લહંગાના સ્થાને પરંપરાગત સાડી પહેરવાનું ચલણ
- નવી પેઢીની નવોઢાઓમાં વધ્યું
મહાનગરોમાં વસતી માનુનીઓ જાણે કે સાડી પહેરવાનું ભૂલી જ ગઇ હોય એવો સિનારિયો જોવા મળી રહ્યો છે. તેઓ માત્ર વિવાહ કે પૂજા જેવા ખાસ પ્રસંગે જ સાડી પહેરે છે.અને તે પણ પોતાના લગ્નમાં સાડીને બદલે લહંગા-ચોળી પર પસંદગી ઉતારે છે.અલબત્ત, આમાં ફેશન ડિઝાઇનરોનો મોટો હાથ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં તેમણેે ડિઝાઇનર લહંગા-ચોળીને એટલા બધા હાઇલાઇટ કર્યાં છે કે ગુજરાતી યુવતીઓના મનમાં પણ જાણે કે ઠસી ગયું છે કે પોતાના લગ્નમાં તો ડિઝાઇનર લહંગા-ચોળી જ પહેરાય.પણ હવે આ ટ્રેન્ડ થોડો ઝંખવાઇ રહ્યો છે. અને તેનો યશ જાય છે બોલીવૂડ અદાકારાઓના ફાળે.
છેલ્લા કેટલાંક વર્ષમાં અનુષ્કા શર્માથી લઇને પત્રલેખા,દીપિકા પાદુકોણ જેવી ઘણી અભિનેત્રીઓએ પોતાના વિવાહમાં સાડી પહેરીને આપણી આ ઝાંખી પડી ગયેલી પરંપરાને ફરીથી લાઇમલાઇટમાં લાવી દીધી છે.તેથી તમે પણ જો એમ વિચારી રહ્યાં હો કે પોતાના લગ્નમાં તો લહંગા-ચોળી જ પહેરવા પડે તો ફરીથી વિચાર કરી લો.
અત્રે ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્માએ પોતાના હળવા ઓરેન્જ રંગની સુંદર સાડી પહેરી હતી. તેના સાથે તેણે વાળને ચપોચપ ઓળીને અંબોડો વાળ્યો હતો. આવો જ લુક દીપિકા પાદુકોણનો પણ જોવા મળેલો.મોટાભાગની ભારતીય દુલ્હનો રાતા રંગની સાડી પહેરવાનું પસંદ કરે છે.લાલ રંગ શુભ પણ મનાય છે. અને આ કલર લગભગ બધી યુવતીઓને શોભે છે.રાજકુમાર રાવની નવોઢા પત્રલેખાએ પણ ગોલ્ડન વર્ક કરેલી લાલ રંગની સાડી પહેરી હતી. તેની ઓઢણીમાં રાજકુમાર રાવનેપ્રેમ સંદેશ આપતી બંગાળી કવિતા લખવામાં આવી હતી.તેની સાથે અભિનેત્રીએ હીરા,મોતી,પન્નાના ઘરેણાં ધારણ કર્યાં હતાં.
આપણા દેશના દરેક પ્રાંતમાં નોખા નોખા પ્રકારની સાડીઓ જોવા મળે છે. એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય કે ચોક્કસ સાડી ચોક્કસ પ્રાંતની ઓળખ બની ગઇ હોય છે.આમ છતાં મટિરિયલની રીતે જોવા જતાં સિલ્ક મહિલાઓની પહેલી પસંદ ગણાય છે. સિલ્કની સાડી ક્યારેય આઉટડેટેડ નથી થઇ. અભિનેત્રી યામી ગૌતમે પોતાના સાદગીભર્યા વિવાહમાં લાલ રંગની સિલ્કની સાડી પહેરી હતી.અને તે પણ પોતાની માતાની ૩૩ વર્ષ પહેલાની.આટલાં વર્ષ પછી પણ તેણે પહેરેલી સાડી એવી લાગતી હતી જાણે નવી ખરીદી હોય. આ બાબત જ આપણા સિલ્કની સમૃધ્ધિ દર્શાવે છે.યામીએ તેની સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી.આ લુકમાં તેનું સાદગીભર્યું સૌંદર્ય ખિલી ઉઠયું હતું.
મહિલાઓમાં બનારસી સાડી પણ અત્યંત પ્રિય છે.પરંપરાગત સાડીઓમાં બનારસી સાડી બેસ્ટ ચોઇસ ગણાય છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ પોતાના લગ્નમાં બનારસ સાડી પહેરીને પુરવાર કર્યું હતું કે મોંઘાદાટ ડિઝાઇનર લહંગા-ચોળી કરતાં બનારસી સાડી ચડી જાય. બનારસી સાડીની જેમ જ કાંજીવરમ પણ મહિલાઓની માનીતી સાડી છે. વાસ્તવમાં કાંજીવરમને વૈભવી સાડી તરીકે ઓળખવામાં આવે છે. વળી કાંજીવરમમાં એટલી વિવિધતા મળી રહે છે કે માત્ર નવવધૂ જ નહીં, તેના પરિવારજનો પણ પોતાની વયને અનુરૂપ કાંજીવરમ સાડી ધારણ કરી શકે. ખાસ કરીને પ્રૌઢાઓ અને વયસ્ક મહિલાઓ માટે મળતી કાંજીવરમની વરાઇટી તેમને જાજરમાન લુક આપે છે.
જોકે એમ કહેવું ઊચિત લેખાશે કે કોઇપણ વયની રમણી અન્ય કોઇપણ પોશાક કરતા સાડીમાં જાજરમાન લાગે.
- વૈશાલી ઠક્કર