ગ્રીષ્મમાં કાળજીપૂર્વક લગાવો કાજલ-લિપસ્ટિક .
- જોજો નેણ-ઓષ્ટ પર આંકેલી 'વસંત' ગરમીમાં મૂરઝાઈ ન જાય
વસંત ઋતુ એટલે સજીધજીને ફરવાની મોસમ. આ સમય દરમિયાન ચારેકોર ખિલેલા વિવિધરંગી પુષ્પો વાતાવરણને કેટલું આહ્લાદક બનાવી દે છે. આવા ખૂબસુરત માહોલમાં પાર્ટી કરવાની કેવી મોજ પડે અને એવી કઈ માનુની હોય જે મઝાનો મેકઅપ કર્યા વિના પાર્ટીમાં જાય. પરંતુ મેકઅપ કરતી વખતે તેને એક જ ચિંતા સતાવે કે ગરમીને કારણે તેનું કાજલ અને લિપસ્ટિક ફેલાઈ જશે તો? જોકે તેમને આવી ફિકર કરવાની જરૂર નથી. મેકઅપ આર્ટિસ્ટો કહે છે કે શ્રૃંગાર કરતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે તો ન કાજળ ફેલાય કે ન લિપસ્ટિક. શણગાર સજતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ તેની સમજ આપતાં તેઓ કહે છે..,
ચહેરો ધોઈને કોરો કરો : મેકઅપ કરવાથી પહેલા ચહેરો અને ગરદન માઇલ્ડ ફેસ વૉશ અને ક્લીન્ઝર વડે વ્યવસ્થિત રીતે ધોઈને સ્વચ્છ નેપકીન વડે હળવા હાથે કોરો કરી લો. ચહેરો સારી રીતે સાફ કરીને મેકઅપ કરવાથી આંખો નથી બળતી અને કાજલ વધારે સમય સુધી ટકી રહે છે.
પ્રાઈમર લગાવો : શ્રૃંગાર કરવાથી પહેલા ચહેરા પર, ખાસ કરીને આંખોની આસપાસ પ્રાઈમર લગાવો. તમે ચાહો તો લૂઝ પાવડર પણ લગાવી શકો છો. આ બેઝ કોટ કાજલને ફેલાતો ખાળે છે. વાસ્તવમાં આપણી આંખો નીચે અને પલકો પર વધારાની તૈલીય ગ્રંથિઓ હોય છે જેને પગલે કાજલ ફેલાઈ જવાની ભીતિ વધી જાય છે. પરંતુ જો પ્રાઈમર અથવા લૂઝ પાવડર લગાવવામાં આવે તો આ વિસ્તારમાં ઝમતું તેલ સુકાઈ જાય છે અને કાજલ ફેલાવાની શક્યતા ઘટે છે.
કંસીલર લગાવો : આંખો નીચે કાળા કુંડાળા ન હોય એવું ભાગ્યે જ જોવા મળે. મેકઅપ કરતી વખતે આ કાળા કુંડાળાને ઢાંકવા તમારી ત્વચાના વર્ણ સાથે મેળ ખાય એવું કંસીલર અથવા અંડર આઈ ક્રીમ લગાવો. તેને કારણે કાળા કુંડાળાનો રંગ તમારી ત્વચા જેવો થઈ જશે. પરિણામે કાજલ લગાવ્યા પછી પણ આંખો અને તેની આસપાસનો ભાગ વધુ ડાર્ક નહીં લાગે. બલ્કે આઈ મેકઅપ વધુ સારી રીતે દેખાશે અને ફેલાશે પણ નહીં.
સારી ગુણવત્તા ધરાવતું કાજલ લગાવો : કેટલાંક કાજળ લગાવ્યા પછી થોડીવારમાં ફેલાવા લાગે છે. વળી ગરમીના દિવસોમં પરસેવો થવાથી તો તે તરત જ ફેલાઈ જાય છે. બહેતર છે કે સારી ગુણવત્તા ધરાવતું કાજલ લગાવો. કાજલ ખરીદતી વખતે તે સ્મજપ્રૂફ છે કે નહીં તે તપાસી લો. આ પ્રકારના કાજલ લગાવવાથી આંખોમાં પાણી નથી આવતું. અને તે ફેલાઈ પણ નથી જતું. જોકે હવે મર્યાદિત બજેટમાં ૧૬થી ૨૪ કલાક સુધી વ્યવસ્થિત રીતે ટકી રહે એવા કાજલ મળી રહે છે. આમ છતાં જેલ બેઝ્ડ કાજલ અને આઈ લાઈનર ખરીદવાનો પ્રયાસ કરવો. હા, નેણને ભરપૂર વૉલ્યુમ આપવા મસ્કરાના બે કોટ લગાવવા.
કાજલ અંદરથી બહાર તરફ લગાવો : કાજલ હમેશાં અંદરથી શરૂ કરીને બહાર તરફ લગાવો. આ રીતે લગાવવાથી તે ફેલાઈ જવાની ભીતિ ઘટે છે. તદુપરાંત કાજલના બે કોટ લગાવવા સલાહભર્યાં છે. પહેલા એકદમ પાતળો કોટ લગાવીને બે-ત્રણ મિનિટ રોકાઈ જાઓ. ત્યાર પછી તેના ઉપર બીજો કોટ લગાવો. તમે ચાહો તો આઈ લાઈનરનો એક એકદમ પાતળો કોટ લગાવ્યા પછી તેના ઉપર કાજલ લગાવો. આમ કરવાથી કાજલ લૉક થઈ જશે અને લાંબા કલાકો સુધી યથાવત્ રહેશે.
સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો : આઈ મેકઅપ પર સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરવાથી તે લાંબા કલાકો સુધી ટકી રહે છે.
મેકઅપ કર્યા પછી કાજલની જેમ જ લિપસ્ટિક પણ ફેલાઈ જવાની ભીતિ રહે છે. આવી સ્થિતિમાં જે તે પામેલા સુંદર દેખાવાને બદલે ભદ્દી લાગે છે. તેથી આંખોના મેકઅપની જેમ અધરનો શ્રૃંગાર પણ બહુ કાળજીપૂર્વક કરવો રહ્યો. સૌંદર્ય નિષ્ણાતો તેના વિશે સમજ આપતાં કહે છે..,
હોઠ મોઇશ્ચરાઈઝ અને સ્ક્રબ કરો : સૌથી પહેલા અધર વ્યવસ્થિત રીતે સાફ કરી લો. હવે તેને સ્ક્રબ કરો. સ્ક્રબ કરવા તમે લીંબુના રસ અને ખાંડના મિશ્રણનો ઉપયોગ પણ કરી શકો. એકદમ હળવા હાથે સ્ક્રબ કરવાથી હોઠ પરની મૃત ત્વચા દૂર થઈ જશે અને અધર એકદમ સુંવાળા લાગશે. સ્ક્રબ કર્યા પછી હોઠ પર સારી ગુણવત્તા ધરાવતું લિપ માસ્ક, લિપ બામ, લિપ ઑઈલ અથવા લિપ જેલ લગાવો. આમ કરવાથી અધરની પ્રાકૃતિક ભીનાશ જળવાઈ રહેશે અને લિપસ્ટિક હોઠ પર લાંબા સમય સુધી ટકશે. મહત્વની વાત એ છે કે તેને કારણે મેટ લિપસ્ટિક લગાવશો તોય અધર રૂક્ષ નહીં બને.
અધર પર પ્રાઇમર લગાવવાનું ન ભૂલો : મેકઅપ કરતી વખતે સમગ્ર ચહેરા સાથે હોઠ પર પણ પ્રાઈમર લગાવવાનું ન ચૂકો. હળવું, ટ્રાન્સફર પ્રૂફ પ્રાઈમર લગાવ્યા પછી લિપસ્ટિક લગાવવાથી તે લાંબા સમય સુધી ટકી રહે છે.
લિપ લાઈનર લગાવો : તમારા અધરની કિનારીઓ પર લિપ લાઈનર લગાવ્યા પછી લિપસ્ટિક લગાવવાથી તે ફેલાતી નથી. તમે ન્યુડ લિપસ્ટિક લગાવવા ઇચ્છતા હો તો ઘેરા રંગનું લિપ લાઈનર લગાવો. તેને કારણે તમારા ઓષ્ટનો આકાર ઉડીને આંખે વળગશે. અને જો તમે ડાર્ક કલરની લિપસ્ટિક લગાવવાના હો તો એવા જ રંગનું લિપ લાઈનર લગાવો.
લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક ખરીદો : એ સમય વિતી ગયો જ્યારે માત્ર મેટ લિપસ્ટિક જ લાંબા કલાકો સુધી અધરની શોભા બની રહેતી, તે ફેલાઈ જવાનો કોઈ ડર ન રહેતો. આજની તારીખમાં ૧૬થી ૧૮ કલાક સુધી ફેલાયા વિના ઓષ્ટને વળગી રહેતી ગ્લોસી લિપસ્ટિક પણ બજારમાં મળી રહે છે. તેથી લિપસ્ટિક ખરીદવાથી પહેલા તે કેટલા કલાક ટકશે, ફેલાશે તો નહીં ને? જેવી બાબતોની ખાતરી કરી લો.
- વૈશાલી ઠક્કર