દામ્પત્યની પહેલી દિવાળી ખોટા ખર્ચ ટાળી ઊજવો
''લગ્ન પછીની પહેલી દિવાળી છે તો શું થયું?'' માનસીનો પતિ ગૌરાંગ અકળાયેલો જણાયો.
''તમે સમજતાં નથી. પહેલી દિવાળીએ તો આ બધું કરવું જ પડે'' માનસીએ જરા અકળાઇને કહ્યું.
''હું આટલો બધો ખર્ચો નહીં કરી શકું.'' ગૌરાંગે સ્પષ્ટ કહી દીધું.
''તમે વિચાર તો કરો, તમારા અને મારા મિત્રો પહેલીવાર આપણાં ઘેર આવવાના છે. આપણે ત્યાં સરખું ફર્નિચર પણ નથી. મેં નવી સાડી કે ઘરેણાંય નથી ખરીદ્યાં. આપણું આવું ખાલી ખાલી ઘર જોઇ બધાં શું વિચારશે?''
''જો એ લોકો સમજુ હશે તો જાતે જ સમજી જશે. અત્યારે આપણી એવી સ્થિતિ નથી કે બધું એકસાથે વસાવી લઇએ. લગ્નની પહેલી દિવાળી છે, એટલે જ તો ઘર ખાલી છે. આખી ઘરવખરી વસાવતાં તો વર્ષો જાય છે. હું હપતેથી કોઇ વસ્તું નહીં ખરીદું અને કોઇની પાસે ઉધાર માગવા પણ નહીં જાઉં.'' ગૌરાંગે એને સમજાવતાં કહ્યું.
ગૌરાંગ અને માનસી તો સમજુ હતાં, પણ અમારા પાડોશમાં રહેતાં નવદંપતી માટે એવું ન કહી શકાય. એમનીય પહેલી દિવાળી હતી. આ અવસરે તેમણે ધૂમ ખર્ચો કર્યો હતો. એમના ઘેર દિવાળીની શુભકામનાઓ આપવા અમે ગયા ત્યારે ત્યાં દારૂખાનાનો ઢગલો જોઇ અમે ચોંકી ગયા. મેં આશ્ચર્યથી પૂછ્યું, ''આટલા બધા ફટાકડા, શું કોઇ મહેમાન આવવાના છે?''
એમણે શરમાઇને કહ્યું, ''ના, ના, એ તો અમારા બંને માટે જ છે.''
આટલું જ નહી, કપડાં, મીઠાઇ, ઘરવખરી અને પૂજાપાઠના સામાન પર પણ તેમણે ધૂમ ખર્ચો કર્યો છે.
લગ્નજીવનની પહેલી દિવાળીએ તો નવપરિણીતોની ખુશીઓ સમાતી હોતી નથી. એમનામાં એક અનેરો ઉમંગ, ઉલ્લાસ અને જોશ હોય છે. સાથે સાથે તેમનામાં નાદાની હોય છે અને અનુભવનો અભાવ પણ હોય છે, જેથી જરૂર કરતાં વધારે ખર્ચા કરી બેસે છે.
દિવાળી વર્ષે એકવાર આવતી હોય છે એટલે એનો અર્થ એ નથી કે તહેવારના નામે સમજ્યાવિચાર્યા વગર ખર્ચા કરવા. નકામા ખર્ચાથી મર્યાદિત આવકવાળા લોકોનું બજેટ વેરવિખેર થઇ જાય છે. એથી ઘરમાં કજિયા અને તાણનું વાતાવરણ ઊભું થતાં વાર નથી લાગતી. એટલે જ ભલે ને તમારા લગ્નજીવનની પહેલી દિવાળી કેમ ન હોય. તમારે, સમજી વિચારીને જ ખર્ચ કરવો જોઇએ.
લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં મોટા ભાગના પુરુષો પોતાની પત્નીનોે પડયો બોલ ઝીલતા હોય છે. દિવાળી વખતે જ્યારે તેઓ ખરીદી કરવા નીકળે છે ત્યારે પત્નીની નજર જે જે વસ્તુ પર અટકે એ વસ્તુ પતિ તરત જ ખરીદી આપે છે. દુકાનદાર પણ સમજી જાય છે કે આ નવું પરણેલું જોડું છે. એટલે તેઓ પણ તેમને વસ્તુનો ભાવ વધારીને જ કહે છે.
ખિસ્સાને પોસાતું ન હોય ત્યારે કેટલીક વાર પતિ આવી નકામી ખરીદી પર કાપ મૂકવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ ક્યારેક, 'પત્ની મને કંજૂસ ન સમજે' એમ વિચારીને ચૂપ રહે છે. છેવટે તો એ બધો ભાર તેમણે જ ઉઠાવવાનો આવે છે.
આ બાબતે પતિ કરતાં વધારે જવાબદારી નવપરિણીત પત્ની પર હોય છે. ખાસ તો એણે જ સમજદારી પૂર્વક કામ લેવાનું હોય છે. તમારા એક ઇશારે પતિ કંઇ પણ લાવી આપતો હોય તો પણ એ સ્થિતિનો દુરુપયોગ ન કરવો જોઇએ. કેમ કે તમે જ ઘરની લક્ષ્મી છો, પતિની આવકને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરવી જોઇએ.
મોટાભાગના લોકો દિવાળીએ નવાં કપડાં સિવડાવે છે, પરંતુ નવદંપતી નવાં કપડાંનો ખર્ચો ન કરે તોય ચાલે, કેમ કે એજ વર્ષે લગ્નમાં તેમણે ઢગલો કપડાં સિવડાવ્યાં હોય છે. એટલે એમાંથી કોઇ એક સારી જોડ કાઢીને દિવાળીમાંય પહેરી શકાય છે. જો પતિ દિવાળીએ નવી સાડી અપાવવાની વાત કરે તો પણ પત્નીએ એમને સમજાવીને સાડી માટે પ્રેમથી ના પાડી દેવી જોઇએ.
ઘરમાં પૂરતી ક્રોકરી અને વાસણો હોય તો એનો પણ નકામો ખર્ચો ન કરવો જોઇએ. ઘર સજાવટના સામાન અને ફટાકડા પર બિનજરૂરી ખર્ચ ન કરો. એથી પણ તમારા ઘરના બજેટ પર અસર થાય છે. દિવાળીમાં જો મીઠાઇ પણ ઘેર જ બનાવાય તો વધુ સારું. આમેય નવપરિણીતાઓને સમયનો તોટો નથી હોતો. એટલે તેઓ પોતાના ફાજલ સમયનો સદુપયોગ ઘર સજાવવામાં અને પાક કલામાં કરીને પતિને ખુશ કરી શકે છે. જેમ જાતે બનાવેલી ઘર સજાવટની વસ્તુ એક અનોખો સંતોષ આપે છે, તેવી જ રીતે ઘેર બનાવેલી મીઠાઇઓ પણ સ્વાસ્થ્ય માટે સારી અને સસ્તી પડે છે.
એ માન્યતા ખોટી છે કે વધારે ખર્ચા કરીને જ દિવાળી સારી રીતે ઉજવી શકાય છે. નવદંપતીઓના જીવનમાં તો એટલો પ્રેમ અને ઉમંગ હોય છે, જેને બીજા કશાની જરૂર હોતી નથી. એટલે સહજતાથી દિવાળી મનાવો અને પ્રેમરૂપી દીપકથી ઘરસંસારમાં પ્રકાશ ફેલાવો. સાચા અર્થમાં ગૃહલક્ષ્મી બનીને તમારા લગ્નજીવનને હંમેશાં નવપલ્લવિત રાખો.
પહેલી દિવાળીએ તમે એકબીજામાં એટલાં બધાં પણ ન ખોવાઇ જાવ કે, મિત્રો, સગાંસંબંધીઓ અને પાડોશીઓને જ ભૂલી જાવ એમને દિવાળીની અને નવવર્ષની શુભકામનાઓ આપવા જરૂર જજો અથવા કાર્ડ મોકલજો. પછી જો જો તમારું જીવન પ્રેમરૂપી દીપકોથી કેવું ઝગમગી ઉઠે છે.