વરસ પૂરું થવા પૂર્વે નવા વરસ માટે અગત્યની યાદી બનાવો
સમયને જાણે પાંખો આવી હોય તેમ ૨૦૨૩નું વર્ષ પણ પૂરું જોતજાતામાં પૂરું થવા આવ્યું છે. જીવનનો પ્રત્યેક દિવસ, દરેક ક્ષણ આપણને કાંઇક નવુ શીખવે છે, નવો અનુભવ કરાવે છે. સમયના ઝપાટાભેર ઘુમતા ચક્કરમાં ઘણાં ચડાવઉતાર આવે છે. જીવનમાં નવા લોકોનો સાથ મળે છે તો કોઇકનો સથવારો છૂટે છે. પણ જીવન તો ચાલતું જ રહે છે. નવા વર્ષનો આરંભ થાય ત્યારે ઘણાં લોકો નવા નવા નિશ્ચયો કરે છે અને થોડાં દિવસ તેનો અમલ કર્યા પછી બધું ભૂલાઇ જાય છે. પણ આપણે અહીં પોતાની જાતને નવા બંધનોમાં બાંધવાની વાત નહીં કરીએ, પણ આ વર્ષમાં આપણે જે મેળવ્યું, જેના થકી મેળવ્યું તેનો આભાર માનવાની, તેમને સંભારીને બીજી કોઇક રીતે તેમને કાંઇક આપવાની વાત કરીશું. આપવાનો અર્થ માત્ર એવો નથી થતો કે તમે કોઇને મોંઘીદાર ભેટ લઇ આપો. તેનું મન તરબતર થઇ જાય, તમને યાદ કરીને તેના ચહેરા પર સ્મિત છવાઇ જાય એવું કાંઇક પણ તમે કરી શકો. આ સિવાય તમે વર્ષ ૨૦૧૪માં શું મેળવ્યું, શું ગુમાવ્યું,શું આપ્યું, શું લીધું જેવી ઘણી વાતો સંભારી શકો છો. તો શા માટે તમે આવી બાબતોની એક યાદી તૈયાર ન કરી લો જે તમને વર્ષ૨૦૧૫માં પણ ખપ લાગે. આ વર્ષમાં કરેલી ભૂલો ફરીથી ન થાય તેનું ધ્યાન રહે, તમને કામ આવેલા લોકોને મદદ કરવાની તક ઝડપી લેવાનું ધ્યાન રહે. તો ચાલો આપણે આજે આવી કઇ કઇ બાબતોની યાદી બનાવી શકાય તેની વાત માંડીએ.
મિત્રો-સંબંધીઓની યાદી:
આજની તારીખમાં મિત્રો બનાવવાનું જેટલું આસાન બન્યું છે એટલું અગાઉ ક્યારેય નહોતુ. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર તમે પણ ઘણાં મિત્રો બનાવ્યા હશે. આમાંનો કોઇને તમે મળ્યા હશો તો મોટાભાગના લોકો સાથે ઓનલાઇન સંપર્ક જાળવી રાખ્યો હશે. આમ છતાં તેમાંના કોઇએ તમને તમારા મુશ્કેલ સમયમાં સધિયારો આપ્યો હશે. તેવી જ રીતે તમારા આપ્તજનોએ તમારી નાની નાની બાબતોની કાળજી લીધી હશે, તમારી પાછળ તન-મન-ધનથી ઘસાયા હશે. આવા લોકોની એક સૂચિ તૈયાર કરો અને તેમનો આભાર માનો. માત્ર મોઢેથી નહીં, પણ તેમને ભેટ-સોગાદ આપીને, તેમને કાર્ડ મોકલીને, તેમને સરસ મઝાનો પત્ર લખીને, તેમને લંચ અથવા ડિનર માટે બહાર લઇ જઇને પણ તમે તેમનો આભાર માની શકો. તમે તેમને સંદેશો મોકલીને પણ જણાવી શકો કે તમારા જીવનમાં તેમનું આગવું મહત્વ છે અને તેમણે વર્ષભરમાં તમને ઘણીવાર હસાવ્યા છે, તમારી ખુશીનું કારણ બન્યા છે.
અંગત સિધ્ધિઓની સૂચિ:
તમે વ્યવસાય ક્ષેત્રે, અધ્યાત્મક્ષેત્રે, બૌધ્ધિક ક્ષેત્રે કે શારીરિક રીતે કોઇપણ સિધ્ધિ હાંસલ કરી હોય તો તેની યાદી બનાવો. જો તમને નોકરીમાં બઢતા મળી હોય તો તેને પણ આ યાદીમાં ઉમેરો. આ સૂચિ તમને ગર્વનો અનુભવ કરાવશે. એટલું જ નહીં વધુ સફળતા મેળવવા તમે બીજા વર્ષે વધારે મહેનત કરવા પ્રેરાશો. તેવી જ રીતે જો તમે તમારા જીવનસાથી સાથે વધારે સમય વિતાવ્યો હોય અને તેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હોય, તમે વધુ રોમાંટિક બન્યા હો તો તેની નોંધ પણ રાખો. જેથી કરીને નવા વર્ષે જો તમે થોડા પણ રુક્ષ થવા જાઓ તો તમને આ લખાણ એ વાતની યાદ તાજી કરાવે કે સાથે સમય વિતાવવાથી તમે દિલથી કેટલા ખુશ રહ્યાં હતાં. જ્યારે તમે આવી યાદી તૈયાર કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમે જે પ્રાપ્ત કર્યું છે તે તમે ધાર્યું હતું તેના કરતાં ઘણું વધારે છે અને તમે નવા વર્ષમાં તેનાથી પણ વધુ મેળવી શકો તેમ છો. વાસ્તવમાં આ યાદી તમારી ક્ષમતાનો આઇનો બની રહેશે.
ભૂલો અને તેમાંથી મળેલો બોધપાઠ:
આપણી મોટાભાગની નિષ્ફળતાઓ આપણી જાણીઅજાણી ભૂલોને આભારી હોય છે. અને દરેક ભૂલ આપણને કાંઇક શીખવતી હોય છે. આ ભૂલચૂકોની એક યાદી તૈયાર કરો અને પછી વિચારો કે તમારાથી આ ભૂલ શી રીતે થઇ કે પછી કઇ રીતે કોઇએ તમને ફસાવ્યા. જેથી નવા વર્ષમાં તમે આ ભૂલોનું પુનરાવર્તન ન કરો, કોઇની બિછાવેલી જાળમાં ફરીથી ફસાઇ ન જાઓ.
ક્યારે ક્યારે હસ્યા:
તમે ક્યારે ક્યારે હસ્યા કે તમારા ચહેરા પર કઇ કઇ વાતે સ્મિત રેલાયું તેની યાદી અચૂક બનાવો. અલબત્ત, આ કામ થોડું અઘરું છે. પણ જ્યારે તમે આવા બનાવો યાદ કરીને લખવા બેસશો ત્યારે તો તમારા ચહેરા પર સ્મિત ફરી જ વળશે, પણ જ્યારે તમે નવા વર્ષમાં આ યાદી પર નજર ફેરવશો ત્યારે જો તમે જીવનને અત્યંત ગંભીર રીતે લઇ લીધું હશે તો તમને એ વાતનો ખ્યાલ આવશે કે હળવા રહેવા હસવું કેટલું જરુરી છે.
નિ:સ્વાર્થ સમર્પણ :
જો તમે કોઇને ચૂપચાપ મદદ કરી હશે કે કોઇને ખપ લાગ્યા હશો તો તમને સહેજે એમ થશે કે આવી યાદી તૈયાર કરવી એ તો છીછરાપણું કહેવાય. તમારી આ વાતમાં તથ્ય છે તોય એક વાત ચોક્કસ છે કે જો તમે કોઇના ચહેરા પર સ્મિત લાવવાનું કારણ બન્યા છો કે પછી તમે કોઇને સહાય કરી છે તો તેની યાદી તમને નવા વર્ષમાં પણ ફરીથી આવા કાર્યો કરવા પ્રેરશે. વળી આ યાદી માત્ર તમને ફરીથી પ્રોત્સાહિત કરવા માટે જ છે. અન્યોને બતાવવા નહીં.