટિરિયલના  બ્લાઉઝ પહેરવાની ફેશન શરૂ થઇ  તેનાથી પહેલા મહિલાઓ માત્ર રિકો ફેબ્રિકના બ્લાઉઝ પહેરતી. રિકો મટિરિયલ પ્રમાણમાં ઘણું ઝીણું રહેતું. તેથી તેમાં સફેદ, ક્રીમ, ગુલાબી, લેમન જેવા રંગોના બ્લાઉઝ પારદર્શક જેવા જ લાગતાં. આવા બ્લાઉઝમાં સ્ત્રીઓ ડિઝાઇનર બ્રેસિયર પહેરતી. તેથી એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી કે આધુનિક યુવતીઓ જ બ્રા ટોપ પહેરવાનું પસંદ કરે છે. આ ફેશન ઘણાં દાયકાઓથી ચાલી આવે છે. ફરક માત્ર એટલો કે તે વખતે સાડી પહેરાતી તેથી તેની ફેશન આંખે ઉડીને નહોતી વળગતી. જ્યારે આજે તે તરત જ નજરે ચડે છે. 

મહત્વની વાત એ છે કે એક સમયમાં ભારતમાં બ્રેસિયર અથવા કહો કે આંતરવસ્ત્રો પહેરવાનું ચલણ જ નહોતું. આ ટ્રેન્ડ પશ્ચિમી સંસ્કૃતિની અસર હેઠળ શરૂ થયો. આજે  પણ ભારતના કેટલાંક ભાગોમાં વયસ્ક મહિલાઓ આંતરવસ્ત્રો પહેર્યા વિના જ માત્ર સાડી વીટાળે છે. અલબત્ત, તેમની સાડી પહેરવાની રીત અનોખી હોય છે. પરંતુ સમય સાથે ઘણું બદલાયું છે. અને યુવાન છોકરીઓ આંતરવસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખે છે. પરંતુ ફેશનેબલ યુવતીઓ બ્રા કે બસ્ટિયર્સેને જ બાહ્ય પરિધાન તરીકે પહેરીને ગરમીમાં રાહત મેળવે છે.

જોકે ફેશન ડિઝાઇનરો ચોક્કસ બાબતો તરફ અંગુલીનિર્દેશ કરતાં કહે છે કે ફોર્મલ કે પ્રોફેશનલ મેળાવડામાં આ પ્રકારના ટોપ અયોગ્ય ગણાય. તમે બીચ પર જતાં હો કે ઇવનિંગ પાર્ટી મનાવતાં હો ત્યારે તે સરસ લાગે. બાકી સ્લીવલેસ ટોપમાંથી બ્રાના સ્ટ્રેપ દેખાય તેમાં હવે યુવતીઓને કોઇ સંકોચ નથી થતો.

Tags :