Get The App

દિવાળી માટે વસ્ત્રો-ઘરેણાં ખરીદવામાં ખબરદારી રાખો

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
દિવાળી માટે વસ્ત્રો-ઘરેણાં ખરીદવામાં ખબરદારી રાખો 1 - image


- તહેવાર અને લગ્નની ખરીદી વચ્ચેની ભેદરેખા પારખી લો

દિવાળી આવવાને હવે ઝાઝી વાર નથી ત્યાં નાના મોટા સ્ટોર્સમાં 'દિવાલી સ્પેશ્યલ' વસ્ત્રો, એકસેસરીઝ, ઘરેણાં, જૂતાં, સાડીઓનો ખડકલો થઈ ગયો છે. દર દિવાળીએ બજારમાં એટલી નવીનતા ઉમેરાય છે કે ખરીદારને મુંઝવણ થાય કે આ લઉં કે તે લઉં? દિવાળીના દિવસોમાં પૂજા અને સંબંધીઓને મળવા જવાનું આ બે વસ્તુ દરેક કુટુંબમાં જોવા મળે છે. દિવાળીની ખરીદી સામાન્ય રીતે બહેનો થોડી વહેલી જ શરૂ કરી દે. તેમાંય જો દરજી પાસે જઈને બ્લાઉઝ અથવા ડ્રેસ સીવવા આપવાનો હોય તો ખરીદી થોડી વહેલાસર જ શરૂ કરી દેવી પડે. મોટા નાના સ્ટોરમાં ડિઝાઈનરો યુવાન - યુવતીઓ માટે ખાસ કાંઈક નવું લાવ આમ છતાં આ તહેવારમાં પશ્ચિમ પહેરવેશ કરતાં પરંપરાગત વસ્ત્રોની જ બોલબાલા રહે છે.

દિવાળી પછી તરત લગ્નની મોસમ શરૂ થઈ જાય છે. એટલે એક વાત ખાસ યાદ રાખવી પડે કે દિવાળીના વસ્ત્રોની પસંદગી એટલે લગ્નના ઝાકઝમાળવાળા પરિધાનનું રિહર્સલ. દિવાળીના વસ્ત્રો લગ્ન માટે લઈએ તેના કરતાં થોડાં વધારે સાદા હોવા જોઈએ. આ તહેવારમાં તમે એટલું બધું અને એવું ન પહેરો કે તમે 'ક્રિસમસ ટ્રી' જેવાં દેખાઓ.

દિવાળીના તહેવારમાં પહેરવા માટે પ્રથમ પસંદગી એટલે સુંદર અને આકર્ષક છતાં સાદુ અને સુવિધાજનક સિલ્ક. માનુનીઓ માટે સિલ્કની સાડી જેટલું સુંદર પરિધાન આ તહેવાર માટે બીજું કોઈ ન હોઈ શકે. તેવી જ રીતે પુરુષો માટે શેરવાની દિવાળીમાં બેસ્ટ સેલર ગણાય છે. સાડી અને શેરવાનીનો સુમેળ થાય તો દંપતિ ખીલી ઊઠે. યુવતીઓ માટે થોડું ભરતકામ કરેલા દુપટ્ટા સાથે સિલ્કની પ્લેન કુરતી અને પાયજામો બેસ્ટ રહેશે. જો તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો દુપટ્ટાને સ્થાને હલકું ભરતકામ કરેલી શાલ દુપટ્ટાની ગરજ પણ સારશે અને તમને હુંફ પણ મળી રહેશે.

તેવી જ રીતે પુરુષો માટે સૌથી સારો વિકલ્પ સલવાર-કુરતા છે. પુરુષો માટે લાંબો કુરતો અને પાયજામો. કુરતામાં હલકું ભરતકામ અને આકર્ષક બટન કુરતા ઉપર ઘરેણાં ટાંકયા હોય એવો દેખાવ આપશે. પણ કુરતો ખરીદતી વખતે અથવા સીવડાવતી વખતે તેમાં ચેક બુક સમાઈ જાય એટલું લાંબુ ખિસ્સું છે કે નહીં તે તપાસી લેવું બહુ જરૂરી છે. આ ઉપરાંત ઘણાં ડિઝાઈનરો ઘેરા રંગના કુરતા સાથે લુંગીની જોડી પણ રચે છે. કુરતા - પાયજામા તેની સાથે મેળ પાડતાં ચપ્પલ વધારે આકર્ષક દેખાશે મોજડી પહેરવાની ઈચ્છા લગ્નગાળામાં પુરી કરી લેજો. દિવાળીના તહેવારમાં મોજડી થોડી વધારે પડતી ગણાશે.

કોઈપણ તહેવારમાં પહેરવેશની બાબતમાં જેટલાં વિકલ્પો સ્ત્રીઓ માટે ખુલ્લા હોય છે. એટલું સિલેકશન પુરુષોને નથી મળતું. સાડી, સલવાર - કુરતા, લહંગા જેવી અનેકવિધતા સ્ત્રીઓના પરિધાનમાં જોવા મળે છે. ફેશન ડિઝાઈનરો પણ દ્રઢપણે કહે છે કે સાડી સૌથી સુંદર સિલેકશન છે. પણ પરંપરાગત સાડી સાથે આધુનિક ડિઝાઈનનું બ્લાઉઝ સાડીને નવો જ ઓપ આપશે. બ્રોકેડનું અથવા ક્રોશિઓનું બનાવેલું બ્લાઉઝ લેટેસ્ટ ટ્રેન્ડ છે. જો તમે સલવાર - કુરતો પહેરવાનો વિચાર કરતાં હો તો ટૂંકી કુરતી કરતાં લાંબો કુરતો પરંપરાગત દેખાશે જે દિવાળીના તહેવારને અનુરૂપ હશે. પણ લાંબો કુરતો સાવ ઢીલો હશે તો ગુણપાટ જેવો દેખાશે. તેથી કુરતાનું કટીંગ - ફીટીંગ તમારા શરીર પર શોભી ઊઠે એવું હોવું જોઈએ તેવી જ રીતે બ્લાઉઝનું ફીટીંગ પણ સારું નહીં હોય તો તમે ગમે તેટલી સુંદર સાડી પહેરી હશે તોય તેની મઝા મરી જશે. તેવી જ રીતે લગ્નમાં પહેરી શકાય એટલા ભારે વસ્ત્રો પણ દિવાળીમાં ન પહેરવા જોઈએ. પુરુષોએ દિવાળીમાં સુટ તો બિલકુલ ન પહેરવો જોઈએ.

સુંદર વસ્ત્ર પરિધાન સાથે મેળ ખાતી એકસરીઝ તમને સંપૂર્ણ લૂક આપે છે. એટલું જ નહીં એકેસરીઝ જે તે વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય આપે છે. સામાન્ય રીતે એકસેસરીઝની ખરીદી આપણે સૌથી છેલ્લે કરીએ છીએ. પણ જો તમે આ દિવાળીએ કોઈ ખાસ ઘરેણાં પહેરવાનું આયોજન કરી રહ્યાં હો તો તમારો ડ્રેસ જે તે ઘરેણાંને અનુરૂપ બનાવો. સામાન્ય રીતે લાંબી બુટ્ટી અને ચોકર્સ કોઈપણ પહેરવેશ સાથે સુંદર દેખાય છે પણ તમારા ડ્રેસનું ગળું ઉપર સુધી હોય તો નાની બુટ્ટી અને લાંબો નેકલેસ આકર્ષક લાગશે. તેવી જ રીતે પુરુષો તેમના કુરતામાં સોનાના અથવા સોનેરી બટન લગાવે અથવા શાલ પહેરે તો તેનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે.

વસ્ત્રો અને ઘરેણાં સાથે જૂતાં પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. શેરવાની સાથે સેંડલ સરસ દેખાશે જ્યારે ચુડીદાર - કુરતા સાથે અંગુઠાવાળી ચામડાની ચપ્પલ વધારે સારી લાગશે. તેવી જ રીતે માનુનીઓને ઊંચી એડીવાળા શુઝ ગમે તે ડ્રેસ અથવા સાડી સાથે આકર્ષક લાગશે. જો તમને લાંબા કલાકો સુધી ઊંચી એડીવાળા શુઝ પહેરી રાખવા પડે તેમ હોય તો મોજડી સારો વિકલ્પ છે. દિવાળીના તહેવાર માટે વસ્ત્રો, ઘરેણાં, એકસેસરીઝ, જૂતાંની પસંદગી કરવાથી પહેલા એક વાત ખાસ ધ્યાન રાખવી જરૂરી છે કે તમે લગ્ન માટે નહીં દિવાળી માટે ખરીદી કરી રહ્યાં છે.


Google NewsGoogle News