દંત૫ીડામાં આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
દાંતની પીડાનો અનુભવ વહેલા કે મોડા પણ લગભગ બધાને જ થતો હોય છે. આવી દાંતની પીડા પહેલા તો થાય જ નહી તે માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવ્યાં છે. અને જો કદાચ દાંતની પીડા થઈ પણ ગઈ હોય તો તે સરળતાથી નીવારી શકાય તેવા પણ પ્રયોગો આયુર્વેદમાં બતાવ્યા છે. તંદુરસ્ત અને મજબૂત દાંત એ આરોગ્યની નિશાની છે. દાંત અને પેઢાએ જો મજબૂત હોય તો જ આરોગ્ય સુખાકારી રહી શકે છે. દાડમની દાણા જેવી દંતપક્તિ વ્યક્તિના વ્યક્તિત્વમાં અનેક ગણો નિખાર લાવે છે. જેવી રીતે મુખ સૌંદર્યમાં સ્વસ્થ દાંત અનેક ગણો ભાગ ભજવે છે. તેવી જ રીતે સ્વાસ્થ્ય રક્ષા માટે પણ દાંતની સુરક્ષા ખૂબ જ આવશ્યક છે.
દાંતમાં સડો થયો હોય, પેઢા ફુલી ગયા હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય કે લોહી પડતું હોય તો તેનાં કારણે ગળુ, પેટ અને આંતરડામાં પણ તકલીફ થઈ શકે છે. તેથી દંતરક્ષા ખૂબ જ આવશ્યક છે.
દાંતની પીડા થાય જ નહીં અને કદાચ થઈ ગઈ હોય તો તેને નિવારવા માટે ઘણાં જ સરળ ઉપાયો આયુર્વેદમાં સચોટ રીતે બતાવેલા છે. સૌ પ્રથમ દાંતની પીડા થાય જ નહીં તે માટે કેટલાક સરળ સૂચનો કરું છું જે વાંચક મિત્રોને ચોક્કસ ઉપયોગી નીવડશે.
દાંતની પીડા થાય નહી તે માટે :-
- નાનપણથી જ બાળકોને કંઈ પણ ખાધા પછી તરત જ મોં સાફ કરવાની, કોગળા કરવાની આદત પાડો.
- દૂધ દાંતના રોગને વધારનારું છે, માટે દૂધ પીધાં પછી તો અવશ્ય દાંત સાફ થઈ જાય તેટલાં કોગળા કરો, કરાવો.
- સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા હળવા હાથે બ્રશ અવશ્ય કરો. બ્રશ ખૂબ જ હળવા હાથે કરો. દાંતને ઘસી ન નાખો.
- જો અવશ્ય હોય તો દરરોજ અને અન્યથા અઠવાડિયામાં એક વાર આયુર્વેદમાં બતાવ્યા મુજબ બાવળ, બોરસલ્લી, લીમડો કે વડનું દાતણ કરો. જેનાથી દાંત સાફ તો થશે જ પણ સાથે-સાથે પેઢાં પણ મજબૂત થશે.
- દિવેલમાં કપૂર મેળવી ગરમ કરી તે દિવેલને દાંત અને પેઢા પર માલિશ કરો, જેથી પેઢા મજબૂત થવાની સાથે તેને પોષણ પણ મળશે.
- રોજ ૧ વાર થોડા તલ ચાવીને ખાવા અને ઉપર પાણી, પીવુ.
- શેકેલા ચણા કે બીજા શેકેલા કઠોળ ઝીણા ચાવી ખાવા કે જેથી દાંતને કસરત મળે.
- તલના તેલની પણ દાંતના પેઢા ઉપર માલિશ કરી શકાય છે.
- જમ્યા બાદ નિયમિત રીતે દાંતની સફાઈ કરવી.
- સિગારેટ, બીડી, તમાકુનું વ્યસન હોય તો અવશ્ય છોડી દેવું.
- ઘણા લોકોને નવરા બેઠા-બેઠા દાંત ખોતરવાની ખરાબ કુટેવ હોય છે, જેનો ત્યાગ કરવો.
- ગળ્યા પદાર્થો, મીઠાઈ, ચોકલેટ વગેરે ખાધા પછી દાંતની સફાઈ અવશ્ય કરવી જોઈએ.
- તુલસીનાં પાન ચાવવાની અથવા તુલસીનાં પાનનો ઉકાળો કરી. કોગળાં કરવાથી પણ દાંત મજબૂત બને છે.
- અતિશય ગરમ તેમજ અતિશય ઠંડા પદાર્થો દાંત અને પેઢા માટે લાંબાગાળે હાનિકારક સાબિત થાય છે, માટે તેનો ત્યાગ કરવો.
હવે દાંતની પીડા જેમને પહેલાથી જ થયેલ હોય તેમના માટે કેટલાક ઘરગથ્થું અને સરળ આયુર્વેદિક ઉપચારો બતાવું છું.
(૧) જો દાંતમાં ખૂબ જ દુ:ખાવો હોય પણ કેવીટી કે સડો ન થયેલ હોય તો અકલકરાનું ચૂર્ણ ભરવાથી દાંતનાં દુ:ખાવામાં અવશ્ય રાહત થાય છે. જો આ ચૂર્ણ ન મળે તો લવીંગ તેલનું પૂમડું પણ મૂકી શકાય છે. જેનાથી દાંતની પીડામાં ઘણો જ ફાયદો થાય છે. (ર) દાંતમાં દુ:ખાવો હોય, પેઢા સૂઝી ગયા હોય અને મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો, ફુલાવેલી ફટકડી વડે દાંત અને પેઢા ઉપર માલિશ કરવી. ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતે ઘસવાથી અને પેઢા ઉપર લગાવી રાખવાથી દાંતમાંથી નીકળતું લોહી પણ બંધ થઈ જાય છે. (૩) જે વ્યક્તિનાં દાંત નાની ઉંમરમાં હલી ગયા હોય તેણે વડની વડવાઈનું દાતણ કરવું તથા માલિશ પેઢા ઉપર કરવાથી નાની ઉંમરમાં હલી ગયેલા દાંત મજબૂત થઈ જાય છે. (૪) મીઠું અને ખાવાનો સોડા મીક્ષ કરી દાંત ઉપર હળવેકથી માલિશ કરવાથી પીળા પડી ગયેલાં દાંત પાછા ચમકતાં સફેદ થાય છે. (૫) ત્રિફળા અને લોધ્રનો ઉકાળો કરી કોગળા કરવામાં આવે તો પેઢાનો સોજો અને દાંતની પીડામાં ઘણો જ ફાયદો થાય છે.
દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે વિટામીન અને પ્રોટીન યુક્ત આહાર પણ ખૂબ જરૂરી છે. દૂધ, લીલા શાકભાજી, માખણ, સંતરા વગેરેનો ખોરાકમાં હંમેશા સમાવેશ કરવો. તથા ગળ્યા પદાર્થો, જંકફૂડ, મિઠાઈ, મેંદાની આઈટમો વગેરેથી હંમેશા અંતર રાખવું.