નોખા તરી આવવા સાડીના પાલવને ગોઠવો નોખી-અનોખી રીતે
ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો એટલે તેમાં કંઈકેટલીય જાતના ડિઝાઈનર ડ્રેસ સાથે વિવિધ સ્ટાઈલમાં પહેરેલી સાડીઓ પણ જોવા મળે, પરંતુ તેને કઈ સ્ટાઈલ કહેવાય અને તે શી રીતે પહેરાય તે સમજવું મુશ્કેલ થઈ પડે, પરંતુ સ્ટાઈલિસ્ટો નોખી-અનોખી રીતે સાડી ડ્રેપિંગ શી રીતે કરવું અને તેને કઈ સ્ટાઈલ કહેવાય તેની જાણકારી આપતાં કહે છે..,
ક્લાસિક પ્લિટેડ પલ્લુ : ડાબા ખભે પાલવને પીન અપ કરવાની સ્ટાઈલને ક્લાસિક પ્લિટેડ પલ્લુ કહેવાય છે. તેમાં પાલવની સારી રીતે પાટલી વાળો અને એ પાટલીને વ્યવસ્થિત રીતે ગોઠવીને આંગળીઓ વચ્ચે પકડીને દબાવી દો. હવે પાલવને ઘૂંટણી સુધીની લંબાઈ આવે તે રીતે ડાબા ખભે ગોઠવીને પીન લગાવી દો. જો તમને પાછળની તરફ પીન લગાવવાનું ન ફાવતું હોય અને આગળ પીન લગાવતાં હો તો તે મેચિંગ હોવી જોઈએ.
ટાઈટ લૂઝલી એટ વેસ્ટ : આ સ્ટાઈલમાં સાડીને કમર પાસેથી ઢીલી (લટકતી લાગે એ રીતે) મૂકીને પીનઅપ કરવામાં આવે છે. આ રીતે સાડી પહેરતી વખતે સાડીને નિતંબ પાસેથી આગળ લો. હવે તેની પ્લિટ્સ વાળો અને કમર પાસેથી ખેંચીને પીનઅપ કરવાને બદલે ઢીલી રાખીને પીન લગાવો.
બોર્ડર વિથ પ્લિટ્સ : કાંચીપુરમ્ કે કાંજીવરમ્ની સાડીની બોર્ડર ખાસ્સી પહોળી હય છે. તેથી આવી સાડીને પીનઅપ કરતી વખતે તેની પ્લિટ્સ એવી રીતે રાખો કે આગળના ભાગમાં આખી બોર્ડર દેખાય. આ રીતે સાડી પહેરવાથી તેનો પાલવ પણ વધુ સારી રીતે દેખાશે.
ડ્રેપ્ડ અરાઉન્ડ નેક : આ સ્ટાઈલમાં સાડીના પાલવને સ્ટોલની જેમ ગરદન ફરતે વીંટાળવામાં આવે છે. પાલવ વીંટાળી લીધા પછી બ્રોચ લગાવી દેવાથી તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું રહે છે અને બ્રોચનો શો પણ આવે છે.
પાસ્ડ અરાઉન્ડ બ્લાઉઝ : ડાન્સ પરફોર્મ કરતી વખતે તમારું ધ્યાન સાડી સંભાળવામાં ન જાય એટલા માટે અંગરખાની પેટર્નનું બ્લાઉઝ સીવડાવીને તેની અંદરના ભાગમાંથી સાડીનો પાલવ પસાર કરીને પીન અપ કરો. અલબત્ત, તમારું બ્લાઉઝ વર્ક કરેલું હશે, ખાસ કરીને આગળના હિસ્સામાંથી, તો તેનો લુક આકર્ષક બની રહેશે.
ઓપન પલ્લુ સ્ટાઈલ : ઓપન પલ્લુ સ્ટાઈલ એટલે પાલવની પાટલી વાળ્યા વિના તે ખુલ્લો મૂકી દો. માત્ર તે ખભા પરથી સરકી ન જાય એટલા પૂરતી એક પીન લગાવો. આ રીતે તમારી સાડીનો આખો પાલવ દેખાશે. હા, સાડીના પાલવનો બાકીનો ભાગ પીન-અપ કરેલો ન હોય ત્યારે તેને હાથ પર સંભાળવો પડે. જો તમને હાથ પર સરકી આવતો પાલવ સંભાળવાનું ફાવે તો જ આ રીતે સાડી પહેરવી.
હેડ ડ્રેપ : આને સાદી ગુજરાતી ભાષામાં માથે ઓઢેલી સાડી કહી શકાય. ગુજરાતી મહિલાઓને ગુજરાતી સાડી શી રીતે પહેરવી તેની સમજણ આપવાની જરૂર ન હોય. માત્ર તે પીન-અપ કરવાથી પહેલા સહેજ માથે ઓઢી લો. આ સ્ટાઈલથી સાડી પહેરવી હોય ત્યારે અંબોડો વાળો જેથી તેના ઉપર માથે ઓઢેલી સાડી ટકી રહે. તમે ચાહો તો અંબોડાના ઉપરના હિસ્સામાં સાડી પીન-અપ કરી શકો. ત્યાર બાદ સમગ્ર પાલવને ખભા પર પીન-અપ કરી લો. લગ્ન કે પૂજા જેવા પ્રસંગોમાં આ રીતે પહેરેલી સાડી સુંદર લાગશે. સાથે સાથે પ્રસંગની ગરિમા પણ જળવાઈ રહેશે.
નેરો પ્લિટ્સ : સાડીના પાલવની એકદમ નાની નાની પ્લિટ્સ બનાવીને તેને પીન લગાવી દો. હવે પીન લગાવેલી પ્લિટ્સને ખભા પર ગોઠવીને પીન-અપ કરો. બ્લાઉઝના નીચેના હિસ્સામાં પણ પીન લગાવો. ત્યાર પછી જ સાડીની પાટલી વાળો. જોકે આ સ્ટાઈલ માટે લગભગ છ ઇંચ જેટલી બોર્ડર ધરાવતી સાડી વધુ સારી રહેશે. સાથે સાથે બ્લાઉઝનો આગળનો હિસ્સો ખુલ્લો દેખાવાનો હોવાથી બ્લાઉઝ વર્ક કરેલું હશે તો વધુ આકર્ષક દેખાશે. તેવી જ રીતે બ્લાઉઝ ઝીરે નેક કે પછી ચાઈનિસ કૉલરનું હશે તો ખૂબ જચશે.
રેપ્ડ અરાઉન્ડ શોલ્ડર્સ : રાજકુમારી જેવી અદા દેખાડવી હોય તો સાડીના પાલવને ખભા પર જેમતેમ નાખી દો. હા, તમારી સાડી જ્યોર્જટ કે અન્ય પાદર્શક મટિરિયલની હશે તો વધારે સુંદર દેખાશે. આવા મટિરિયલની નાની બોર્ડરવાળી સાડી સાથે તેને મેચ કરતું વર્ક કરેલું ઑફ શોલ્ડર બ્લાઉઝ તમને શાહી લુક આપશે.
- વૈશાલી ઠક્કર