Get The App

પોષક તત્વોનો પાવરહાઉસ, ભારતીય સુપર ફૂડ મોરિંગા

Updated: Jul 1st, 2024

GS TEAM


Google News
Google News
પોષક તત્વોનો પાવરહાઉસ, ભારતીય સુપર ફૂડ મોરિંગા 1 - image


પ્રાચીન સમયથી જો કોઈ એક શાક આહાર અને ઔષધ બંને તરીકે ઉપયોગી હોય તો તે છે મોરિંગા. અભૂતપૂર્વ પોષકતત્વોનો સ્ટોરહાઉસ ગણાતું મોરિંગા અથવા સરગવાની સિંગ આપણા ઘણા આહાર કરતા અનેક ગણુ વધુ પોષક હોવાનું માનવામાં આવે છે.

ભારતીય સુપરફૂડ મોરિંગા યુક્ત પાણી શરીરને પોષક તત્વો પૂરા પાડતું હોવા ઉપરાંત વજન ઘટાડા અને ડીટોક્સમાં પણ સહાય કરે છે.

મોરિંગામાં ગાજર કરતા વધુ પ્રમાણમાં વિટામીન એ છે જે અન્ય કોઈપણ શાકભાજી કરતા વધુ પ્રમાણમાં શરીરને પોષણ પૂરુ પાડે છે. ચયાપચયની ક્રિયા સુદ્રઢ કરવી, બ્લડ સુગરને નિયંત્રિત કરવું, વાળની વૃદ્ધિ કરવા ઉપરાંત તે લિવરને પણ વિષમુક્ત કરે છે. બાળકો, કિશોરો, સગર્ભા મહિલાઓ અને બાળકને જન્મ આપનાર માતાઓને ખાસ તેમના શારીરિક અને માનસિક પોષણ માટે મોરિંગાનું સેવન કરવાની સલાહ અપાય છે.

મોરિંગાના પાન, થડ, ફૂલ અને છોડના વિવિધ હિસ્સાના અલગ અલગ લાભ છે. મોરિંગાના પાન અને તેનો પાવડર ચહા અને અન્ય વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે જ્યારે આ ઔષધ છોડના ફૂલ રસોઈમાં શાક અથવા કરી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારતીય ઉપખંડમાં સરળતાથી ઊગી શકતું મોરિંગા પોષક તત્વોથી ભરપૂર છે અને તેથી જ તેને સુપર ફૂડ માનવામાં આવે છે. તેનામાં સંતરા કરતા સાત ગણું વધુ વિટામીન સી, ગાજર કરતા દસ ગણુ વધુ વિટામીન એ, દૂધ કરતા ૧૭ ગણું વધુ કેલ્શિયમ, દહીં કરતા નવ ગણું વધુ પ્રોટીન, કેળા કરતા ૧૫ ગણું વધુ પોટેશિયમ અને પાલક કરતા ૨૫ ગણુ વધુ લોહતત્વ છે.

સરગવાની સિંગના વૃક્ષમાંથી મળતા મોરિંગાના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને આધુનિક ન્યુટ્રિશનિસ્ટો પણ તેને સુપર ફૂડ માને છે. જો કે તેના ઉપયોગ અને તેની અસરના પ્રમાણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ગાઢ રીતે વણાયેલા છે.

મોરિંગાના પાન સરગવાના વૃક્ષમાંથી મેળવી શકાય છે. તેને પાણીમાં ઉકાળીને આ પાણીનો ઉપયોગ કરી શકાય અથવા આ પાન સુકવીને તેનો પાવડર બનાવી શકાય. મોરિંગાનું પાણી સવારે ખાલી પેટ પર પીવાથી અનેક બીમારીમાં લાભ મળે છે અને શરીરના પોષણની વિવિધ ખામીઓ પૂર્ણ થાય છે.

પોષણનો પાવરહાઉસ

મોરિંગા એન્ટીઓક્સિડન્ટનો સમૃદ્ધ સ્રોત છે અને એ, સી, ઈ જેવા જરૂરી વિટામીન, કેલ્શિયમ, પોટેશિયમ અને લોહ જેવા ખનિજોથી ભરપૂર છે. જેને લોહતત્વની કમી હોય અથવા ઉપર જણાવેલા વિટામીનની કમી હોય, વાળ ખરવાની સમસ્યા હોય, હાડકા બરડ થયા હોય અથવા ત્વચાની સમસ્યા હોય તેમણે પોતાની દૈનિક પ્રવૃત્તિમાં મોરિંગાના પાણીને અવશ્ય સામેલ કરવું.

મોરિંગામાં બેટા કેરોટિન અને વિટામીન સી હોવાથી તે પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે, ખાસ કરીને ચોમાસા અને ઉનાળામાં આ પાણી ચેપ અને બીમારી સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.

હાડકાનું સ્વાસ્થ્ય સુધારે છે

મોરિંગામાં બળતરા અને સોજો દૂર કરવાના ગુણ પણ છે અને તેમાં પોલીફેનોલ અને ફ્લેવોનોઈડ્સ હોવાથી તેનાથી પીડામાં રાહત થાય છે. નબળા હાડકાં, આર્થરાઈટીસ અને હાડકાંની ઘનતાની સમસ્યા હોય તેવા દર્દીઓને મોરિંગાના સેવનની ખાસ ભલામણ કરવામાં આવે છે.

મોરિંગામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી વેગન અને શાકાહારી બંને માટે તે લાભકારક છે. બંને તેમાંથી કેલ્શિયમની દૈનિક આવશ્યક્તા પૂરી કરીને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડી શકે છે. ઉપરાંત તેમાં રહેલું વિટામીન કે હાડકાંના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને હાડકાંની રચના માટે આવશ્યક પ્રોટીનને સક્રિય કરે છે.

ચયાપચયની ક્રિયા સુધારે છે, વજન ઘટાડા માટે પણ ઉપયોગી

મોરિંગા યુક્ત પાણીથી ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે અને વજન ઘટાડામાં સહાય કરે છે. તેમાં પોષક તત્વો ભરપૂર હોવાથી અને કેલરી ઓછી હોવાથી તેનાથી ભૂખ ઓછી લાગે છે જેના કારણે વજન ઘટે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ

મોરિંગા ડાયાબીટીસના દર્દીઓ માટે અત્યંત લાભકારક છે. તે ઈન્સ્યુલીન સામે સંવેદનશીલતા સુધારે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જેને પણ ડાયાબીટીસ પૂર્વને લક્ષણ હોય તેણે ખાલી પેટે મોરિંગા યુક્ત પાણીનું સેવન કરવું જોઈએ.

ડીટોક્સ માટે ઉપયોગી

મોરિંગા કુદરતી રીતે લિવર અને કીડનીની કામગીરીમાં સુધારો કરવાના ગુણો ધરાવે છે. તેનાથી શરીરમાં જોમ અને ઉત્સાહના સ્તરમાં વધારો થાય છે અને કેફિનની આડઅસર ઓછી થાય છે તેમજ કેફિન છોડયા પછીના લક્ષણો પણ દૂર કરવામાં સહાય કરે છે.

ત્વચા માટે ઉત્તમ

મોરિંગા વિટામીન ઈનો સમૃદ્ધ સ્રોત હોવાથી ત્વચા માટે ઉત્તમ સાબિત થાય છે. તેનાથી ખીલ ઓછા થાય છે અને ત્વચામાં કાંતિ લાવે છે. તેમાં રહેલા લોહના ઉચ્ચ પ્રમાણને કારણે મોરિંગા પાવડર અથવા મોરિંગા યુક્ત પાણી વાળની વૃદ્ધિ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યામાં લાભ થાય છે અને શરીરમાં લોહ તત્વની ખામીને પૂરી કરે છે. આથી એનેમિયા અને હેમોગ્લોબીનના ઓછા સ્તરનો સામનો કરી રહેલી વ્યક્તિઓ માટે તેની ભલામણ કરી શકાય છે.

- ઉમેશ ઠક્કર

Tags :