Get The App

વિન્ટરમાં પાડો વટ લેધર ગાર્મેન્ટની વેરાયટી

Updated: Dec 13th, 2022


Google NewsGoogle News
વિન્ટરમાં પાડો વટ લેધર ગાર્મેન્ટની વેરાયટી 1 - image


આપણા વોર્ડરોબમાં લેધરની (ચામડું) બેગ અને શૂઝ હોય જ છે. પરંતુ જ્યારે ગાર્મેન્ટની વાત આવે છે ત્યારે વાત અનોખી થઈ જાય છે. આપણે ત્યાં લેધરના વસ્ત્રોની વાત આવે એટલે લેધર જેકેટ યાદ આવી જાય છે. પરંતુ જેકેટ ઉપરાંત સ્કર્ટ અને લેધર પેન્ટની માગ પણ વધી છે. કાળુ લેધર સ્કર્ટ  અને લાંબા શૂઝ પહેરવાથી એકદમ સેક્સી દેખાય છે.

મોટાભાગની કોલેજીયનો આજકાલ લેધર ગાર્મેન્ટ પાછળ દીવાની બની છે. કોલેજમાં જીન્સની ઉપર લેધર જેકેટ પહેરવાની ફેશન ચાલે છે. પણ પાર્ટીમાં જવા તેઓ લેધર પેન્ટ પહેરે છે. તે ઉપરાંત લેધરના કપડા શિયાળામાં હુંફ પણ આપે છે.

કોલેજીયન યુવાનો ઉપરાંત ઘણા ત્રીસી વટાવી ગયેલાઓ પણ લેધરના કપડાને પસંદ કરે છે. શિયાળામાં ઉનના વસ્ત્રો પહેરવાને બદલે તેઓ લેધરના કપડા પહેરે છે. તેમના મતે લેધરના કપડા પહેરવાથી લુક સ્માર્ટ થાય છે. ઉનની એલર્જી  હોય તો તે ઉત્તમ પર્યાય સાબિત થાય છે.

ચામડું કુદરતી છે એટલે તેને પહેરવાથી ઉન કરતાં વધારે હૂંફ મળે છે. અને તમારી જ બીજી ત્વચા હોય  એવું તમને લાગે છે.

લેધરના કપડા પહેરવાનો ટ્રેન્ડ વર્ષોથી છે. પરંતુ તેની સ્ટાઈલમાં ફેરફાર થતો રહે છે. પહેલા લેધરનું નામ પડતાં જ કાળો રંગ યાદ આવતો હતો. પણ હવે તે વિવિધ રંગોમાં મળે છે. અને તેને લોકોએ પ્રેમથી અપનાવ્યું છે. આ શિયાળામાં સફેદ રંગના લેધરના કપડાની ફેશન છે. તથા જેકેટમાં લાઈટ બ્લુ રંગની માગ પણ વધારે છે. અને ઘુંટણ સુધીની લંબાઈના સ્કર્ટની જ ફેશન છે.

જોકે આજકાલ કુત્રિમ કે પીવીસી લેધરની બોલબાલા વધારે છે. કુત્રિમ લેધરનો દેખાવ કુદરતી લેધર જેવો જ હોય છે. પણ તે સાચવવામાં સહેલું પડે છે. તથા તે વિવિધ રંગોમાં મળે છે. તે ઉપરાંત  જેકેટમાં સુંવાળુ ચામડું વાપરવાનો ટ્રેન્ડ છે. પેન્ટ પણ આ પ્રકારના લેધરમાંથી જ બનાવવામાં આવે છે.

આ સીઝનમાં ઘેરા રંગના જેકેટમાં ભરતકામ કરેલું તથા બટન લગાડેલા હોય છે. અને હવે ચામડાના વસ્ત્રોમાં એમ્બ્રોઈડરીની ફેશન છે. પેન્ટ, સ્કર્ટ કે જેકેટ બધામાં એમ્બ્રોઈડરી કરવામાં આવે છે. થોડા વખતમાં બજારમાં આર્મી જેવા ફરની ઝાલરવાળા પોણિયા લંબાઈ ધરાવતા જેકેટ મળશે.

લગભગ છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી ચામડાના વસ્ત્રો પ્રચલિત છે. પરંતુ દર સમયાંતરે તેની સ્ટાઈલ બદલાતી જાય છે, આજે જેે પ્રકારના લેધરના કપડાનું ચલણ છે. તે સામાન્ય કપડા જેવા હળવા જ હોય છે. તેથી આ પ્રકારના કપડા પહેરવા સુવિધાભર્યા રહે છે. આજના યુવાનોમાં કાળા ઉપરાંત અન્ય ઘેરારંગના શેડ્સનું ચલણ  પણ વધારે છે.

આજના ગ્રાહકોેની પસંદ પણ બદલાઈ ગઈ છે. જોકે, લેધરના વસ્ત્રો પહેરનારા ત્રણ પ્રકારના  ગ્રાહકો છે. જે વિદેશોમાં જાય, વિદેશી સહેલાણીઓ, જે ફેશનેબલ વસ્ત્રો પહેરવાના શોખીન હોય (યુવાનો ૨૦*૪૦ વર્ષના)  અને આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડના જાણકાર હોય. આજે મોટાભાગના ઉત્પાદકો પણ ગ્રાહકની પસંદને ધ્યાનમાં રાખીને લેધરના વસ્ત્રો બનાવે છે. જેમ કે કોલેજિયન યુવતીઓ માટે ચેનવાળા શોર્ટ જેકેટ છે. જ્યારે તેનાથી થોડી મોટી યુવતી માટે કમર સુધીની લંબાઈના જેકેટ છે, જેમાં બે પોકેટ અને બટન હોય છે. જ્યારે સ્ત્રીઓ માટેના લેધર પેન્ટ પહેલાની જેવા જ પાંચ પોકેટવાળા જ હોય છે. પરંતુ આધુનિક સ્ટાઈલ પ્રમાણે લો*વેસ્ટના હોય છે. જેમાં લેસ મૂકી હોય તથા એમ્બ્રોઈડરી પણ કરી હોય છે. સુંવાળા ચામડાના પેન્ટથી ઘણી  હુંફ મળે છે. અને ગરમી લાગે છે. આજકાલ લેધરના મીની સ્કર્ટની ફેશન હોટ છે.

લેધરના કપડાની જાળવણી

* તમે ગમે તેટલા લેધરના કપડા વાપરશો છતાં તે કાપડના કપડા જેવા જૂના નહીં દેખાય.  પરંતુ તે વધુ સારા બનશે.

* ઉનાળામાં તે હેંગર ઉપર લટકાવીને રાખો. તેના પર પ્લાસ્ટીકનું કવર ન ચઢાવવું.

* ચોમાસામાં કોરા કપડાથી તેને લૂંછી નાંખવા.

* જો લેધરના કપડાને ફુગ ચડી ગઈ હોય તો ૧ ચમચી ડેટોલ ૧/૨ લીટર હુંફાળા  ગરમ પાણીમાં નાંખીને લેધરના કપડા પર ઘસો. આનાથી ફુગ જતી રહે છે.

* જો લેધરના કપડા વધારે ખરાબ થયા હોય તો તેને સાધારણ સાબુ કે શેમ્પૂથી સાફ કરો. ડિટર્જન્ટ ન વાપરો.

- નીલા


Google NewsGoogle News