એક મજાની વાર્તા : સુટકેસ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : સુટકેસ 1 - image


- સંકલનઃ પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

'અરે કેમ મોડું થયું આજે તને !? ક્યારની અવઢવમાં છું કે તું આવીશ કે નહિ..કમસે કમ ફોન તો કરાય ને.. 'સોનું હજી પ્રવેશદ્વારમાં જ હતી ત્યાં જ તે વરસી પડી.

'જવાદોને વાત જ બેન,  મારી મોટી બેન સવાર સવારમાં રડતી રડતી આઈતી. પાછળ પાછળ એનો ઘરવારો, એટલે બબાલ થઈ ગઈ.'

'ઓહ, કેમ શું થયું !!?

'એનું સીવવાનું મશીન એના ઘરવારાએ ઉપરથી નીચે ફેંકી દીધું.'

લે...સીવવાના મશીનમાં એને એવો તો શું વાંધો પડયો !?

'એને મારી બેન કામ કરે એ નથી ગમતું. પહેલા મારી જેમ કામ કરતી હતી એમાંય વહેમાતો હતો.'

'પણ ઘરે રહીને કામ કરવામાં ય એને વાંધોે પડયો !?'

'હા, કેમકે એમાંય એને એવી બીક હતી કે મારી બેન કમાવા લાગશે તો એની ઉપર રોફ કરશે. બધા કંઈ દીપકભાઈ જેવા સારા થોડી હોય!'

સોનું દ્વારા બોલાયેલા છેલ્લા શબ્દો તેના મનમાં આમથી તેમ અફડાવવા લાગ્યા. તેં  મનોમન વિચારવા લાગી. સાચ્ચેજ બધા માટે કેટલો સારો છે દીપક. એટલે જ તો છવ્વીસ વર્ષ પહેલા માત્ર પાંચ મુલાકાતમાં ગમી ગયેલા દીપક સાથે વધુુ વિચાર્યા વગર પોતે કમ્પાઉન્ડ વોલ કૂદીને ભાગી ગયેલી. શરૂઆતમાં નારાજ મારી મમ્મી અને ભાઈ પણ ધીરે ધીરે દીપકના સારા સ્વભાવને કારણે માની ગયેલા. આજે ય ગામ એકલી રહેતી મારી મમ્મીને ભાઈ પાસે પૈસા નથી માંગવા પડતા. એટલી નિયમિતતાથી દીપક એને પૈસા મોકલાવે છે. આ વખતે લગ્નની વર્ષ ગાંઠે પણ બધા કહેતા હતા કે તમારું દાંપત્ય ખૂબ મીઠું અને મધુરું છે. 

એના મનમાં ચાલતા વિચારોથી અજાણ સોનુએ આગળ ઉમેર્યું 'પાછો પી પી ને મારે છે ય બહુ... જાતે કમાતી હોય તો સારું એની મરજી પ્રમાણે કંઈક તો કરી શકે. આ તો પાણી પણ પૂછીને પીવું પડે એવી દશા થઈ જાય.'

'કાશ દીપક પણ મને મારતો હોત' તે સ્વગત બબડી.  તેનાથી અનાયાસ જ બોલી જવાયું. અને પોતાના જ વિચાર ઉપર વિચારવા લાગી કે આવું કેમ બોલાયું એનાથી !! સામેથી પીડા મળે એવું કોણ ઈચ્છે !? 

પોતે પોતાના જ મનમાં ઉઠેલા સવાલના જવાબ આપે એ પહેલા અંદરના રૂમમાં માળીયા  ઉપર કશું મૂકવા ચઢેલી સોનું જોરથી બોલી

'બેન આ સૂટકેસ સાવ ખરાબ થઈ ગઈ છે, કાઢી નાંખો ને નક્કામી મૂકી રાખી છે.'

 'નક્કામી કેવી રીતે કહેવાય એને આખા ય ઘરમાં એક એ તો છે જે મારા સપનાઓને સાચવે છે. તેની અંદર બધ થઈ ગયેલા મારા સપનાં ભલે બંધ છે પણ અકબંધ તો છે. સાવ કચરાપેટીમાં તો નહિ નાંખું. શું ખબર ક્યારેક એ સ્થિતિમાં આવી જાઉં કે એને ખોલીને મારા સપનાઓને સ્વછંદ થઈ ગગનમાં ઉડવા દઉં..' પરંતુ આ બધા શબ્દો હોઠ દ્વારે બહાર આવવા ધક્કામુક્કી કરતા હોવા છતાં તેઓને હંમેશની જેમ ધક્કો મારીને અંદર ધકેલી દીધા અને માત્ર એટલું જ બોલી કે 'ના ના એને તું રહેવાદે'.

ના બોલાયેલા શબ્દો ક્યાંક જીદે ચઢીને બહાર ના નીકળે એના માટે તેને વાત બીજે વાળવા સોનુને સામો પ્રશ્ન કર્યો,

'તે પછી તારી બહેને આગળ શું વિચાર્યું ?' પોતાના જ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો સોનુ જવાબ આપે એ પહેલા પોતે વિચારવા લાગી કે શું આ પ્રશ્ન મારે મારી જાતને પૂછવાની જરૂર નથી !? કે તે આગળ શું વિચાર્યું  !? વીજળીવેગે તેના મનમાં વિચારો રમણ ભમણ કરી રહ્યા હતા.

મારું પણ જીવન ક્યાં મારી મરજીથી ચાલે છે. શ્વાસ પણ પૂછીને લેવા પડે એવી સ્થિતિમાં કોઈ ખુશ કેવી રીતે રહી શકે. મારી ઈચ્છાઓ તો ઠીક પણ કોની આગળ કેવા શબ્દો બોલવા તે સુદ્ધાં દીપક નક્કી કરે છે. શું આ પણ એક પ્રકારનો માનસિક માર નથી !? જે દેખાતો નથી પણ હોય છે. જે મનને અને શરીરને વધુુ દુંખાય છે. પણ દુનિયાની નજરમાં દીપક તો સારો જ છે. સતત ચંચળ હરણીની જેમ કૂદતી દોડતી, તેજસ્વી હું આકાશમાં મુક્ત રીતે ઉડવા માટે તો એની સાથે ભાગી હતી. પણ અહીં આવી  ત્યારે ખબર પડી કે અહીં તો આકાશ જેવા લોભામણાચિત્ર વાળુ અદ્રશ્ય પાંજરું હતું. પણ ત્યારે એને તોડીને પણ ક્યાં જાઉં? ભાગીને આવેલી એટલે મજબૂર હતી. બધા જ સપનાઓ સાથે લઈને આવેલી એ સુટકેસમાં જ બંધ થઈ ગયેલા. પછી એના ઉપકારો એ મજબૂર કરી દીધી હતી.

તેના માનસિક દ્વંદ્વ થી અજાણ સોનું બોલી 'દર વખતે રડીને બેસી રહેતી હતી. પણ આ વખતે પહેલી વાર હિંમત કરીને પિયર આવી ગઈ અને મારી મા એ ય એના ઘરવારાને કહી દીધુું કે એને  કામ કરવા દેશો તો જ મોકલીશું. કમસેકમ અહીં એ જાતે કમાઈને આઝાદી જીવી તો શકશે.' સોનુના જવાબે સીમાને ઢંઢોળી. પહેલીવાર તે સ્પષ્ટ, સજ્જ થઈ. કોઈને ગમે ના ગમે પોતાની સીમાઓ ભૂંસવા તત્પર બની અને બોલી 'પેલી સૂટકેસ મને ઉતારી આપ ને...'

લેખકઃ જાગૃતિ પટેલ (વડોદરા)


Google NewsGoogle News