Get The App

એથ્લેટ ફૂટ : ખેલાડીઓને અને તરવૈયાને લાગતા આ ચેપનો એક્સ -રે કેવો છે ?

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
એથ્લેટ ફૂટ : ખેલાડીઓને અને તરવૈયાને લાગતા આ ચેપનો એક્સ -રે કેવો છે ? 1 - image


- ભીના પગ, ભીનાં મોજાં, સખત બૂટ, ભીનાશવાળો બાથરૂમ વગેરેને કારણે આ ચેપની અસર  પગના અંગુઠા  અને આંગળીઓ વચ્ચે થાય છે : આ રહ્યાં લક્ષણો અને ઉપચાર

હાલ કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઇ છે. ફૂટબોલની આ વિશ્વ સ્પર્ધામાં ઇટાલી, આર્જેન્ટિના, ફ્રાંસ,  જર્મની, અમેરિકા, ઇન્ગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા સહિત આરબ અમીરાતના દેશના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉમંગભેર હિસ્સો લીધો  છે.

એક મહત્વની મેચ દરમિયાન ઇન્ગ્લેન્ડના એક સિનિયર ખેલાડીને જમણા પગના અંગુઠા અને તેની બાજુની આંગળી વચ્ચે નાની ફોડલી ઉપસી આવી. વળી, ફોડલીમાંથી પાણી પણ વહેવા લાગ્યું. પરિણામે તે ખેલાડીને પીડા થવા લાગી. 

ટીમના નિષ્ણાત ફિઝિયોથેરપીસ્ટના કહેવા મુજબ તે ખેલાડીને એથ્લેટ ફૂટની અસર થઇ હતી. તે ખેલાડીના જમણા પગના અંગુઠા અને તેની  બાજુની આંગળી વચ્ચે કોઇ   ચેપની અસર થઇ  છે.જરૂરી દવા અને આરામથી એથ્લેટ ફૂટની અસર મટી જશે. જોકે  તે દરમિયાન ઇન્ગ્લેન્ડનો તે ખેલાડી  ફૂટબોલની અગત્યની મેચમાં   ભાગ ન લઇ શક્યો.

સાચી વાત છે.ફક્ત ફૂટબોલજ નહીં, ટેનિસ, બેડમિન્ટન,ક્રિકેટના રમતવીરોને અને દોડવીરોને  ઘણી વખત આવી એથ્લેટ ફૂટની સમસ્યા થતી હોય છે.

આ તબક્કે આપણે એથ્લેટ ફૂટ એટલે તબીબી ભાષામાં શું ? તે કયાં કયાં કારણોસર થાય ? તેનાં ચિહ્નો કયાં હોય ? અને તેની સારવાર કઇ હોય ? વગેરે મુદ્દા વિશે ઉપયોગી માહિતી મેળવીએ. 

* એથ્લેટ ફૂટ કયાં કારણોસર થાય ?  

 મુંબઇના ચામડીના એક નિષ્ણાત ડોક્ટર(જેને ડર્મેટોલોજીસ્ટ કહેવાય છે) કહે છે, એથ્લેટ ફૂટ મૂળ તો ચામડીનો હળવો  ચેપ છે. આ ચેપની અસર  મોટાભાગે ખેલાડીઓને  અને તરવૈયાને થતી હોવાથી તેનું નામ એથ્લેટ ફૂટ રખાયું છે.

આ ચેપ ટ્રાયકોફાયટન નામની ફૂગને કારણે   થાય છે. ટ્રાયકોફાયટસ ફૂગ માનવીના માથાના વાળ, નખ અને ચામડી પર ઉગે છે.આમ તો આ ફૂગ શરીરની ચામડી પર રહે છે અને વ્યક્તિને તેની કોઇ આડઅસર નથી થતી.આમ છતાં  હવામાનમાં થતા ફેરફારને કારણે તેની અસર શરીરના અન્ય હિસ્સામાં થાય છે.

 ઉદાહરણરૂપે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી, પગ લાંબા સમય સુધી ભીના રહ્યા હોય, બૂટ અને મોજાં બહુ સખત કે કડક હોય અને ભીનાં મોજાં પહેર્યાં હોય તો ટ્રાયકોફાયટન  નામની ફૂગ શરીરનાં પગ, હાથ સહિત અન્ય અંગો સુધી પણ  પહોંચે છે.ઉપરાંત, આ ફૂગ ટોવેલ, હાથ રૂમાલ, વસ્ત્રો અને ઘરની ગંદી ફરસ  અને બાથરૂમ  વગેરે દ્વારા પણ શરીરનાં  જુદા જુદા હિસ્સામાં ફેલાય છે.બાથરૂમ સતત ભીનો રહેતો હોવાથી  ત્યાંથી ઘરનાં સભ્યોના પગમાં ફૂગની અસર થવાની પૂરી સંભાવના રહે.  

ખાસ કરીને મોટાભાગનાં લોકો  વર્ષા ઋતુમાં બહારથી ઘરે આવીને હાથ-પગ ધુએ છે. આમ છતાં બંને હાથની અને બંને પગની આંગળીઓ અને આંગળીઓ તથા અંગુઠા  વચ્ચેની  કોમળ  જગ્યા  પૂરતી કાળજીથી સાફ  નથી કરતાં.એટલે હાથ, પગની આંગળીઓ અને અંગુઠા વચ્ચે ભીનાશ રહે અને ટ્રાયકોફાયટન ફૂગ ફેલાય. 

ગ્રામ વિસ્તારોમાં ખેડૂતો સહિત ઘણાં લોકો ઉઘાડા પગે બહાર ફરતાં હોય છે.  આવી વિચિત્ર ટેવ ધરાવતાં લોકોને ચોમાસા દરમિયાન પગની કે હાથની આંગળીઓ વચ્ચે ટ્રાયકોફાયટનનો ચેપ લાગવાની પૂરી શક્યતા રહે છે. 

જોકે વરસાદી વાતાવરણમાં પણ વ્યક્તિ તેના પગની અને પગની આંગળીઓ તથા અંગુઠા સ્વચ્છ રાખે અને  પૂરતી કાળજી રાખે તો પેલી ફૂગની અસર  નથી  થતી. ઉપરાંત, સૂકા વાતાવરણમાં  આ ચેપ  નથી ફેલાતો.  

રહી વાત રમતવીરોની. તો જે કોઇ ખેલાડી સતત ભીના વાતાવરણમાં રહ્યો હોય, વરસાદી માહોલમાં પણ ફૂટબોલ કે અન્ય કોઇ રમતમાં   ભાગ લીધો હોય, પગમાં ભીનાં મોજાં પહેરી રાખ્યાં હોય તો તેને એથ્લેટ  ફૂટની અસર થવાની શક્યતા રહે.

* એથ્લેટ ફૂટનાં લક્ષણો કયાં હોય ?  

* પગની આંગળીઓ અને અંગુઠા વચ્ચે  અને  પગના  તળિયાના ભાગમાં ગોળ  લાલ ચકામું થાય

* ક્યારેક પગના અંગુઠા અને આંગળીઓ વચ્ચેની ચામડી  થોડીક ફાટી જાય. તો કોઇક વખત ચેપની અસર પગની નીચેના અને ઉપરના બંને હિસ્સામાં પણ થાય. 

* પગની આંગળીઓમાં અને અંગુઠામાં વારંવાર ચળ આવે 

* ક્યારેક અતિશય બળતરા પણ થાય. તો અમુક કિસ્સામાં તે હિસ્સામાંથી દુર્ગંધ પણ આવે

* પગની આંગળીઓમાં સોજો ઉપસી આવે

* ચેપવાળી જગ્યામાંથી પસ બહાર આવે

*  એથ્લેટ ફૂટની સમસ્યા ક્યારે વકરે ?

 * ચામડીના ડોક્ટરના કહેવા મુજબ એથ્લેટ ફૂટની સમયસર  અને યોગ્ય સારવાર ન થાય તો ચેપની અસર શરીરના અન્ય હિસ્સામાં પણ ફેલાઇ શકે છે

 *  એથ્લેટ  ફૂટની  ચેપવાળી વ્યક્તિનાં  વસ્ત્રો અને ટોવેલનો ઉપયોગ કરનારી  બીજી  વ્યક્તિને પણ તેની અસર થાય

 * એથ્લેટ ફૂટની અસરવાળી વ્યક્તિ  પગની આંગળીઓમાં  કે તળિયામાં ખંજવાળીને   હાથ સાબુથી  ન  ધુએ અને  શરીરના બીજા હિસ્સાને સ્પર્શ કરે તો ત્યાં પણ  ચેપની અસર થાય. 

 * એથ્લેટ ફૂટની સારવાર કઇ રીતે થાય ?

ચામડીના નિષ્ણાત ડોક્ટરના કહેવા મુજબ એથ્લેટ ફૂટ કાંઇ ગંભીર ચેપ નથી.આમ છતાં   તેની અસર એકથી બીજી વ્યક્તિને થવાની પૂરી શક્યતા રહે છે. વ્યક્તિને   આ ચેપની અસર  શરીરના જે હિસ્સામાં  થઇ હોય તે  ભાગની ડોક્ટર બરાબર તપાસ કરે. નિરીક્ષણ કરે.

ત્યારબાદ ચામડીના તે  ભાગનું તબીબી પરીક્ષણ ( સ્કિન ટેસ્ટ) પણ કરે. સ્કિન ટેસ્ટના રિપોર્ટના આધારે ડોક્ટરને માહિતી મળે  કે તે વ્યક્તિને સોરાઇસીસ અથવા ડર્મેટાઇટીસની અસર નથી થઇ.

એથ્લેટ ફૂટની સારવારમાં પોટેશિયમ હાયડ્રોક્સાઇડ(કેઓએચ)ના પરીક્ષણનો પ્રયોગ પણ  થાય છે. આ પરીક્ષણમાં ચેપવાળી ચામડીનો થોડોક હિસ્સો લઇને તેને પોટેશિયમ હાયડ્રોક્સાઇડના સોલ્યુશન(પ્રવાહી)માં મૂકાય છે.કેઓએચને કારણે ચેપની જગ્યામાંનાં  ચેપનાં  જંતુઓ નાશ  પામે.

ઉપરાંત, ટ્રાયકોફાયટન ચેપની અસર મટાડવા માટે વ્યક્તિને  કે ખેલાડીને  અમુક ચોક્કસ દવા અપાય. સાથોસાથ તેેને અમુક અસરકારક પાઉડર, સ્પ્રે, જેલ્સ અને ક્રીમનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાય  છે.

- જગદીશચંદ્ર ભટ્ટ


Google NewsGoogle News