સૌંદર્ય પ્રસાધનો પાછળ નાણાં ખર્ચવા અને વેડફવા વચ્ચેનો

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સૌંદર્ય પ્રસાધનો પાછળ નાણાં ખર્ચવા અને વેડફવા વચ્ચેનો 1 - image


- ફરક સમજો

મેકઅપ કરવાની વાત પર કોઈપણ રમણીનો ચહેરો ખિલી ઉઠે. ખૂબસુરત યુવતીને પણ સહેજ શ્રૃંગાર કરીને વધારે સુંદર દેખાવાનું મન થાય. આવી સ્થિતિમાં તે સૌંદર્ય પ્રસાધનો ખરીદવા લલચાય તેમાં શી નવાઈ?

જોકે વિડંબણા એ છે કે તે મેકઅપ માટે બે કૉસ્મેટિક ખરીદવા જાય અને લઈ આવે ચાર. આ રીતે વારંવાર થાય ત્યારે તેને પોતાને પણ ખબર ન પડે કે તેણે જે સૌંદર્ય પ્રસાધનોની જરૂર જ નહોતી કે પછી ભાગ્યે જ જરૂર પડવાની હતી તેની પાછળ કેટલાં રૂપિયા વેડફી નાખ્યાં. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આવું ન બને તેને માટે વિશેષ કાળજીની જરૂર રહે છે. સૌંદર્ય પ્રસાધનો ખરીદવાથી પહેલા કેટલાંક લેખાજોખા કરી લેવામાં આવે તો ઘણાં નાણાં બચાવી શકાય. જેમ કે...,

* સૌંદર્ય પ્રસાધનો વિષયક જાહેરાતો અને તેના સુંદર પેકેજિંગ તમને જે તે કૉસ્મેટિક ખરીદવા લલચાવે છે. પરંતુ આવા કોઈપણ પ્રભાવમાં આવીને કૉસ્મેટિક્સ ખરીદતી વખતે સહેજ થોભો અને વિચારો કે શું મને ખરેખર આની જરૂર છે? શું હું ક્યારેય તેનો ઉપયોગ કરીશ ખરી? જો તમારું મન-મગજ આનો જવાબ 'ના'માં આપે તો સંબંધિત કૉસ્મેટિક ખરીદવાનું માંડી વાળો.

* કોઈપણ સૌંદર્ય પ્રસાધન ખરીદવાથી પહેલા તેનો શેડ તમારી ત્વચાને અનુરૂપ છે કે કેમ તે તપાસી લો. ખાસ કરીને કંસીલર, ફાઉન્ડેશન અને લિપસ્ટિક જેવા કૉસ્મેટિક્સ લેતી વખતે આ બાબત ધ્યાનમાં લો. લગભગ દરેક સ્ટોરમાં ટેસ્ટ માટે અલાયદા રાખવામાં આવતાં કૉસ્મેટિક્સ સલામત હોય છે. વળી તમને તે માત્ર અડધી મિનિટ જેટલા સમય માટે લગાવીને લૂછી નાખવાના હોય છે. માત્ર આટલી જહેમત લેવાથી તમે ખોટો શેડ લેવાનું ટાળીને તમારા નાણાં બચાવી શકશો.

* કૉસ્મેટિક્સ ખરીદતી વખતે મોટાભાગની મહિલાઓ એમ માનીને ચાલતી હોય છે કે માત્ર મોંઘી બ્રાન્ડના સૌંદર્ય પ્રસાધનો જ તેમની ત્વચા માટે શ્રેષ્ઠ ગણાશે. જોકે આ વાત હમેશાં સાચી નથી હોતી. ઘણી નાની અને ઓછી જાણીતી બ્રાન્ડના સૌંદર્ય પ્રસાધનો પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં હોય છે. તેથી પ્રૉડક્ટ ખરીદતી વખતે તેની બ્રાન્ડ એમ્બેસેડર કઈ સેલિબ્રિટી છે તેના વિશે વિચારવાને બદલે એ જ શેડ અન્ય કોઈ નાની છતાં ગુણવત્તાસભર બ્રાન્ડમાં મળે છે કે કેમ તે તપાસી લેવું. અને જો તમને જોઈતો શેડ તેમાં ઉપલબ્ધ હોય તો મોટી બ્રાન્ડનો મોહ ન રાખવો.

* કેટલાંક ઉત્પાદનોમાં તમને સોંઘી બ્રાન્ડ નથી મળતી. અને તમને તે ખરીદવાની તીવ્ર ઇચ્છા હોય તો સેલ પર નજર રાખો. તમને જે જે પ્રોડક્ટ ખરીદવા હોય તેની યાદી બનાવી રાખો. અને જ્યારે ઓનલાઈન સેલ આવે ત્યારે તે ખરીદવાની તક ઝડપી લો. આમ તમે મર્યાદિત ખર્ચમાં તમારું મનગમતું ઉત્પાદન ખરીદી શકશો.

* કેટલીક વખત તમારી પાસે ચોક્કસ સૌંદર્ય પ્રસાધન પડયાં હોય તોય એ જ ઉત્પાદન ફરીથી ખરીદવાની ઇચ્છા જાગે છે. ખાસ કરીને તેનાથી વધુ સારી બ્રાન્ડ વિશે જાણવા મળે ત્યારે. જોકે બ્રાન્ડ કોઈપણ હોય, ચોક્કસ શેડ તમને એટલી જ સુંદરતા બક્ષશે. બહેતર છે કે તમારી પાસે જે કૉસ્મેટિક પડયું હોય તેની પાછળ ફરીથી ખર્ચ કરવાને બદલે તેનો જ ઉપયોગ કરો.

* મધ, દહીં, ઑટમીલ, ઍવોકૅડો જેવી વસ્તુઓથી પ્રાકૃતિક ફેસ માસ્ક બનાવીને તમે તમારો ચહેરો ચમકાવી શકો છો. જરૂરી નથી કે તમે બજારમાં મળતાં મોંઘાદાટ માસ્ક ખરીદો.

* નિયમિત રીતે મેકઅપ લગાવતી યુવતીઓને મેકઅપ રીમૂવર પાછળ ખાસ્સો ખર્ચ કરવો પડે છે. પરંતુ તેઓ આ ખર્ચ બચાવી શકે છે. તમે મેકઅપ રીમૂવ કરવા માટે કોપરેલ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તે મેકઅપ રીમૂવરની તુલનામાં ઘણું સોંઘુ હોય છે. વળી તેનો ઉપયોગ કરવાથી ત્વચાને પોષણ મળે છે તે છોગામાં.

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News