અહો, શ્વાસ મધ્યે વસંતો મહોરી... .
- અંતર- રક્ષા શુક્લ
તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે,
મને ખાલી તું રોવા તો દે.
જિંદગી! શેની ઉતાવળ છે,
જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!
તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.
તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.
રાખ થૈ જાશે ઘડીભરમાં
સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.
- જિગર જોશી
રંગોની વાત કરીએ તો તરત પતંગિયું સામે આવે. પતંગિયું ઊડી ગયા પછી જાણે શૂન્ય પણ રંગાઈ જાય છે. એના અદ્ભુત રંગો આંખોમાંથી ખસતા નથી. બધા રંગો ટોળે વળીને તરન્નુમનો તાર છેડે તો 'મેઘધનુષ'નાં હિંચકે આખી સૃષ્ટિ ઝૂલવા લાગે છે. અઢારમી સદીના રોમેન્ટિક કવિ વર્ડ્ઝ વર્થ તરત લખી નાખે, ‘My heart leaps up when I behold a rainbow in the sky'. રંગો એ કુદરતનું અદભુત સર્જન છે. કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. સર્જનહાર કુદરતમાં કઈ રીતે રંગો ભરે છે તે એક જાદુઈ કોયડો છે. રંગોથી જ આ સૃષ્ટિ નયનરમ્ય લાગે છે. આપણી આસપાસ ચોમેર આ રંગો પથરાયેલા છે. મનની આંખો હોય તો માનસરોવર કે મનાલી જવાની કોઈ જરુર નથી. ઘરની ટેરેસ પર જઈને આકાશને આવરી લેતા ઉષા કે સંધ્યાના જાદુઈ રંગો કે બગીચાના ફૂલોના મનભાવન રંગો તમને આશ્ચર્યમાં ગરકાવ કરી મન પર પ્રસન્નતાની પીંછી ફેરવી દેવા સક્ષમ છે.
'ચુટકી વાલી' હોળીની મજા નથી. ખોબલે ખોબલે ઉડાડાતા હોળીના રંગોથી વાતાવરણ ભરાય જાય અને ખેલૈયા રંગાઈ જાય ત્યારે જ ભીગી ચુનરિયામાંથી 'રંગ બરસે' છે. સુખડ જેમ ઉતરતી સંવેદના શબ્દોમાં મોક્ષ પામે એમ રંગોમાં પણ પામે. જો કે અત્યારના યુગમાં જેની બોલબાલા છે એવી એબ્સર્ડ ચિત્રશૈલી માણસના ભૌતિક દોડથી અશાંત થયેલા મનને અને વેરવિખેર જિંદગીને દર્શાવે છે. વિવિધ રંગોના લસરકા માણસના વ્યક્તિત્વ વિષે કેટલું બધુ કહી જાય છે. રંગોનો પોતાનો એક મૂડ અને પ્રભાવ પણ હોય છે. જેમ સ્પર્શની એક ભાષા હોય એમ દરેક રંગની પણ એક નોખી અનોખી ભાષા હોય છે. એક પણ શબ્દ બોલ્યા વગર રંગો ઘણું બધું કહી જાય છે. ફળનો રંગ તમને એ નક્કી કરવા મદદ કરે છે કે એ કેટલું પાકેલું છે. આકાશ અને વાદળોનો રંગ તમને હવામાન પારખવા મદદ કરે છે. દરેક રંગની ખાસિયતો અને પ્રકૃતિ એક-બીજાથી ખૂબ અલગ પડે છે. લાલ રંગની ખાસિયત એ છે કે તે ઉમંગ, પ્રેમ, ઉત્સાહ, જોશ-ઝનૂન, હિંસા, મહત્વાકાંક્ષા, ગુસ્સો અને મંગલ દર્શાવે છે. પીળો રંગ આશાવાદ, ખુશાલી, માંદગી, ફિક્કાશ કે પ્રકાશ સૂચવે છે. લીલો રંગ સંતુલન, ફળદ્રુપતા, સમૃદ્ધિ, હકારાત્મકતા, ખુશહાલી અને આત્મવિશ્વાસ દર્શાવે છે. જાંબલી એ બાદશાહી રંગ છે જે જાહોજલાલી અને રાજવી ઠાઠ સૂચવે છે. સફેદ રંગનો અર્થ પવિત્રતા, સ્વચ્છતા, નિષ્કપટતા, સાદગી, શોક, શુદ્ધતા અને સપૂર્ણતા છે. આકાશ હોય કે સમુદ્ર હોય બંનેનો અનુભવ તમે વાદળી રંગમાં કરી શકો છો. બ્લ્યૂ રંગને પણ તમે તમારા ઘર માટે પસંદ કરી શકો છો. એ વિશાળતા, ગંભીરતા, ઊંડાણ, પ્રામાણિકતા, વિશ્વાસ, શાંતિ કે ઉદારતા દર્શાવે છે. આમ અનેક રંગોની અનેક અર્થછાયા અને માયા છે. કેસરી રંગ બલિદાન, શૌર્ય, સ્વાતંત્ર્ય, ત્યાગ વગેરે દર્શાવે છે. કાળા રંગનું એક ખાસ સંમોહન છે જે રહસ્ય, ડર, શોક, મલિનતા, અમંગળ કે ઉદાસીનતા સૂચવે છે. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે અઠવાડિયા માટે આવેલા ફ્રાન્સનાં બાળકોએ પેઇન્ટિંગ દ્વારા સામાજિક સંદેશાઓ આપ્યા. બાળકોના મન પર આવી પ્રવૃત્તિ ઊંડી અસર છોડી જાય છે.
વિખ્યાત લેખક, ચિત્રકાર અમૃતલાલ વેગડ કહે છે કે,''મારા ગુરુ નંદલાલ બોઝે મને કહ્યું હતું કે 'જીવનમાં સફળ થતો નહીં, કારણ કે સફળ થનારાઓની કોઈ કમી નથી. તું જીવનને સાર્થક બનાવજે. ગુરુદેવની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એ શબ્દોએ મને ૪,૦૦૦ કિલોમીટર ચલાવ્યો. નર્મદાની પરિક્રમાનો અદભુત અનુભવ આપ્યો. નીકળ્યો તો ચિત્રો કરવા માટે, પણ એ પ્રવાસમાં મને શબ્દો જડયા. રંગોના દેશનો માણસ શબ્દોના મુલકમાં આવ્યો.'' અમૃતલાલ વેગડ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષાના બહુ વંચાયેલા લેખક ઉપરાંત ઉત્તમ ચિત્રકારો પૈકીના એક હતા. તેમણે એક વખત કહેલું, ''આપણી આસપાસ ડૉક્ટરો અને એન્જિનિયર બનાવવાની કોલેજો છે, પણ સારા માણસ બનાવવાની કોલેજ નથી. એ પ્રશિક્ષણ નર્મદાની પરિક્રમામાં આપોઆપ મળે છે.'' સાચા કલાકારને પદયાત્રામાં ચિત્રોના અગણિત વિષયો મળી રહે છે.
રંગોની અસર જાગ્રત મન અને અજાગ્રત મન પર થતી હોય છે. ઘરની દિવાલો પર નવો રંગ કરીએ કે તરત જ આખા ઘરનું ઇન્ટિરીયર પણ નવું લાગવા લાગે છે. તમારો મનપસંદ રંગ તમારા વિષે શું જણાવે છે તે વિષે તમને ક્યારેય આશ્ચર્ય થયું છે? તમારા મનપસંદ રંગથી તમારી પ્રકૃત્તિદત્ત ખાસિયતો પ્રકટ થાય છે.
હોલીકાદહન એ અનિષ્ટ પર ઇષ્ટનો વિજય દર્શાવે છે. હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી. જે એને વિનાશ તરફ દોરી ગઈ. પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી. આગમાં હોલિકા સળગી ગયાં અને પ્રહલાદ બચી ગયા. હોળી-ધૂળેટી એ 'રંગોનો તહેવાર' કહેવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. હોળી દરમિયાન વપરાતા કેટલાંક કૃત્રિમ રંગોથી ત્વચા અને વાળને નુકસાન પહોંચી શકે છે. આથી આ રંગોના વિકલ્પે પ્રાકૃતિક રંગો વાપરી શકાય જેનાથી નુકસાન પણ ન થાય અને તહેવારની મજા પણ માણી શકાય. પણ યાદ રાખજો, આજના સમયમાં તો તમારા ખિસ્સામાં મોંઘો સ્માર્ટ ફોન પણ છે. એને સેફ રાખવા ઝિપલોક બેગનો જરૂર ઉપયોગ કરો.
હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ અને ફૂલદડી ફેંકવી એ તેમની લીલાનો એક અંગ મનાય છે. ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે. ફાગણના ફૂલોની વાત કરીએ ને કેસુડાને ભૂલીએ તો વાસંતીબેન રિસાય જ. સંત કવિ સુન્દરમે લખ્યું કે
'મને ફાગણનું એક ફૂલ આપો,
કે લાલ મોરા કેસૂડો
કામણગારો જી લોલ'.
કામણગારા કેસુડાને જોઈ
કવિ રમેશ પારેખ તો પૂછી બેસે છે કે
'પલાશ પી ગયો હશે 'ફેન્ટા' ?
નશામાં કેટલો એ લઘરો છે'.
આ કેસરિયા ઉછાળ વચ્ચે તમે પણ વ્હાલી સખીને મળીને ગાઈ ઉઠશો કે 'એલી, તારું હૈયું કેસુડાનું ફૂલ'.
આપણે જિંદગી તો જીવીએ છીએ પણ જિંદગીના સઘળા રંગો જોડે મજાથી રમતા નથી. સુખ અને દુ:ખ એ જિંદગીના જ રંગો છે. જિંદગીમાં જો ઉથલપાથલ ના હોય તો જિંદગી જીવવાની મજા જ ક્યાં છે ! પણ આપણે તો ઉથલપાથલનું નામ સાંભળીને જ કલ્ટી મારી દઈએ છીએ. જીવનમાં ક્યારેક ખુશી તો ક્યારેક ગમ હોય છે. એની જ મજા છે. એકલી મીઠાઈ રોજ ખાઈ શકાય ખરી? દુ:ખના કે નિષ્ફળતાના રંગને ઉતારતા પણ શીખવું જોઈએ. રાજેન્દ્ર શુક્લની ગઝલનો એક શેર વસંતના આ આગમન નિમિત્તે અર્પણ... 'અહો, શ્વાસ મધ્યે વસંતો મહોરી ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી.' કવિ કહે છે કે આ ભીતર મહેકતી નિત્ય વસંતની ગઝલ છે. માણસ પોતાની અંદર જો વસંતને ઉછેરે તો પછી પ્રત્યેક ક્ષણ ધૂળેટી જેવી ઓચ્છવી હોય બની જાય છે...
ઇતિ...
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
- ડૉ. રાધાકૃષ્ણન