Get The App

પૌષ્ટિક આહાર ગણી શકાય તેવાં વેરાયટીસભર સૂપ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
પૌષ્ટિક આહાર ગણી શકાય તેવાં વેરાયટીસભર સૂપ 1 - image


ઇંગ્લેન્ડમાં સપર (ડિનર) શબ્દ સૂપ-અપ પરથી આવ્યો છે. જૂના જમાનામાં રાતના જમવામાં સૂપ મુખ્ય ખાણું હતું. એ વખતે લોકો પોતાની જાતનાં જૂથો સાથે રહેતા હતા. તેમના રસોડામાં કાયમ એક અગ્નિ પ્રગટાવેલો રહેતો અને એમાં એક મોટું વાસણ મૂકીને શાકભાજી, ધાન વગેરે પકવવામાં આવતું. એનું લીક્વિડ દ્રાવણ બનતું જેને સૂપ કહેવામાં આવતો. બધા આ સૂપમાં બ્રેડ બોળીને ખાતા.

ભારતમાં મોટે ભાગે ટમેટાંનો સૂપ જ પ્રચલિત છે, પણ સૂપનો એ ખરો અર્થ નથી. સૂપને એક સંપૂર્ણ આહાર બનાવી શકાય છે. એમાં શાકભાજી, મગની દાળ, તુવેરની દાળ, ભાત નાખી શકાય છે. તમને થશે કે સૂપમાં આ બધું થોડું હોય? પણ હું તમને સૂપની અમુક સાવ સાદી-સરળ રેસિપી આપીશ અને તમને થશે કે સૂપ ખરેખર હેલ્ધી ફૂડ છે. આજે બાળકોને આપણી ટિપિકલ રસોઈ નથી ભાવતી. તેઓ અમુક શાકભાજી કે ધાન ખાતાં જ નથી. તેથી તેમને જાત-જાતની શારીરિક ઊણપ આવે છે. તેમને અલગ-અલગ જાતના સૂપ બનાવીને આપવાથી સ્વાસ્થ્યવર્ધક પદાર્થો ખાતાં થશે.

ક્લિયર સૂપ : જે પાણીમાં શાકભાજી બાફો એ પાણીને ફેંકી ન દેતાં એમાં ગાજર, ફણસી, મીઠું અને મરી નાખી ક્લિયર સૂપ બનાવો. ડાયેટિંગ કરનારાઓ માટે પણ આ સૂપ સારો છે.

પાલક સૂપ : ઘણા લોકો વાઈટ સોસ અને મેંદાનો સૂપમાં વપરાશ કરે છે. હું એમ કરવા કરતાં ઘઉંનો લોટ વાપરવાનું કહીશ. એક ચમચા જેટલો ઘઉંનો લોટ લઈ એના ધીમા તાપે ગેસ પર શેકો, પછી એમાં દૂધ નાખો અને પછી પાલકની પ્યુરી નાખી ગેસ પર થોડી વાર ઉકાળો. 

ટોમેટો સૂપ : ઉપરની રીત પ્રમાણે ટમેટાંની પ્યુરી નાખી ટોમેટો સૂપ બનાવી શકાય.

બાળકો દૂધી, કોબી વગેરે શાક નથી ખાતાં. તેમને મિક્સ વેજિટેબલ સૂપ આપી શકાય. જેથી કોઈ લોહ તત્ત્વની ઊણપ નહીં રહે.

દુનિયાની ૯૦ ટકા સંસ્કૃતિના ખાનપાનમાં સૂપને એક યા બીજી રીતે સ્થાન છે.

મેક્સિકન - ફણસી મેક્સિકનોની હોટ ફેવરિટ છે. મેક્સિકન સૂપ સાથે ટાકોસ કે નાચોસ પીરસી શકાય.

અમેરિકન - અમેરિકામાં સ્વીટ કોર્ન 'કોર્નકોડર' થાય છે. એનો વાઈટ સોસ સાથે સૂપ બનાવવામાં આવે છે.

ઇંગ્લેન્ડ - અંગ્રેજોએ આપણા દેશમાં ઘણાં વર્ષો રાજ કર્યું છે. તેથી તેમની ખાણીપીણીમાં ભારતીયતાનો અંશ જોવા મળે છે. દક્ષિણ ભારતીય વાનગી માલિગહવાની જે એક પ્રકારનો સંભાર છે એ અંગ્રેજો સૂપ તરીકે પીએ છે. એમાં તુવેરની દાળ, ટામેટાંનું પાણી, ગરમ મસાલો અને શાકભાજી હોય છે.

ફ્રેન્ચ અને ઇટાલિયન : મોટા ભાગના ફ્રેન્ચ અને ઇટાલિયન સૂપમાં નોન-વેજનો વપરાશ વધુ થાય છે.

તિબેટિયન - શાકભાજી, સેલરી અને નૂડલ્સનો વપરાશ તિબેટિયન સૂપમાં થાય છે.

ચાઇનીઝ : 'સ્વીટ ક્રીમ સ્ટાઇલ' નામનું તૈયાર ટિન ઘણી કંપનીઓનું મળે છે. સ્વીટકોર્ન કોર્નફલોર અને પાણીનું પાતળું મિશ્રણ બનાવવામાં આવે છે.

થાઈ - 'તમિયમ' નામનો સૂપ બનાવવામાં આવે છે. મોટા વાસણમાં પાણીમાં સૂપના ક્યુબ્સ નાખી એમાં આદું, લસણ, લીલી ચા અને એક-બે કાશ્મીરી મરચાં ૧૦.૧૫ મિનિટ ઉકાળવાં, પછી એમાં લીંબુ, કોથમીર, ગાજર, મશરૂમ વગેરે નાખવા.

કોલ્ડ સૂપ : ૧ કાકડીની પ્યુરીમાં દહીં અને લસણ નાખીને ફ્રિજમાં મૂકો. રાયતા જેવું જાડું નહીં, થોડું પાતળું મિશ્રણ બનાવો, ઠંડુ થયા પછી ખાઓ.

ગ્રેઝપાચો (વિદેશી વાનગી) અને ટમેટાંની પ્યુરીને ઉકાળતી વખતે એમાં સેલરી, ગાજર અને કાકડીના ટુકડા નાખો. પછી ફ્રિજમાં ઠંડુ કરીને ખાઓ.

કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે તેને ખોરાક નથી ભાવતો. તેના શરીરમાં નબળાઈ ન આવી જાય એ માટે કંઈક ખાવું જરૂરી હોય છે. આવા વખતે  સૂપ ઉત્તમ ખાણું છે. અમસ્તા પણ જમતાં પહેલાં સાંજે ચા પીવા કરતાં સૂપ પીવો સ્વાસ્થ્ય માટે સારું છે.


Google NewsGoogle News