ગૃહસજાવટ સિવાય પણ ખપ લાગે સુગંધી ફૂલ-છોડ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ગૃહસજાવટ સિવાય પણ ખપ લાગે સુગંધી ફૂલ-છોડ 1 - image


એક વખતે સુગંધી ફૂલોનો ઉપયોગ ફૂલદાનીમાં સજાવટ માટે થતો હતો. બેઠક ખંડના સેંટર ટેબલ પર ગોઠવેલી સરસ મઝાની ફૂલદાનીમાં વિવિધ પ્રકારના સુગંધી પુષ્પોનો ગુચ્છ અનોખું આકર્ષણ પેદા કરવા સાથે મનને તરબતર કરી દેતું. પરંતુ હવે સમય બદલાયો છે. આજની તારીખમાં માત્ર સોડમ પ્રસરાવતાં ફૂલો જ નહીં, અરોમા પ્લાન્ટ્સની માગ પણ વધી પડી છે. એટલું જ નહીં, લોકો ઘરનું વાતાવરણ ખુશનૂમા બનાવવા માટે સુગંધી ફૂલો અને છોડવાઓનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે...,

આધુનિક સમયમાં લોકોને સવા મણની તળાઈમાં પણ ઊંઘ નથી આવતી. આવી તાણભરી જીવનશૈલીમાં સરસ મઝાની નીંદ્રા લાવવામાં કેમોમાઇલ પ્લાન્ટ કામ આવી શકે. કેમોમાઇલ, એટલે કે બબુનાના છોડમાંથી થોડાં પાંદડા તોડીને તેને સુકવી દો. હવે તેને ચામાં નાખીને ઉપયોગમાં લો અથવા તેનું સેચે બનાવી લો. આ સેચે તમારા ઓશિકા નીચે મૂકીને ઊંઘી જાઓ. કેમોમાઇલની સુગંધથી તમને શાંત નીંદ્રા આવી જશે.

ચોક્કસ મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ માઝા મૂકતો હોય છે. સ્વાભાવિક રીતે જ લોકો મચ્છરોને દૂર ભગાડવા બજારમાં મળતાં અલગ અલગ પ્રકારના મોસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરવા માંડે છે. પરંતુ આમાંના મોટાભાગના રેપેલન્ટ શ્વાસ સંબંધી વ્યાધિ નોંતરે છે. આવી સ્થિતિમાં ઘરને મચ્છરપ્રૂફ બનાવવામાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ હિતાવહ લેખાય. અને આ કુદરતી વસ્તુ એટલે લેમનગ્રાસ. લેમનગ્રાસને કોચિન ગ્રાસ કે મલબાર ગ્રાસ પણ કહેવાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ વિવિધ પ્રકારના વ્યંજનો બનાવવા માટે થાય છે. પરંતુ હવે લોકો તેનો ઉપયોગ મચ્છર ભગાડવા માટે પણ કરે છે. તેને માટે ઝાઝું કાંઈ કરવાની જરૂર નથી. બસ, લેમનગ્રાસને સનફ્લાવર ઓઈલમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાનો રહે છે. બજારમાં પણ આ મોસ્કિટો રેપેલન્ટ સહેલાઈથી મળી રહે છે.

વિવિધ જાતના વ્યંજનોમાં વપરાતાં તમાલપત્ર પણ તમને દિવસભર તરોતાજા રાખી શકે. તમે કોઈ વઘારમાં તમાલપત્ર નાખો ત્યારે આખું રસોડું મહેકી ઉઠે. બિલકુલ એવી જ રીતે તમાલપત્ર તમારા વસ્ત્રોને પણ ખુશ્બોદાર બનાવી શકે. તમને જે વસ્ત્ર પહેરવાં હોય તે તમારા બગીચામાં રહેલા તમાલપત્રના છોડવાં પર મુકી રાખો. તમારા કપડાંમાં તેની સુગંધ ફેલાઈ જશે અને જ્યારે તમે એ પોશાક પહેરશો ત્યારે આ સુગંધ તમને પણ તાજગી બક્ષશે.

તમે તમારું કબાટ કે ડ્રોઅર ખોલો ત્યારે તેમાંથી સોડમ પ્રસરે તો કેવું? હવેથી તમે કબાટમાં અને ડ્રોઅરમાં ફિનાઇલની ગોળીઓના સ્થાને પોપુરી સેચે, એટલે કે અલગ અલગ જાતના સુગંધી ફૂલોની સુકવેલી પાંખડીઓને એકઠી કરીને બનાવવામાં આવેલી પોટલી રાખવાનું શરૂ કરી દો. તમે ચાહો તો તેને માટે મલમલનું ઝીણું કાપડ ઉપયોગમાં લો કે પછી જાળીદાર કપડું.

પોપુરીનો ઉપયોગ પ્રસંગોપાત ઘરને ખુશ્બોદાર બનાવવા માટે પણ થઈ શકે. જો તમારા ઘરમાં ગુલાબ, મોગરા, લવંડર, ચંપા, જબાકુસુમ, જાસવંતી જેવા મઘમઘતા ફૂલોના છોડ હોય તો તેમાંથી આ ફૂલો તોડીને સુકવી લો. અથવા બજારમાંથી આ અને આવા ફૂલોની સુકવેલી પાંદડીઓ ખરીદી આવો. તમારા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આ પાંદડીઓ કાચના ખુલ્લા બાઉલમાં નાખીને ઓરડાની શેલ્ફ પર મૂકી દો. તમે ચાહો તો તેમાં થોડી લવિંગ પણ નાખી શકો. હવે જૂઓ તમારો રૂમ કેવો મઘમઘી ઉઠે છે. 

- વૈશાલી ઠક્કર


Google NewsGoogle News