બનો સ્માર્ટ ગૃહિણી ઝટ રાંધીને પટ નીકળો બહાર
- ગૃહિણીને ઝટપટ રસોડામાંથી મુક્ત થઇ જવાનો આઇડિયા
આજની ગૃહિણીનું જીવન રસોડાની ચાર દીવાલો પૂરતું જ મર્યાદિત રહ્યું નથી એને રસોઇ બનાવવાની અને ઘર સાચવવાની સાથે બીજા ઘણાં કામ કરવાના હોય છે. આજકાલ પતિદેવ અને બાળકોની ફરમાઇશ પણ એટલી બધી વધી ગઇ છે કે સમજદાર મહિલા જો થોડુંક વ્યવસ્થિત રીતે કામ ન કરે તો એનો આખો દિવસ રસોડામાં જ નીકળી જાય. રસોડામાં ઓછો સમય કાઢવો હોય, પતિ, બાળકો અને ઘરના બધાને ખુશ રાખવા હોય અને બીજા કામો માટે સમય પણ મળે એવું ઇચ્છતી મહિલાઓ એટલું ધ્યાન રાખો તો એમનું રસોઇનું કામ ફટાફટ થઇ જશે.
રસોડામાં દાળ અને મસાલાને પારદર્શક ડબ્બામાં રાખો. જેથી કરીને એમને શોધવામાં વધારે સમય ન જાય. જો સ્ટીલના ડબ્બામાં દાળ અને મસાલા રાખો તો પછી એની ઉપર લેબલ ચોડીને મોટા અક્ષરે નામ લખી નાખો. જેથી ઘણા બધા સ્ટીલના ડબ્બાઓ વચ્ચે તમને જોઇતી વસ્તુ આસાનીથી મળી જાય, દાળ અને મસાલા બહુ ઊંચાઇ પર ન મૂકવા, કારણ કે રોજબરોજની રસોઇમાં એમની જરૂર પડતી હોવાથી તમારે એમને ઉતારવા માટે ઘડી-ઘડી સ્ટૂલ લેવાની કડાકૂટ કરવી પડશે.
રસોડામાં જાવ ત્યારે જ નક્કી કરી લો કે ક્યું કામ ક્યારે કરવાનું છે આનાથી કામ ઝડપથી પતાવવામાં આસાની રહે છે. બની શકે તો રવિવારના દિવસે જ આવતા અઠવાડિયાનું મેનુ તૈયાર કરી લો અને એને રસોડામાં લટકાવી દો. આવું કરવાથી ઘડી-ઘડી વિચારવાની જરૂર નહિ પડે. કે બપોરે શું બનાવવું, સાંજે શું બનાવવું. મેનુ તૈયાર હોય તો એ પ્રમાણે શાકભાજી અગાઉથી મંગાવી શકાય. અને જરૂરી તૈયારીઓ અગાઉથી કરી શકાય. નવરાશનો સમય હોય કે ટીવી જોવા બેઠા હો ત્યારે શાકભાજી વીણવાનું કે છીણવાનું કામ ટીવી જોતા-જોતા પતાવી શકાય છે.
રસોડામાં કામ શરૂ કરતા પહેલાં એપ્રન પહેરવાનું રાખો. જેથી કપડાને ડાઘ- ધબ્બાથી બચાવી શકાય. પ્લેટફોર્મની પાસે એક નેપ્કિન અને હાથ ધોવાનો સાબુ રાખો. જેથી કરીને શાકભાજી કાપ્યા પછી, ચોખા ધોયા પછી કે લોટ બાંધ્યા પછી હાથને આસાનીથી લૂછી શકાય અને કપડાં ખરાબ ન થાય. શાકભાજીનો મસાલો પકાવતા હો ત્યારે લોટ બાંધી લો અથવા તો ચોખા સાફ કરીને મૂકી દો. આનાથી ઘણો સમય બચી જાય છે. એ જ રીતે દાળ બનાવતી વખતે જો તમે રસોડામાં હો તો એ વખતે જરૂરી શાકભાજી કાપી લો અને દાળ માટે ડુંગળી, આદુ, લસણનો વઘાર કરી લો. દૂધ ઊકાળતા હો ત્યારે જ કપ-રકાબી અને ગરણી ધોઇ નાખો. સિન્કમાં નાના વાસણને ભેગા ન કરો. બલકે એને તરત જ ધોઇ નાખો. રસોડાની સિન્કમાં કડાઇ કે તપેલી જેવા મોટા વાસણ ન મૂકો. આવા એક-બે વાસણ આખી સિન્ક ભરી દે છે.
આદુ- લસણ અગાઉથી જ પીસીને ફ્રિજમાં મૂકી દો. જેથી કરીને દરેક વખતે આદુ- લસણ પીસવાની માથાકૂટ ન કરવી પડે. એ જ રીતે ટામેટાને પણ અગાઉથી જ મિક્સરમાં પીસી એનો મસાલો બનાવીને ફ્રિજમાં મૂકી દો. ફ્રિજમાં કોથમીર- ફૂદીના- મરચાની પીસેલી લીલી ચટણી પણ તૈયાર રાખો. જેથી કરીને જરૂર પડે રસોઇ બનાવતી વખતે આ લીલી ચટણી નાખી રસોઇને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. ડુંગળીને પણ અગાઉથી જ તળીને ડબ્બામાં ભરીને તૈયાર રાખો. જેથી જરૂર પડે એને તળવા ન બેસવું પડે. દુધી- કોબીજ કે બીજી કોઇ શાકભાજીના પરાઠા બનાવવાના હોય તો એ શાકભાજી કાપીને પાણીમાં નીચોવીને ડબ્બામાં બંધ કરી દો. આ પછી જ્યારે પરાઠા બનાવવાના હોય ત્યારે જ એ શાકભાજીમાં મસાલો મેળવો. જો વધારે મહેમાન હોય તો પહેલાથી કાચા-પાકા પરાઠા શેકીને તૈયાર રાખો અને પછી જમવાના સમયે સહેજ ગરમ કરી પીરસો. આવું કરવાથી પરાઠા ફટાફટ તૈયાર થઇ જશે.
રસોઇમાં અવારનવાર ઉપયોગમાં આવતી વસ્તુઓ માચિસ, કાતર, મીણબત્તી અને બરનોલ ટયૂબ, છરી વગેરે એક અલગ જ જગ્યાએ સાચવીને રાખો. કામ પતાવીને પણ એ વસ્તુઓને પાછી એ જગ્યાએ મૂકવાની તસદી લો. જેથી બીજીવાર જરૂર પડે એ વસ્તુઓ તરત જ મળી જાય.