અશોક કહો કે આસોપાલવ છે અનેક રીતે ઉપયોગી
- ગુણવત્તાની દ્રષ્ટિએ એક સર્વોપરી વનસ્પતિમાં અશોક વૃક્ષ સહેજે યાદ આવે. અશોક વૃક્ષનો રંગ લાલ-હૃદયને સ્પર્શી જાય એવો હોય છે. આવા અશોક વૃક્ષનો મહિમા વૈદ્યોએ ગાયો છે. દવામાં એની છાલ વાપરવામાં આવે છે.
સ્ત્રી આ સંસારનો સાર છે. એ સ્ત્રી જે સ્ત્રીના ગુણોથી યુક્ત હોય તે મહાપુરુષોને જન્મ આપે છે. પોતાની વંશવૃદ્ધિ કરે છે. આ જ ગૃહિણીઓ ગૃહદેવતા છે. એમના વિના સંપત્તિયુક્ત ઘર શોભતું નથી. આવી નારીનંે સ્વાસ્થ્ય એ સંસારની અમૂલ્ય સંપત્તિ છે. કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર આવી નારીના આરોગ્યથી સંપન્ન બને છે. આયુર્વેદે સ્ત્રીઓના સ્વાસ્થ્યનો ઊંડો વિચાર કર્યો છે. આપણે અહીં સ્ત્રીઓના સ્વાસ્થ્યને સંપન્ન રાખે, રોગ થતાં અટકાવે અને રોગનું નિવારણ કરે એવી વનસ્પતિ જોઈએ.
ગુણવત્તાની દ્રષ્ટિએ એક સર્વોપરિ વનસ્પતિમાં અશોક વૃક્ષ સહેજે યાદ આવે. આને કેટલાક લોકો આસોપાલવ પણ કહે છે, પણ હકીકતમાં એ આસોપાલવ નથી. અશોક વૃક્ષનો રંગ લાલ-હૃદયને સ્પર્શી જાય એવો હોય છે. આવા અશોક વૃક્ષનો મહિમા વૈદ્યોએ ગાયો છે. દવામાં એની છાલ વાપરવામાં આવે છે. દસથી વીસ ગ્રામ ભૂકો એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળી અને ગાળીને પાવીથી જ્ઞાાનતંતુઓને બળ મળે છે. વેદના શાંત થાય છે, તરસ મટે છે, જૂનો મરડો, કૃમિ શાંત થાય છે. રક્તસ્ત્રાવ મટાડે છે.
એક બહેનને ખૂબ રક્તસ્ત્રાવ થતો હતો. અશોકારિષ્ટ અને યત્રાંગાસવ આપ્યા, પણ રક્તસ્ત્રાવ ધાર્યા મુજબ ઘટયો નહીં ત્યારે એની સાથે અસલી નાગકેસર એક ગ્રામ સવાર-સાંજ આપ્યું અને સાથે ચાઇનાક્રૂટ પાણીમાં ભીંજાવી બે ચાર કલાક પછી ફૂલ જેવું બની જાય ત્યારે મસળી, ગાળી તેમાં થોડી સાકર નાખી પીવા આપતાં રક્તસ્ત્રાવ દૂર થયો. આ પ્રયોગથી નાકમાં નસકોરી ફૂટતી હોય, દૂઝતા હરસમાં લોહી પડતું હોય કે માસિક વખતે કે વચ્ચે અથવા રજાનિવૃત્તિ કાળના સમયે જે રક્તસ્ત્રાવ થતો હોય તે તુરત જ બંધ થાય છે. આની સાથે શોણિતાગેલની તથા ચંદ્રકલા રસની બબ્બે ગોળી આપતાં તુરત જ લાભ થાય છે. આ પ્રયોગ અત્યંત અક્સીર છે. ખાતરીલાયક છે.
પુરુષ અને સ્ત્રીના અંગોમાં પક્વાશય વગેરે અવયવો સમાન છે, પરંતુ સ્ત્રી માટે માતૃત્વની દ્રષ્ટિએ તથા સ્ત્રીત્વની દ્રષ્ટિએ ગર્ભાશય એક અંગ છે. આ ગર્ભાશયના આરોગ્ય ઉપર સ્ત્રીનું સ્વાસ્થ્ય નિર્ભર છે એટલા માટે અશોકને સ્ત્રીઓનો મિત્ર કહ્યો છે. ગર્ભાશય ઉપર સોજો આવે. એ શિથિલ બની જાય એમાંથી શ્રાવ થાય અને ગર્ભાશય અંતર્ગત મૃદુ, કોમળ ત્વચામાં થતાં વિકારો દૂર કરી એને બળ આપે છે. શ્વેત પ્રદર ગર્ભાશયના મોઢા ઉપર ચાંદીની ઉષ્ણતા દૂર કરી પિત્તનું શમન કરી ચાંદની શીતળતા આપતાં આ વૃક્ષને સ્ત્રીઓના શોકહર તરીકે ઓળખાવે છે. અહીં એનો એક પ્રયોગ પ્રસ્તુત છે.
અશોક છાલ ૧૫ ગ્રામ લઈ ૧ કપ દૂધ અને એક કપ પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળવું. જ્યારે પાણી બળી જાય અને ફક્ત એક કપ દૂધ રહે તે ગાળી તેમાં સહેજ એલચી બીજ નાખી શુદ્ધ અસલી નાગકેસર સાથે પીવાથી સ્ત્રીઓના રક્તસ્ત્રાવના વિકારોમાં બહુ જ લાભ જોવા મળે છે. એ જ રીતે અશોકારિષ્ટ સ્ત્રીઓ માટે સમગ્ર ભારતમાં મશહુર છે. અશોકનું આ ઔષધ સ્ત્રીઓનાં રોગોમાં બહુ જ ગુણકારી છે, અશોકારિષ્ટની બેથી ત્રણ ચમચી તેટલાં જ પાણી સાથે જન્યા બાદ બપોરે લે તો શ્વેતપ્રદરમાં ખૂબ જ લાભ થાય છે. એના ઉપર યોગ્ય ખાનપાન લેતાં ગર્ભાશયમાં થતાં અર્બુદ વગેરે મટે છે. લોહીવા અને રક્પ્રદર મટાડે છે. એની ખરી રાતી છાલ કોલકતા અને બંગાળ બાજુ થાય છે. ઘણી વાર બહેનોના કમરનો દુખાવો કે બળતરા જેવા દરદ થાય ત્યારે અશોકારિષ્ટ જોડે લોધરાસવ, પત્રાંગાસવ, અશ્વગંધારિષ્ટ લેવાથી ઘણો ફાયદો થતો જોવાય છે. ક્યારેક કેટલીક બહેનોને માસિક ઓછું આવે, અનિયમિત આવે, પીડાપૂર્વક આવે અને સંતાન ન થતાં હોય ત્યારે ઉપયોગ કરતાં બહેનોને એ સમસ્યા મટે છે. એ બહેનોની મેદ અને ચરબી ઘટાડે છે. માસિક બરાબર ફૂલીને સાફ આવે છે. પીડા ધીમેધીમે ઘટે છે.
અશોકારિષ્ટ સ્ત્રીરોગો માટે પ્રસિદ્ધ છે. એનું અશોકધૃત પણ બહુ જ સારી બનાવટ છે. તે સ્ત્રીઓના કષ્ટસાધ્ય દરદોને મટાડે છે. અશોકાવલેહ એવા જ દરદો માટે વપરાય છે. ગર્ભાશય, અર્બુદ તથા લોહીવા, રક્તપ્રદરને માટે આ દવા ઉત્તમ ગુણ કરે છે. ગુણમાં એ ઠંડો, મધુરો, મળને રોકનાર, તૂરો અને વર્ણને સુધારનાર છે. ઘણી વાર બહેનો એની છાલ ચોખાના ઓસામણ તથા મધ સાથે લે છે તેથી રક્તપ્રદર મટે છે. આમ અશોક સ્ત્રીઓના દરદો માટે અનેક રીતે ઉપયોગી છે.