ચહેરાની લબડતી ચામડીને ફરી 'ચુસ્ત' બનાવતી ટ્રીટમેન્ટ
- સિલુએટ ફેસલિફટ
સદા યુવાન રહેવાના અભરખામાં સ્ત્રીઓ હંમેશા પુરુષો કરતાં મોખરે રહી છે. બજારમાં મળતી સંખ્યાબંધ ક્રીમ, બોટોક્સ, ફિલર જેવા વિવિધ નુસખાઓ બાદ છેલ્લા કેટલાંક સમયથી ફેસલિફટ ટ્રીટમેન્ટ પ્રચલિત બની છે, પરંતુ હવે આ સારવારમાં પણ એક પગલું આગળ ગણી શકાય એવી સિલુએટ ફેસલિફટ અથવા ફેધર લિફટ પદ્ધતિ લોકપ્રિય બની રહી છે. ચહેરાની લબડી પડેલી ત્વચાને ચોક્કસ પ્રકારના થ્રેડ વડે ઉપર ખેંચી લઈને ચામડીેને ફરી 'યુવાન' બનાવવાની સારવાર એટલે ફેસલિફટ.
તાજેતરમાં દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ સિલુએટ ફેસલિફટ સારવાર એક બિનનિવાસી ભારતીય મહિલા પર કરવામાં આવી હતી. અમેરિકામાં આ ટેકિનક ચારેક મહિના અગાઉ શરૂ થઈ હતી. મેક્સ હોસ્પિટલના 'પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રકશન સર્જરી' વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. સુનીલ ચૌધરી જણાવે છે કે ચોક્કસ પ્રકારના ગાંઠવાળા અને કોનવાળા દોરા વડે આ અત્યાધુનિક ફેસલિફટની સારવાર કરવામાં આવે છે. ચહેરાના જે ભાગની ચામડી લબડી પડી હોય ત્યાં બારીક રેખા દોરવામાં આવે છે. ત્યાર પછી ત્યાં વાળ જેવો પાતળો કાપો મુકીને અર્ધગોળાકાર સોય વડે આ ખાસ પ્રકારનો દોરો માંસલ ભાગમાં દાખલ કરવામાં આવે છે. દોરામાં રહેલા કોન એકદમ ફલેક્ઝિબલ હોય છે તેથી તે સરળતાથી અંદર પ્રવેશી જાય છે. ત્યાર બાદ આ દોરાને જરૂરિયાત મુજબ ખેંચી લઈને સોય પાછી કાઢી લેવામાં આવે છે. થોડાં અઠવાડિયા પછી દોરામાં રહેલા કોન અંદર શોષાઈ જઈને ફાઈબ્રોસિસ પેદા કરે છે. પરિણામે ચહેરા નીચે રહેલાં પેચ સમથલ બની જાય છે. આને પરિણામે એ વાતની પણ ખાતરી થઈ જાય છે કે દોરો યોગ્ય રીતે તેના સ્થાને ગોઠવાઈ ગયો છે. આ સારવાર પાંચેક વરસ ટકે છે. ચહેરાની ત્વચાને ઊંચકવા માટે જરૂરી હોય એટલા દોરા વાપરવામાં આવે છે. એક જોડી દોરાની કિંમત તેરથી ચૌદ હજાર રૂપિયા જેટલી થાય છે. સંબંધિત એનઆરઆઈ મહિલા માટે છ દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણથી ચાર દિવસના હોસ્પિટલના રહેઠાણ અને દોઢ લાખ રૂપિયાના ખર્ચ પછી પંચાવન વર્ષની આ પ્રૌઢાની ઢીલી પડી ગયેલી ત્વચા ફરી પાછી 'યુવાન' બની ગઈ હતી.
ડૉ. ચૌધરી કહે છે કે ફેસલિફ્ટિંગ માટે અત્યાર સુધી જે દોરો વાપરવામાં આવતો હતો તે સાદો હતો. એટલે કે તેમાં ગાંઠ કે કોન નહોતા. આ પરંપરાગત દોરાથી કરવામાં આવતું ફેસલિફટ ચારથી પાંચ વર્ષ ટકે છે. જ્યારે સિલુએટ પદ્ધતિથી આપવામાં આવેલી સારવારનું આયુષ્ય પાંચથી દસ વર્ષનું છે. આ ઉપરાંત જુની પદ્ધતિમાં એક પખવાડિયા સુધી રક્ત પરિભ્રમણ થતું નથી, જ્યારે અત્યાધુનિક પદ્ધતિમાં ત્વચા નીચે દાખલ કરવામાં આવેલા દોરાની સંખ્યા મુજબ પોણા કલાકથી દોઢ કલાકમાં લોહીનું પરિભ્રમણ શરૂ થઈ જાય છે.
આમ છતાં આ સારવાર નિષ્ણાત તબીબ પાસેથી જ કરાવવાનો આગ્રહ રાખવાની સલાહ આપતાં તેઓ વધુમાં કહે છે કે નહીં તો તમારા ચહેરાની અંદર રીતસર દોરા લટકતા હશે એની ખબર પડી જશે.