આયુર્વેદની અનમોલ ભેટ : સુવર્ણપ્રાશન

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
આયુર્વેદની અનમોલ ભેટ : સુવર્ણપ્રાશન 1 - image


- આરોગ્ય સંજીવની

''સુવર્ણપ્રાશન'' સંસ્કાર આજનાં જાગૃત માતા-પિતા માટે નવું નામ નથી. આયુર્વેદમાં આ સંસ્કાર 'પુષ્યનક્ષત્ર'નાં દિવસથી શરૂ કરવાનું આચાર્યોનું વિધાન છે. આ સંસ્કાર બુદ્ધિવર્ધક તરીકે સ્થાપિત થયેલો છે. બુદ્ધિશક્તિ માટે તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે.

આજના ટેકનોલોજી અને કોમ્પ્યુટરના યુગની બાળકોની જનરેશન તેમની ઉંમરની સરખામણીએ વધુ હોંશિયાર અને બુદ્ધિશાળી જોવા મળે છે, પરંતુ તેની સાથે-સાથે બાળકોમાં જૂની પેઢી કરતા વધારે માનસિક નબળાઈઓ જોવા મળે છે, જેમ કે, આજની પેઢીનાં બાળકોમાં જીદ્દીપણું, ચિડીયાપણું, આક્રોશ-ગુસ્સો વગેરે ઉંમર કરતા ઘણો વધારે જોવા મળે છે. વળી, બાળક સહેજ મોટું થતાં ટેન્શનવાળુ અને સ્ટ્રેસફુલ માઈન્ડ વાળુ થઈ જાય છે. સહનશક્તિ અને સમજશક્તિનો તથા ધીરજનો નવી પેઢીનાં બાળકોમાં ખૂબ અભાવ જોવા મળે છે. પહેલાનાં સમયમાં મોબાઈલ કે કોમ્પ્યુટર ન હોવાથી અમુક પ્રકારનું મગજ તનાવમુક્ત ચોક્કસ હતા. બાળકોનાં મગજનો વિકાસ સુંદર રીતે થાય તે માટે આયુર્વેદમાં બાળકનાં ગર્ભવિકાસ દરમિયાન જ ગર્ભિણી માતા માટે નવ માસ દરમિયાનનાં આહાર-વિહાર, પરિચર્યા વગેરેની સુંદર સમજ આપેલી છે. જેનું પાલન ગર્ભિણી સ્ત્રી વૈધની સલાહ મુજબ કરે તો, નવ માસ પછી શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત બાળક મેળવી શકે છે. આજના સમયમાં જ્યારે ઘરમાં એક કે બે જ બાળકો હોય ત્યારે જરૂરી છે કે, માતાને પ્રેગનન્સી રહે કે તુરંત જ વૈદ્યકીય સલાહ લેવી જોઈએ, જેથી શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્ત બાળક મેળવી શકાય.

પરંતુ જો માતાઓ ગર્ભાવસ્થા દરમિયાન આવી કોઈ વિશેષ કાળજી લઈ શકી નથી તેમણે પણ ગભરાવાની કે પસ્તાવો કરવાની જરૂર નથી.

આયુર્વેદમાં બાળકના જન્મથી લઈ તે ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય તેવો ''સુવર્ણપ્રાશન''નો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલો છે. જેને બ્રેઈનટોનીક પણ કહી શકાય છે. ''સુવર્ણ'' એટલે ''સોનું'' અને ''પ્રાશન'' એટલે ''ચટાડવું'' સૂવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા જેવી બુદ્ધિશક્તિ વર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકની બુદ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશન જન્મથી લઈને ૧૨ વર્ષના બાળકો માટે ખૂબ જ લાભદાયક છે. ૧૨ વર્ષ સુધી બાળકોમાં મગજ અને બુદ્ધિશક્તિનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે, એટલે તો, કહેવત છે કે, ''બારે બુદ્ધિ, સોળે શાન અને ત્રીસે વાન''.

બુદ્ધિશક્તિ ઉપરાંત સુવર્ણ એ સૂક્ષ્મતાનાં ગુણથી બાળકનાં દરેક સ્ત્રોતસમાં ફેલાઈને બાળકની ઈમ્યુનીટી-રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે છે. જેથી, નાના બાળકોને અવાર-નવાર શરદી-ઉધરસ વગેરે થતાં નથી તથા તે ઓછા બિમાર પડે છે. બાળકોને સુવર્ણપ્રાશન કરાવવાથી તેમની મગજની કાર્યક્ષમતા તથા યાદશક્તિ વધતાં અઘરા વિષયો જલદી યાદ રહેતાં અને સમજાતાં બાળકને ભણવામાં પણ રસ પડવા લાગે છે. તે કંટાળી જતું નથી કે ચિડીયુ બનતું નથી, અને ઉપલા ધોરણોમાં આવતાં અઘરા વિષયોથી ગભરાતું નથી કે ડિપ્રેશનમાં આવી જતું નથી. નિયમિત પાણી મળવાથી છોડનો વિકાસ જેમ વધુ સારો થાય છે, તેમ નિયમિત સુવર્ણપ્રાશનથી બાળકનાં મગજનો વિકાસ ઝડપી અને વધુ સારો થાય છે.

મોર્ડન સાયન્સમાં જેમ બાળકોને પોલીયો, મેલેરીયા, બી.સી.જી. વગેરેની રસી આપીને જે-તે રોગો સામે લડવાની શક્તિ આપવામાં આવે છે, તેવી જ રીતે આયુર્વેદમાં બુદ્ધિશક્તિવર્ધક ઔષધો અને સુવર્ણથી બાળકના મગજનાં કોષોને વધારે કાર્યરત બનાવવા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે.

આયુર્વેદમાં વિધાન છે કે, યોગ્યવિધિથી નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરવામાં આવેલું સુવર્ણપ્રાશન બાળકને ''શ્રુતધર'' અર્થાત સાંભળવા માત્રથી યાદ રાખી શકે તેવું મેઘાવી બનાવી શકે છે.

આજના સમયમાં જ્યારે ''સુવર્ણ''નાં ભાવ આસમાને છે, ત્યારે ''સુવર્ણપ્રાશન'' સંસ્કારમાં ખરેખર ''સુવર્ણ'' પીવડાવવામાં આવે છે કે, કેમ તે પણ થોડું શંકાશીલ છે. તેથી બાળકોને સુવર્ણપ્રાશનની પહેલેથી તૈયાર રાખેલી મોંઘી બોટલો જે બહાર મળતી હોય છે, તેનાથી સુવર્ણપ્રાશન ન કરાવતા શાસ્ત્રોક્તવિધિથી નિષ્ણાંત વૈદ્યની સલાહમાં નજર સમક્ષ જ સુવર્ણપ્રાશનની સાથે મેધ્ય- ઔષધોયુક્ત પ્રાશન બાળકોને અપાવવાનો આગ્રહ રાખવો જોઈએ. પુષ્યનક્ષત્રની ''સુવર્ણધાતુ'' ઉપર અસર ઘણી પ્રભાવશાળી હોય છે, જેથી આ નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવું ઘણું જ લાભદાયક છે. આજનાં યુગમાં જ્યારે દંપતીને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બને તે જોવું તે દરેક દંપતીની પ્રથમ ફરજ છે, જે માટે ''સુવર્ણપ્રાશન'' એ શ્રેષ્ઠ સારવાર છે, અને બાળકની ઉંમર ૧૨ વર્ષની થાય તે પહેલાં દરેક માતા-પિતાએ પોતાનાં બાળક માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરાવવા જેવો શ્રેષ્ઠ આયુર્વેદીક બુદ્ધિવર્ધક સંસ્કાર છે.

- જ્હાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News